૩૩૫ - કાળીતલાવડી પર છત્રીએ ચરણારવિંદ-પ્રતિષ્ઠા
હવે ચરણારવિંદની પ્રતિષ્ઠા માટે છત્રીએ જવાનું હોવાથી સહુ તૈયારી કરવા લાગ્યા ને એક કોર ઠાકોરજીની પાલખી શણગારી હરિભક્તોએ ઝાંઝમૃદંગ વગાડતા કીર્તન બોલવા માંડ્યાં. મહારાજની મૂર્તિ પાસે ચરણારવિંદ પધરાવી ચંદન-પુષ્પથી પૂજા કરેલ હોવાથી સહુ દર્શન કરતા આવે ને સંતો તથા બાપાશ્રી આગળ ચાલે, વાંસે હરિભક્તોની પંક્તિઓ ને છેટેથી બાઈઓનો સમૂહ તે પણ આવી શોભા જોઈ રાજી થતાં આવે; આગળ ઢોલ, ત્રાંસા ને શરણાઈ વાગે. આ રીતે ધામધૂમથી સહુ છત્રીએ પહોંચ્યા, ત્યાં તો છત્રીએ પણ હરિભક્તોની ઠઠ્ઠ થઈ રહી હતી. પ્રતિષ્ઠાનો સમય થયા પહેલાં ભૂજ, મૂળી અને અમદાવાદથી આવેલ બ્રહ્મચારીઓ તથા પુરાણી મુનીશ્વરાનંદજી વગેરે હોમ-હવન કરી વિધિ કરવા લાગ્યા. સંતો સ્તોત્ર તથા અષ્ટક બોલતા હતા ને હરિભક્તોએ પણ ઉત્સવથી એ સ્થાન ગજાવી મૂક્યું; એ વખતે સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા અમદાવાદના બ્રહ્મચારી વૈષ્ણવાનંદજી તથા મૂળીના બ્રહ્મચારી કરુણાનંદ સ્વામી તથા ભૂજના મહંત સ્વામી મહાપુરુષદાસજી, વિજ્ઞાનદાસજી, ભક્તિપ્રિયદાસજી આદિ મોટા મોટા સંતોને લઈ શ્વેત વસ્ત્રોથી શોભતા અનાદિ મુક્તરાજ બાપાશ્રી છત્રી પાસે આવ્યા. સંત-હરિભક્તો ‘જય જય’ના ઉચ્ચાર કરતા હતા ને હરિભક્તો ગુલાબનાં ફૂલથી છેટે ઊભા રહ્યા થકા પૂજા કરતા હોવાથી જાણે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થતી હોય તેમ સુગંધ સુગંધ થઈ રહ્યો હતો. કેટલાક હરિભક્તો તો ઉમંગમાં આવી ઘડી ઘડી ફાંટો ભરી ગુલાલ ઉડાડતા હતા. પછી સમય થયો એટલે બાપાશ્રી તથા બ્રહ્મચારી અને સંતોએ મળી, ચરણારવિંદની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી; તે ટાણે સર્વત્ર ‘જય જય’ શબ્દ ગાજી રહ્યો.
આ રીતે આનંદ-ઉત્સવ થઈ રહ્યા પછી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ ટાણે સહુને વરદાન આપો’ ત્યારે બાપાશ્રી પ્રસન્નં થઈ બોલ્યા જે, ‘સ્વામી, આ સ્થાન મહાપ્રસાદીનું છે, તેથી આ યજ્ઞમાં જે જે સંત-હરિભક્તો આવેલા છે, તથા પશુ, પક્ષી, મનુષ્ય વગેરે સેવામાં આવ્યા હશે, અને વિમાને બેસી અંતરિક્ષથી જે જે અધિકારી દેવો દર્શન કરી ગયા હશે તે સર્વેનો છેલ્લો જન્મ કરી શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જશું અને હવે પછી આ ઠેકાણે આ પ્રસાદીસ્થાન તથા ચરણારવિંદનાં જે કોઈ દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિ દર્શન કરશે, તથા ઉપરથી જે પક્ષી ઊડી જશે, તે સર્વેનો આત્યંતિક મોક્ષ કરશું. આવાં વચન સાંભળી સંતો ઘણા રાજી થયા ને ચંદનનું તાંસળું ભરીને લાવ્યા હતા, તે લઈ બાપાશ્રીને ભાલે ચંદન ચર્ચવા માંડ્યું. ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘ભીડ ઘણી છે ને સહુને જમવાનું મોડું થાય છે, તેથી લાવો અમે સહુની પૂજા કરીએ’, –એમ કહી પોતાને હાથે ચંદન ઉછાળતા સહુ પર ચંદનના છાંટણાં નાખી ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી ગાજતેવાજતે ઉમંગભર્યા સહુ મંદિરમાં આવ્યા.