૭૦૩ - કરાંચીના હરિભક્તોને પ્રસન્નતાના ચાંદલા
એક દિવસ રાત્રે કરાંચીથી આવેલા ગોરધનભાઈ, સોમચંદભાઈ, વલ્લભદાસભાઈ આદિ હરિભક્તોને કરાંચી જવાનું હતું તેથી તે સહુએ બાપાશ્રીને હજારી ફૂલના હાર પહેરાવી કુંકુમના ચાંદલા કર્યા ને દંડવત્ કરી પ્રાર્થના કરી ત્યારે પોતે પણ કુંકુમ હાથમાં લઈ સૌને ચાંદલા કરતાં બોલ્યા જે, ‘આ હું તમને અક્ષરધામના ચાંદલા કરું છું એમ જાણજો, તમે ટાણે ટાણે દરિયા ઊતરી ઊતરીને અહીં આવો છો અને મહિમા જાણી તન, મન, ધનથી સેવાઓ કરો છો, તે બધુંય મારી જાણમાં છે,’ એમ કહી બેઠા બેઠા સહુને મળ્યા ને કહ્યું જે, ‘આ યજ્ઞમાં મહારાજે સંત-હરિભક્તો પર બહુ જ રાજીપો જણાવ્યો છે, તેથી બધીય લીલા દિવ્ય જાણી સંભારજો ને આવું ને આવું હેત મહાપથારી સુધી રાખજો.’ એમ કહી સૌના માથે હાથ મૂકી રજા આપી. તે વખતે એક કચ્છી હરિભક્ત ત્યાં ઊભા હતા તેમણે કહ્યું જે, ‘બાપા! આ કરાંચીના હરિભક્તોને આપનો મહિમા બહુ છે, કરાંચીથી નાનામોટા જેટલા અહીં આવે છે તેટલા જાણે નવા જ લાગતા નથી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘મહારાજ ને મોટાની કૃપાદૃષ્ટિમાં આવે તે એવા થઈ જાય.’ એમ તે હરિભક્તો પર પ્રસન્નતા જણાવી.
પછી તો સંત-હરિભક્તો રોજ પોતપોતાની સગવડે દેશમાં જવા લાગ્યા. કોઈ ગામડામાં દર્શન કરવા જાય તો કોઈ બારોબાર ભૂજ જાય, કોઈ માંડવી જવાનું કરે તો કોઈ ફાવે તે રીતે જાય, પણ એ સહુ ચાલે ત્યારે બાપાશ્રીને દંડવત્ કરી મળે કે ચંદન ચર્ચી હાર પહેરાવે, કોઈ પ્રાર્થના કરે, તો કોઈ આશીર્વાદ માગે; તે સર્વેને રાજી કરવા ઉપરાંત યજ્ઞમાં થયેલ ખર્ચ વગેરે લેવડદેવડનો હિસાબ કરવો કે વધેલ સમાનની વ્યવસ્થા કરવી એવાં એવાં કામમાં બાપાશ્રી તથા ગામના હરિભક્તો મળી નિર્ણય કરતા અને સભામાં સંતો કથાવાર્તા કરતા હોય ત્યાં પણ સવાર-સાંજ બેસતા. એ રીતે ચૈત્ર વદ ચૌદશની રાત સુધી બહારગામથી આવેલા સંત-હરિભક્તોને પોતપોતાને ગામ જવાનું તથા યજ્ઞસંબંધી લેવડદેવડનું કામકાજ ચાલ્યું.