૪૭૯ - રાધાબાને રાખવાની પ્રાર્થના સ્વીકારી

0:000:00

એ વખતે વીરમગામવાળા ડૉક્ટર નાગરદાસભાઈ તથા મણિલાલભાઈ, એ બન્ને ભાઈઓ કુટુંબે સહિત કચ્છમાં દર્શન કરવા આવેલા, તે ભૂજમાં ચાર દિવસ રહી ત્યાંથી સોની મોતીભાઈને સાથે લઈ વૃષપુર આવ્યા. રાત્રે મોડા પહોંચ્યા હોવાથી મંદિર પાસેના ઘરમાં ઉતારા કરી સૌ બાપાશ્રી પાસે જઈ દંડવત્ કરવા લાગ્યા. તે વખતે બાપાશ્રી પોઢ્યા હતા, તે જાગીને મળ્યા ને માર્ગના સમાચાર પૂછી મંદિરમાં આસન કરાવ્યાં. પછી તો ત્રણ દિવસ સુધી રોજ સવારથી સાંજ સુધી બાપાશ્રી તેમને પોતાની પાસે રાખી કથાવાર્તા કરે, જમાડે, છત્રીએ તથા વાડીએ જાય ત્યાં સાથે લઈ જાય એમ રાજીપો જણાવતા. પણ એ વખતે બાપાશ્રીનાં નાનાં દીકરી રાધાબાને તાવ આવતો હતો, તે થોડે થોડે વધતાં વધતાં એક દિવસ શ્વાસ થઈ ગયો ને વસમું લાગતાં શરીર ટાઢું પડવા માંડ્યું. આવું જોઈ ઘરના નાનામોટા સહુ દિલગીર થયા, ત્યાં તો તેમની પાછળ બાપાશ્રીએ ધર્માદો કરવાનું કહેવા માંડ્યું એ જોઈ સહુ વધુ ઉદાસ થઈ ગયા. એ ટાણે મોતીભાઈ કહેવા લાગ્યા જે, ‘બાપા! આ બિચારા પાંચ દિવસ ગુજરાતમાંથી અહીં દર્શન-સમાગમ કરવા આવ્યા ને તમે રાધાબાને ધામમાં મોકલો છો, આથી સહુનાં મન ઉદાસ થઈ ગયાં છે, તેથી દયા કરીને રાખો તો ઠીક.’ એમ કહી સૌએ મહારાજની પ્રાર્થના કરવા માંડી. એ વખતે મણિલાલભાઈ તથા નાગરદાસભાઈની આંખોમાં હેતને લીધે આંસુ આવતાં જોઈ બાપાશ્રી બોલ્યા જે, ‘તમે આમ ઉદાસ ન થાઓ; શ્રીજીમહારાજ સારું કરશે.’ પછી થોડી વાર થઈ ત્યાં તો રાધાબાના શરીરમાં ગરમાઈ આવવા માંડી ને બેશુદ્ધ હતાં તે પાધરાં જાગ્રત અવસ્થામાં આવી ગયાં અને બીજો દિવસ થયો ત્યાં તો સાવ સાજાં થઈ ગયાં; આથી ઘરમાં સર્વેને આનંદ થયો.