૩૫૦ - સ્વામી કૃષ્ણકેશવદાસજી ધામમાં પહોંચ્યા

0:000:00

ત્યાર પછી સવંત ૧૯૭૨ ના માહ મહિનામાં સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી અને મૂળીના સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી આદિ દસ સાધુઓ વૃષપુરમાં બાપાશ્રીનાં દર્શન-સમાગમ કરવા ગયેલા. તેમની સાથે સ્વામી કૃષ્ણકેશવદાસજી હતા. તે તો જાણે વૃષપુરમાં દેહ મૂકવા માટે જ જતા હોય તેમ તેને માર્ગમાંથી જ મંદવાડ થઈ ગયો. પોતાને દેહ રાખવાની જરાય તાણ નહિ, પણ એટલું તો મનમાં રહેતું જે, ‘વૃષપુરમાં મહામુક્તરાજ બાપાશ્રીનાં છેલ્લી વાર દર્શન થઈ જાય તો સારું. સંતો વૃષપુર પહોંચ્યા ત્યારે તેમને અંતરમાં શાંતિ થઈ ગઈ.’ બાપાશ્રીને ખબર પડી કે, ‘મંડળમાં એક સાધુ માંદા છે.’ તેથી પોતે સંતોને મળીને તેમને જોવા આવ્યા, ત્યાં તો તેમણે પ્રાર્થના કરવા માંડી જે, ‘બાપા! હવે મારું કાંઈ અધૂરું ન રહે, જો કાંઈ મારામાં કસર જણાતી હોય તોય તમારા પ્રતાપે માફ કરી, મને મહારાજના સુખમાં મેલી દેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે કાંઈ ચિંતા રાખજો મા, મહારાજ બહુ દયાળુ છે. એ દિવ્ય મૂર્તિને સંભાર્યા કરો.’ –એમ કહી માથા પર હાથ મૂક્યા કે તુરત તેમને અંતર્વૃત્તિ થઈ ગઈ; પછી બેત્રણ દિવસ સંતો રાબ કે કાંજી પાય તો પીએ ખરા, પણ પોતાને એક જ વૃત્તિ. એમ કરતાં દશમીને દિવસ સંધ્યાઆરતી પછી શ્વાસ ધીમો પડવા માંડ્યો, તે વખત સંતોએ સહિત બાપાશ્રી તેમની પાસે જઈને બેઠા, તેથી તે રાજી રાજી થઈ ગયા. પછી તો જાગ્રત થાય ત્યારે એકનજરે એ બાપાશ્રી સામું જુએ ને અંતર્વૃત્તિ થઈ જાય ત્યારે મૂર્તિમાં વૃત્તિ રાખે. એમ કરતાં નવ વાગ્યા પછી બાપાશ્રી કહે, ‘હવે વાર નથી; મહારાજ પધાર્યા છે.’ તે જ વખતે એ સ્થાનમાં વીજળીના ઝબકારાની પેઠે પ્રકાશ થઈ ગયો; તેથી સંતોએ મળી ધૂન્ય કરવા માંડી કે થોડી વારમાં દેહ મૂકી દીધો. પછી રાત્રે તો તેમને એમ ને એમ રાખ્યા ને સવારના ચાર વાગ્યા ત્યારે સંત-હરિભક્તો મળી અગ્નિસંસ્કાર કરવા લઈ ગયા.