૩૧૦ - આશાભાઈને અત્યંત હેત

0:000:00

આ આશાભાઈ સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી જ્યારથી કચ્છમાં આવવા લાગ્યા ત્યારથી વર્ષોવર્ષ બાપાશ્રી પાસે આવતા ને મહિમા બહુ જાણતા. જ્યારે એ વૃષપુરમાં આવે, ત્યારે બાપાશ્રીથી થોડી વારે જુદા ન પડે. ઊઠતાં, બેસતાં, નાહતાં, જમતાં, વાડીએ જતાં દરેક ઠેકાણે સાથે જ હોય. રાત્રે સૂવાનું કેવું તો, બાપાશ્રી પાસે બેસી માળા ફેરવતા હોય ને ઊંઘ આવે એટલે બેઠા બેઠા સૂઈ લે. આસન કરે તોપણ એવું જે, ઓઢવાનું લૂગડું પાથરી પાઘડી ઓશીકે મૂકી સૂઈ જાય. બાપાશ્રી વઢીને કહે ત્યારે એકાદ ગોદડું પાથરે. અર્ધી રાત્રે કે પહોર રાત્રે બાપાશ્રી જાગે કે પોતે જાગી જાય. પાણીનું પૂછે, નાહવું હોય તો નવરાવે, બાપાશ્રી પૂજા કરવા બેસે ત્યારે ચંદન ઘસી તિલક કરાવે, પ્રદક્ષિણા ફરે, દંડવત્ કરે, કોઈ નવા હરિભક્ત આવ્યા હોય તેને મહારાજ તથા બાપાશ્રીનો મહિમા કહે. સંતોની સેવા કરે અને ઘરમાં પણ જેમ બાપાશ્રીના પુત્રો પોતાનું ઘર માની કામકાજ કરે તેમ આ પણ કરે. સેવા કરવામાં એવા શૂરવીર કે કોઈ કામમાં આળસનું નામ નહિ. ક્યારેક બાપાશ્રી શરીરે કસર જણાવે, ત્યારે તો બોલતાં બોલતાં ગદગદ થઈ જાય ને પ્રાર્થના કરી રાજી કરે ને તાવ આદિ જે કાંઈ બતાવતા હોય તે મટાડી દેવાના આશીર્વાદ-વચન લે. બબે મહિના પાસે રહે, પણ દેશમાં જવાનું નામ નહિ. જ્યારે બાપાશ્રી પરાણે મોકલે કાં ઘેરથી બેચાર કાગળો આવે ત્યારે જવાનું કરે. પણ પાસે રહેવાની રુચિ ઘણી; વૃષપુરમાં સંતો ન હોય ત્યારે બાપાશ્રી તેમની પાસે વચનામૃત વંચાવે ને હરિભક્તોને તેમના મહિમાની વાતો કરે. રોજ ઘેર કે વાડીએ જાય ત્યાં કામકાજ દેખાય તે પોતે હોંશથી કરે. પોતાને ખેતીના કામની આવડત, તેથી વાડીનાં બધાંય કામમાં સૌની ભેળા ભળી જાય. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કરતાંય એ સેવા કરવાની વધુ તાણ બતાવે. આવું તેમનું હેત જોઈ થોડા દિવસ તેમને તથા ગામના હરિભક્તોને દર્શનસેવાએ રાજી કરતાં બે મહિને માંડ તેમને રજા આપી ઘેર મોકલ્યા.