૨૩૮ - વાતો લખવાની આજ્ઞા
વૃષપુરના હરિભક્તોને ખબર મળ્યા હતા કે, પૂનમને દિવસે બાપાશ્રી તથા સંતો આવવાના છે, તેથી રાત્રે સભા વખતે સહુ વાટ જોતા હતા ત્યાં તો આ મુક્તમંડળનાં દર્શન થયાં, એટલે સૌ દંડવત્ કરી મળ્યા. બાપાશ્રી તથા સંતોએ પણ મહારાજના દર્શન કરી આસન કર્યાં ને કથાવાર્તા થવા માંડી. આ રીતે હવે વૃષપુરમાં બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. સમય થયો ત્યારે સમાપ્તિ કરી સૌ ચેષ્ટા બોલ્યા. પછી સંતોએ આસન કરવા માંડ્યાં ને હરિભક્તો પોતપોતાને ઘેર ગયા. ત્યાર પછી રાત્રિના બાર વાગ્યાને સુમારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી લઘુ કરવા ઊઠ્યા, ત્યારે બાપાશ્રી પોતાને આસને જાગતા હતા, તે બેઠા થયા ને સ્વામીશ્રીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા, તેથી એ પાસે ગયા, તે વખતે પોતે તેમનો હાથ ઝાલી પાસે બેસાર્યા ને કહ્યું કે, ‘તમે વર્ષોવર્ષ અહીં આવો છો, જોગ-સમાગમ કરો છો, વાતો સાંભળો છો ને રાજી થાઓ છો. વળી સંતો પ્રશ્ન પૂછે છે, ત્યારે ભારે ભારે ઉત્તર થાય છે. આ બધુંય સહેજે દિવ્યભાવ પમાડી દે એવું છે. સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજીને અંતર્ધાન થયાં આજે પંદર વર્ષ થયાં, ત્યારના તમે આ દેશમાં આવો છો, પણ ક્યારેય આવી વાતોની યાદી લખી રાખતા નથી. જો લખી રાખતા હો તો પાછળથી ઘણા જીવોને સમાસ થાય.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘મને એમ તો ઘણા વર્ષ થયાં રહ્યા કરતું જે, આવી દિવ્ય વાતો લખું, પણ આપની મરજી જાણ્યા વિના કેમ લખાય?’ તેવા વચન સાંભળી પોતે અત્યંત પ્રસન્નતા જણાવી ને બોલ્યા જે, ‘સ્વામી! હવેથી લખતા રહેજો. વાતો બહુ સારી થાય છે. માંહી નકરો પરભાવ ચાલ્યો આવે છે ને મહારાજનો મહિમા તથા આજ્ઞા-ઉપાસનાની ખરેખરી નવીન વાતો થઈ જાય છે, માટે જરૂર લખજો. આગળ એ વાતોથી ઘણો સમાસ થશે.’ એમ રાજી થઈને બોલ્યા એટલે બીજે દિવસ વૈશાખ વદ એકમની સવારથી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કોરા કાગળની ચોપડી હરિભક્તો પાસેથી મંગાવી, વાતો લખવા માંડી. પછી તો સભામાં જ્યારે જ્યારે વચનામૃત વંચાય કે વાતો થતી હોય ત્યારે જો બાપાશ્રી અંતર્વૃત્તિ કરી ધ્યાને યુક્ત બેઠા હોય તો સ્વામીશ્રી પોતે પ્રશ્ન પૂછે અથવા સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી પૂછે; પછી તો જેમ જેમ ખબર પડતી ગઈ કે, વાતો લખાય છે, તેમ તેમ મોટા મોટા સંત-હરિભક્તોએ પ્રસંગ અનુસાર પ્રશ્નો પૂછવા માંડ્યા. તેવી જ રીતે આ અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ પણ ભારે ભારે વાતો કરવા માંડી. સવારે ઠાકોરજીને જમાડી, સંતો વાડીએ જાય ત્યાં અથવા ચોકમાં કે ઓસરીમાં બેઠા હોય, કાં તો કથાપ્રંસગ હોય કે સમૈયામાં પધાર્યા હોય, પણ જ્યાં સ્વામીશ્રી હાજર હોય ત્યાં વાતો થાય, તે લખી જ લેતા. (બન્ને સદ્ગુરુઓ ને મંડળે સહિત વર્ષોવર્ષ કચ્છમાં જવું. એવું તો જાણે નિયમ લીધું હોય તેમ નિયમિત સાથે કચ્છમાં જતા. સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સદ્ગુરુ સ્વામી નારાયણસેવકદાસજી તથા મૂળીના મોટા મોટા સંતો જોગ-સમાગમ માટે આવતા, પણ વાતો લખવાનું તો સંવત ૧૯૬૨ ના વૈશાખ વદ એકમથી જ ચાલુ થયું. બાપાશ્રી કોઈ વર્ષ કચ્છમાંથી ના લખી મૂકે કે, ‘હમણાં અમારે કામ છે અથવા તો શરીરે ઠીક નથી કે કાંઈ વ્યાવહારિક પ્રસંગ છે, માટે તમારે હમણાં ન આવવું,’ ત્યારે સદ્ગુરુઓ કચ્છમાં ન જાય તો ભલે. નહિ તો વર્ષોવર્ષ નિયમસર જતા. આમ સંવત ૧૯૬૨ થી બાપાશ્રી ૧૯૮૪ની સાલમાં અંતર્ધાન થયા, ત્યાં સુધીમાં ૬૪-૬૬-૭૭-૮૦ એમ ચાર સાલની વાતો લખાણી જોવામાં આવતી નથી. બાકી તો વર્ષોવર્ષ જેટલું પોતે મહિનો, પંદર દિવસ કે વધુ રહ્યા હોય, તેટલા સમયની વાતોનો સંગ્રહ કરેલ, તે બે ભાગમાં પોતે છપાવી પ્રસિદ્ધ કરી, સત્સંગમાં સંત-હરિભક્તોના આત્યંતિક મોક્ષને અર્થે અર્પણ કરેલ છે, જેમાં પહેલા ભાગમાં વાતો ૨૫૧ છે ને બીજા ભાગમાં ૧૫૭ વાતો ઉપરાંત એકસોત્રેવીસ પરચાની વાતો છે. આ અનાદિ મુક્તરાજની દિવ્ય વાણીરૂપ બે ભાગમાં વધુ તો મૂર્તિનું જ વર્ણન છે. એમ વાંચનારને જણાયા વિના નહિ જ રહે, તે માટે તેની પ્રસંશા કરવા કરતાં દરેક મુમુક્ષુજનોએ તે બન્ને પુસ્તકો મેળવી દિવ્યામૃત પાન કરવા વિનંતી છે.)