૩૬૧ - જેતલપુરમાં પારાયણ તથા ચરણારવિંદ પ્રતિષ્ઠા

0:000:00

આ જેતલપુર ધામ શ્રીજીમહારાજનું રમણ-સ્થળ તો હતું જ, ત્યાં વળી દિવ્ય મુક્તોનો સંઘ આવ્યો તેથી સંત-હરિભક્તોનાં હૈયામાં હર્ષ ઊભરાણો. ત્યાં સાંખ્યયોગી મુક્તરાજ કંકુબાએ છત્રીએ ચરણારવિંદ પધરાવવા નિમિત્તે ‘સત્સંગીજીવન’ની બીજા પ્રકરણની સાત દિવસની પારાયણ બેસારવાનું પ્રથમથી જ નક્કી કરેલ હોવાથી એ બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. રોજ સવારમાં વહેલા સૌ દેવસરોવરમાં નહાય, પૂજાઓ કરી પરસ્પર મળે, પછી પારાયણ વંચાય, સમાપ્તિ પછી સૌ થાળ જમાડે. વળી બપોરના સંતો નાહી આવે એટલે કથા બેસે. આરતી સમે જ્યાં તેજોમયરૂપે બ્રહ્માદિ દેવો દર્શને આવતા તે ઠેકાણે તથા આસોપાલવ, બોરસડી, મહોલ વગેરે સ્થાને પણ ઘણી વાર બેસી માનસીપૂજા, ધ્યાન અથવા વાતો કરે. એ રીતે સાત દિવસ સુધી સર્વેને આનંદ થયો ને મુક્તરાજ કંકુબાએ પોતાનો મનોરથ પૂર્ણ કર્યો. છેલ્લે દિવસે કથાની સમાપ્તિ થયા પછી તેમણે ઠાકોરજીને પહેરામણી કરી તથા હરિભક્તો પાસે સંતોને વસ્ત્રો ઓઢાડવાની સેવા કરાવી અને એ જ રીતે બાપાશ્રીને પણ પાઘડી બંધાવી. પછી સૌ કીર્તન બોલતા બોલતા છત્રીએ આવ્યા, ત્યાં બાપાશ્રી તથા સંતોએ ચરણારવિંદનું ચંદન-પુષ્પથી પૂજન કર્યું. પછી પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી, તે વખતે મુક્તરાજ કંકુબાએ હરિભક્તો પાસે બાપાશ્રી તથા સંતોની ફૂલહારથી પૂજા કરાવી, કાંઈક સંભારણું કરવા માગણી કરી, એ ટાણે બાપાશ્રીએ એ સ્થાનના મહિમાની વાતો કરી આશીર્વાદ આપ્યો જે, ‘આ સ્થાને જે કોઈ આવીને દર્શન કરશે તેને અમે અક્ષરધામમાં તેડી જઈશું ને આ સ્થાન ઉપરથી જે કોઈ પક્ષી ઊડીને જશે તેનો પણ મોક્ષ થશે.’

પછી ઠાકોરજીને જમાડી સહુ ચાલવાના હતા. એ વખતે કંકુબાએ બાપાશ્રીને પોતાની પાસે બોલાવી રાજી રહેવા પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે આ પ્રસાદીના સ્થાને ભારે તીર્થ કર્યું. જે ઠેકાણે શ્રીજીમહારાજ બેઠા હોય, જમ્યા હોય કે નાહ્યા હોય અથવા જે જે ચમત્કારી લીલા કરી હોય તે સ્થાનને જે કોઈ સંભારે તેને એ દિવ્ય નિર્ગુણ મૂર્તિ સાંભરે એટલે છેલ્લો જન્મ થઈ જાય. તમારા જેવા મોટા મુક્તોને તો શ્રીજીમહારાજને રાજી કરવાના ઠરાવ બહુ, તેથી આવાં ભારે ભારે કામ કરો છો. ત્યારે કંકુબા કહે. ‘આ બધુંય મહારાજ તથા તમ જેવા મોટા મુક્તની દયાથી બને છે, નહિ તો અમો બાઈઓથી શું બની શકે? અમને એમ જે આવા નિમિત્તે તમારા જેવા મોટા અનાદિના જોગમાં કોઈ જીવ આવે ને આવી દિવ્ય સભા સંભારે તો તેનો મોક્ષ થાય.’ આવાં વચનથી બાપાશ્રી તેમના પર ઘણા રાજી થયા ને બોલ્યા જે, ‘બાઈ, અખંડ શ્રીજીમહારાજને સંભારજો ને સદાય દિવ્યભાવ રાખજો,’ એમ કહી તેમને રાજી કર્યા.