૫૩૯ - નારાયણપુરમાં પારાયણ

0:000:00

ત્યાર પછી ધનજીભાઈએ થોડા દિવસ સુધી એ જ ઘરનું કામ ચલાવ્યું. તેમાં આગલા ભાગમાં રવેશ કાઢ્યો ને ઉપરના વળા, વંજી બદલાવ્યા તથા ઓશરીમાં નવેસર ગડર નાખી ચણતરનું કામ કરાવ્યું. આ બધું જોઈ બાપાશ્રીએ ધનજીભાઈને બોલાવીને કહ્યું કે, 'હળવે હળવે તમે જગ્યામાં ઘણો ફેરફાર કરી નાખ્યો, માટે હવે વાસ્તુ કર્યા પહેલાં તમારે કથા કરાવવી જોશે.' આવાં વચન સાંભળી ધનજીભાઈ કહે, 'બાપા! ભલે, આપ આગળથી આવીને બેસો ને ઘટે તેમ કરો, ઘર તમારું છે.' એવાં વચનથી બાપાશ્રીએ રાજી થઈને આજ્ઞા કરી જે, 'કથા તો જરૂર બેસારજો, હું પણ આવીશ.' આ રીતે આજ્ઞા થવાથી કામ પૂરું થઈ રહ્યું એટલે ધનજીભાઈએ ભૂજથી સંતોને બોલાવી સાત દિવસની વચનામૃતની પારાયણ બેસારી ત્યારે પોતે પણ સમાપ્તિ સુધી નારાયણપુરમાં આવીને રહ્યા ને બહુ પ્રસન્નતા જણાવી. એ વખતે પોતે રોજ સભામાં વાતો કરતા. સંતો પ્રશ્ન પૂછે તેના આધ્યાત્મ ઉત્તર કરે, બપોરે હરિભક્તો સાથે વાડીએ નાહવા જાય ત્યાં પણ ઘણી વાર બેસે ને વાતો કરે. રાત્રે છેલ્લી કથામાં એકબીજા માંહોમાંહી પ્રશ્ન પૂછે ને ઉત્તર કરે તે જોઈ પોતે રાજીપો જણાવે. સંતોને રોજ સીધાં પહોંચાડવાની ખબર રખાવે, બહારગામના હરિભક્તો આવ્યા હોય તેમને તાણ કરી જમવા બેસારે, પંક્તિમાં કોઈ વાર પોતે પીરસતા હોય ને હરિભક્તો ના પડે તો કહે જે, 'લ્યો! લ્યો! આવા પીરસનારા નહિ મળે.' એમ કહી પીરસે. પોતાને માટે સાંખ્યયોગી બાઈઓએ થાળ કરી રાખેલ હોય ત્યાં પોતે સંતોની પંક્તિ થયા પછી ઠાકોરજીને જમાડી આવે. એ રીતે નિત્ય પ્રત્યે બ્રહ્મયજ્ઞ થતાં છેલ્લે દિવસ ધનજીભાઈ તથા તેમના પુત્રોએ પુસ્તક, પુરાણી ને સંતોની ચંદનપુષ્પથી પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં ને બાપાશ્રીને પણ પાઘડી બંધાવી. પછી બપોરે સંત-હરિભક્તોની પંક્તિ થઈ ત્યારે પોતે પંક્તિમાં ફરીને એમ બોલ્યા જે, 'આ ધનજીભાઈના યજ્ઞમાં મહારાજ સાતે દિવસ સભામાં દર્શન દઈ પ્રસન્નતા જણાવતા હતા. વળી આજ તો બહુ હેત જણાવી થાળ જમ્યા છે, માટે આ યજ્ઞની પ્રસાદી જે જમશે તે અક્ષરધામમાં જશે.' એવા આશીર્વાદ આપી બીજે દિવસ પોતે વૃષપુર પધાર્યા.