૨૫૨ - દીકરાને પોતાની આયુષ્ય આપી

0:000:00

આ વખતે કાણોતરમાં બાપુભાઈના દીકરા નઘાને બહુ જ મંદવાડ થઈ ગયેલો, તે રોજ શ્રીજીમહારાજ સાથે બાપાશ્રીને સંભાર્યા કરે; કેમ કે બાપુભાઈ જ્યારે ઓગણીસે બાસઠની સાલમાં ધામમાં ગયા, ત્યારે ઘરમાં સહુને એવી ભલામણ કરી ગયા હતા કે, ‘બાપાશ્રી દિવ્ય સ્વરૂપ છે. મને વચન આપ્યું હતું તે પ્રમાણે મહારાજને લઈને ટાણે આવીને ઊભા રહ્યા, માટે સહુ એમને વિષે હેત રાખજો.’ આથી ઘરમાં સહુને બાપાશ્રીને વિષે દિવ્યભાવ થઈ ગયો હતો, તેથી આ નઘો પણ મંદવાડમાં ‘હે મહારાજ! હે બાપા!’ એમ બોલ્યા કરતો. તેને વિષે બોઘા પટેલ, જે બાપુભાઈના પિતા, તેને ઘણું હેત હોવાથી રોજ પાસે બેસી મહારાજ તથા બાપાશ્રીના મહિમાની તેને વાતો કરતા. એક દિવસ નઘાને મંદવાડ વધુ જણાતાં બાપાશ્રીએ દર્શન આપ્યાં ને કહ્યું જે, ‘અમે તને અક્ષરધામમાં તેડી જવા આવ્યા છીએ, તું તૈયાર થા!’ આ વચનથી નઘો બહુ રાજી થયો ને એ જ વખતે બોઘા પટેલને પાસે બોલાવીને કહેવા લાગ્યા જે, ‘ભા! મને બાપા અક્ષરધામમાં તેડી જવા આવ્યા છે, ને હું તો હવે જાઉં છું.’ બોઘા પટેલ આ વાત સાંભળી દિગ્મૂઢ બની ગયા કે, ‘આ નઘો શું બોલે છે? હું આવો ઘરડો બેઠો છું ને આ મારી નજરે વાતો કરતો કરતો ધામમાં ચાલ્યો જશે?’ આમ પોતાને ઘણો ઓરતો થયો. પણ હવે શું કરે? તુરત જ તેણે નઘાને પૂછ્યું કે, નઘા! બાપા ક્યાં છે?’ તો કહે, ‘ભા! આ ઊભા, દર્શન કરો ને!’ ત્યારે તે ઘણાય આડુંઅવળું જુએ, પણ તેને દર્શન થાય નહિ, તેથી કહેવા લાગ્યા જે, ‘નઘા! તું બાપાને પૂછને, તારે સાટે મને ધામમાં લઈ જશે?’ આ વાતથી તેણે બાપાશ્રીને પૂછ્યું કે, ‘બાપા! મારા ભા કહે છે કે, મને ધામમાં લઈ જશો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! એને આવવું હોય તો તારે સાટે લઈ જઈએ! પણ એ તારા ખાટલાને ફરતા પાંચ પ્રદક્ષિણા ફરે ને પાંચ દંડવત્ કરીને અમારી પાસે માગે કે, ‘આ છોકરાનું મૃત્યુ મને આવો ને મારી આયુષ્ય એમને ભલે આપો! હું રાજી છું,’ –એમ બોલે તો તારે સાટે અમે એમને લઈ જઈએ.’ પછી આ વાત નઘે બોઘા પટેલને કહી કે તુરત બોઘા પટેલે પાંચ દંડવત્ ને પાંચ પ્રદક્ષિણા કરી માગ્યું જે, ‘હે બાપા! હું રાજી છું. મારી આયુષ્ય નઘાને આપો ને મને એને સાટે તેડી જાઓ.’ એ જ વખતે નઘો સાજો થયો ને બોઘા પટેલ દેહ મૂકી ધામમાં ચાલ્યા ગયા. આ વાતથી ઘરમાં તથા ગામમાં સહુને અતિ આશ્ચર્ય થયું.

હવે અનાદિ મુક્તરાજ બાપાશ્રી વૃષપુરમાં રહ્યા થકા જે જે સંત-હરિભક્તો પોતાની પાસે જોગ-સમાગમ કરવા આવે તેને તથા ગામના હરિભક્તોને કથાવાર્તા અને દર્શન-સેવાએ સુખિયા કરતા, વ્યાવહારિક કામની પણ સંભાળ રાખવા લાગ્યા. વચમાં થોડા દિવસ પોતાનું શરીર ઠીક ન રહેવાથી, સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત-મંડળને એક વર્ષ તો એમ જ લખાવ્યું કે, ‘આ વખતે અમારે નિવૃત્તિ નથી, તેમ શરીરે બહુ ઠીક રહેતું નથી, માટે હાલમાં આવવાની ઉતાવળ કરશો નહિ.’ વળી ત્રણચાર મહિના પછી એવો જ બીજો કાગળ લખાવ્યો જે, ‘મારે હમણાં ગામડાંમાં થોડા દિવસ જવાનું છે, શરીરે સારું છે, તેથી કોઈ વાતની ચિંતા ન કરશો, પણ હાલમાં આ તરફ આવવાનું ન રાખશો.’ આમ લખવાથી એક વર્ષ તો સંતો કચ્છમાં ગયા જ નહિ.