૨૩૧ - ગંગાજીએ દિવ્ય સમૂહમાં મહિમાની વાતો
આમ કરતાં જ્યારે એકાદશીનો દિવસ આવ્યો. ત્યારે સવારની કથાની સમાપ્તિ થયા પછી સંત-હરિભક્તો ગંગાજીએ નાહવા જવાના હતા, તેથી ત્રણ ગાડાં હરિભક્તો લાવ્યા, તેમાં એક ગાડામાં સદ્ગુરુઓ, બીજામાં બાપાશ્રી તથા કેસરાભાઈ અને ત્રીજામાં વૃદ્ધ હરિભક્તોને બેસાર્યા. આગળ ઠાકોરજીની પાલખી લઈ હરિભક્તો ઉત્સવ કરવા લાગ્યા. એ ટાણે કેટલાક હરિભક્તોએ બાપાશ્રી તથા કેસરાભાઈ અને સદ્ગુરુઓને હજારી ફૂલના હાર પહેરાવ્યા. સૌને ઉમંગ સમાય નહિ ને ઝીલણિયા કીર્તન બોલે, એમ ગાજતેવાજતે સહુ ગંગાજીએ નાહવા ચાલ્યા. એ વખતે ગામના નાનામોટા બાઈ, ભાઈ સૌ બહાર નીકળી દર્શન કરતા હતા, તે જાણે રામપુરની નદીથી ઠેઠ ગંગાજી સુધી એકસરખી લાઈન થઈ ગઈ હોય તેમ દિવ્યસમૂહ ઊભરાતો જોવામાં આવતો હતો. સૌ ગંગાજીએ પહોંચ્યા પછી પ્રથમ સદ્ગુરુઓ તથા બાપાશ્રી નાહવા ઊતર્યા. ત્યારે સંત-હરિભક્તો ધૂન્ય કરી ઝીલણિયા કીર્તન બોલ્યા, પછી બાપાશ્રીએ તથા સદ્ગુરુઓએ સૌ પર જળ છાંટ્યું. ત્યાર પછી સંત-હરિભક્તો વારાફરતી નાહ્યા ને પરસ્પર મળી જ્યાં છત્રી છે ત્યાં બેસી માનસીપૂજા કરી. એ વખતે સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજીના આગ્રહથી બાપાશ્રીએ વાત કરી જે, ‘જેમ શ્રીજીમહારાજ દિવ્ય છે, તેમ આ સંત-હરિભક્તોની સભા બધી દિવ્ય છે.’ આ સભાતુલ્ય કાંઈ નથી, પણ એવો ભાવ બેસતો નથી એ જ અજ્ઞાન છે. જીવને બહિર્વૃત્તિ બહુ થઈ ગઈ છે, તેથી આવો જોગ મળ્યો છે, તોય કામ કરી શકતા નથી. જો અંતર્વૃત્તિ કરીને મૂર્તિમાં જોડાય તો કાંઈ બાકી રહે નહિ. મૂર્તિમાં અલૌકિક, અપાર ને અનહદ સુખ છે. કલ્પેકલ્પ વીતી જાય તોય તૃપ્તિ થાય નહિ –જેમ સૂર્યના રથમાં પ્રકાશ વિના બીજું કાંઈ દેખાય જ નહિ, તેમ મૂર્તિમાં નકરું સુખ, સુખ ને સુખ જ છે અને તે અતિ અપાર છે-ઉપમા વગરનું છે; માટે બધાય દાખડા કરવા પડ્યા મૂકીને મૂર્તિમાં જોડાવું. જો ખરેખરું મૂર્તિમાં જોડાઈ જવાય તો અખંડ આનંદ વર્તે. જેમ મૂર્તિનું અપારપણું છે, તેમ સુખ, સામર્થ્ય ને પ્રકાશનું પણ અપારપણું છે.’ આવી રીતે વાતો કર્યા પછી સૌ ઊઠ્યા ને ગાજતેવાજતે કીર્તન બોલતા બોલતા પાછા મંદિરમાં આવ્યા ને કથા ચાલતી થઈ. વચમાં સંતો વાતો કરે; સમાપ્તિ થાય એટલે હરિભક્તો જમવા જાય. પાછા મંદિર આવે ત્યાં સંધ્યાઆરતી થાય, કીર્તન બોલાય, કથાવાર્તા, ચેષ્ટા આદિ નિત્યનિયમ પછી સૌ વિરામ કરે. વળી સવારે જાગી નાહ્ય ને પૂજા કરી સભામાં બેસે, એમ નિત્ય નવો નવો આનંદ વર્તતો હતો.
આ પ્રકારે સંત-હરિભક્તો કથાવાર્તા ને દર્શન-સમાગમનું સુખ લેતા. જ્યારે સમાપ્તિને ત્રણ દિવસ રહ્યા ત્યારે કચ્છના રિવાજ પ્રમાણે ગામોગામ ફરી વાર કંકોત્રી મોકલાણી, એટલે ચોવીસેય ગામના હરિભક્તો મંડળીઓએ સહિત આવી પહોંચ્યા. તેથી સભામાં ભીડ બહુ જ થઈ. સૌને જમવા સારુ શીરાના હોજ તથા સુખડીના ઢગ પ્રથમથી જ તૈયાર થયેલા ત્યાં સંતો અને બ્રહ્મચારી સાથે બાપાશ્રી જઈને ઠાકોરજીને જમાડી આવ્યા; પછી મુક્તરાજ ધનબા પોતાનાં સેવકોએ સહિત ત્યાં ગયાં ને સૌના મોક્ષ થવાનો સંકલ્પ કર્યો. પછી બાપાશ્રીને બોલાવીને પૂછ્યું કે, ‘હરિભક્તો ઘણા છે તે કેમ થશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘શ્રીજીમહારાજ તમારા યજ્ઞમાં કાંઈ તાણ પડવા દે? સાજો દેશ આવીને જમી જાય તોય ન ખૂટે; ફિકર ન કરો.’ આવાં વચનથી ધનબા ઘણાં રાજી થયાં. પછી સાંજના હરિભક્તો સૌ જમી રહ્યા એટલે આરતી પછી ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળી; તે વખતે પણ આરતી, ડંકા, છત્ર, ચમરે સહિત ભારે શોભા બની રહી હતી. હરિભક્તો ઠાકોરજી આગળ ઉત્સવ કરે, ગુલાલ ઊડે, ભડાકા થાય, છડીદાર છડી બોલે, સલોખા બોલાય, એમ આનંદ-ઉત્સવ કરતાં સૌ મોડા મોડા મંદિરે આવ્યા ને થોડી વાર સૂતા ત્યાં તો પાછું સર્વત્ર ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ થઈ રહ્યું. હજી ચાર વાગ્યા નહોતા ત્યાં તો નાહીધોઈ, પૂજા કરી, સંત-હરિભક્તો તૈયાર થઈ ગયા; પછી મુક્તરાજ ધનબા તરફથી ઠાકોરજીને અર્પણ કરવા છાબો તૈયાર થઈ હતી તે લઈ હરિભક્તો ઉત્સવ કરતા કરતા મંદિરમાં લાવ્યા. આજે કથાનો છેલ્લો દિવસ હતો તેથી કથા ચાલતી થઈ ને થોડી વારમાં પાછી સમાપ્તિ થઈ, એટલે બાપાશ્રી તથા દેવરાજભાઈએ આરતી ઉતારી ને સંતોને વસ્ત્ર ઓઢાડવા માંડ્યાં. તે વખતે સંતો - ‘આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ’ એ કીર્તન બોલતા હતા. જ્યારે કીર્તન પૂરું થઈ રહ્યું ત્યારે સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીએ સભામાં સૌને મહારાજની આજ્ઞામાં ખબરદાર રહેવા ઘણી વાર વાતો કરી. પછી સમય થયો એટલે સૌ હરિભક્તોને જમવાનો સાદ પડ્યો, ત્યારે ગામ બહાર હરિભક્તો ઊભરાવા લાગ્યા. થોડી વારમાં પંક્તિઓ થઈ એટલે સોએ સો હરિભક્તો પીરસવા મંડ્યા; જ્યારે બધી પંક્તિઓમાં પીરસાઈ રહ્યું ત્યારે ‘જય’ બોલાણી ને ભડાકા થયા, એટલે સહુ મૂર્તિ ધારી જમવા લાગ્યા; તે વખતે અનાદિ મુક્તરાજ બાપાશ્રી હરિભક્તોએ સહિત પંક્તિમાં ફરી સૌને દર્શન દેતા એમ બોલવા લાગ્યા જે, ‘મુક્તો! મહારાજને સારી પેઠે જમાડજો. આ તો દિવ્ય ભોજન છે ને બહુ દુર્લભ છે.’ આ વખતે મુક્તરાજ ધનબા પણ પોતાના સેવકોએ સહિત ત્યાં આવ્યાં ને પંક્તિમાં સહુને પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કરતાં અનાદિ મુક્તરાજ બાપાશ્રીને કહેવા લાગ્યાં જે, ‘ભાઈ! આ યજ્ઞમાં નાનાંમોટાં હરિભક્ત બાઈ, ભાઈ આવ્યાં છે, તે સૌ અક્ષરધામમાં મહારાજ પાસે પહોંચે, કોઈ રહી જાય નહિ, એવો સંકલ્પ કરો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! અમે તો એવો સંકલ્પ કર્યો છે, તમે પણ સૌને માથે પાણીનાં છાંટણાં નાખી સંકલ્પ કરો.’ એવાં વચનથી મુક્તરાજ ધનબાએ ગાળેલા પાણીનો કોરો ઘડો મંગાવી બાપાશ્રીના હાથ બોળાવ્યા. (તે વખતે ધનબાને એવાં દર્શન થયાં જે, જાણે મહારાજ પંક્તિમાં પીરસે છે. પછી તેમના ભત્રીજા પાસે મહારાજે હાથ ધોવરાવી તેને તેડી જવાનું વચન આપ્યું.) આથી હર્ષભર્યાં પોતે પંક્તિમાં ફરી સૌને પાણીનાં છાંટણાં નાખે ને કહેતાં આવે જે, ‘આ છાંટા જેના પર પડશે તે સૌ અક્ષરધામમાં ઠેઠ મહારાજ પાસે પહોંચશે.’ એમ કહી બધી પંક્તિમાં ફર્યા, તેથી હરિભક્તો સૌ રાજી રાજી થઈ ગયા. પછી બાપાશ્રીને બોલાવીને મહારાજ પંક્તિમાં પધાર્યા હતા તે વાત કહી, ત્યારે બાપાશ્રી કહે, ‘આવી દિવ્ય સભામાં મહારાજ દર્શન આપે એમાં શું નવાઈ!’
આ રીતે અદભુત પ્રતાપ જણાવતા મહારાજ તથા દિવ્ય મુક્તોનાં દર્શન, સમાગમ અને મોક્ષના આશીર્વાદથી આનંદ પામતા કચ્છી હરિભક્તો, તેમ જ દેશોદેશથી આવેલા હરિભક્તો કૃતાર્થ બન્યા. પંક્તિમાં જમી રહ્યા પછી સૌએ મંદિરમાં આવી ઠાકોરજી તથા સંતોનાં દર્શન કર્યાં. બપોર પછી તો કચ્છી સંઘ વિદાય થવા લાગ્યો. અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ સદ્ગુરુઓએ સહિત તે જ દિવસે બપોરના વૃષપુર જવા તૈયાર થયા; એટલે મુક્તરાજ ધનબાએ પાસે બોલાવી પ્રાર્થના કરી કહ્યું કે, ‘ભાઈ! આવડા ભીડામાં હુંથી તમારી ખબર કાંઈ રખાણી નથી. આ તો તમે દયા કરી સંતોને તેડાવી શોભાડ્યું છે. આમાં મારું કાંઈ નથી. મહારાજ અને તમ જેવાના પ્રતાપે આવું બને. નહિ તો અમથી શું થાય! હું દેવરાજભાઈને રોજ કહેવરાવું જે, તમે ટાણે ટાણે ભાઈને થાળ જમાડવાની ને બીજી કાંઈ સેવાની સંભાળ રાખજો, ત્યારે તે કહે કે, બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ખરેખરા હેતવાળા છે, તેથી થાળ કરવામાં ને જમાડવામાં કાંઈ કસર નહિ રાખે, હું એમને ભલામણ કરું છું, તમે કાંઈ ઉચાટ મ કરો એમ કહે, તેથી હું મન વાળું. પણ આવા મોટા કામમાં એવી ખબર ક્યાંથી રહે? તોય તમે મોટા છો તે રાજી રહેજો. મારે પાંચ દિવસ હજી રોકવા મરજી હતી, પણ તમે જવાનું કરો છો, તેથી તમને હું શું કહું?’ ત્યારે બાપાશ્રી કહે, ‘આવતી છઠ્ઠને દિવસે ભૂજના મંદિર ઉપર કળશ ચડાવવાનું મુહૂર્ત છે, તેથી સૌને ત્યાં જવું ખપે! હવે તમે તાણ મ રાખો. સદ્ગુરુઓ વહેલા આવ્યા છે, એટલે તેમને પાછા જવાની તાણ હોય, તેમ ભૂજના સંતોને પણ હવે રોકજો મા. તેમને પણ ત્યાં બે દિવસ વહેલું જવું ખપે, કેમ કે એમના માથે બધો મંદિરનો વ્યવહાર, માટે હવે બધાયને રાજી થઈને રજા આપજો.’ ત્યારે ધનબા કહે, ‘ભાઈ! તમે જેમ રાજી તેમ હું રાજી,’ એમ કહી હાથ જોડ્યા ને ઠાકોરજી પાસેથી મોટો ફૂલનો હાર લાવી છેટે ઊભાં રહી બાપાશ્રીની ડોકમાં નાખ્યો. આ વખતે ઘણા હરિભક્તો પાસે ઊભા રહી, આ બન્ને મહામુક્તનાં આવાં દિવ્ય દર્શન તથા હેતભર્યાં વચનો સાંભળી આનંદ પામતા હતા. પછી બાર વાગ્યા ત્યારે અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સદ્ગુરુઓ અને બીજા સંતો-હરિભક્તોએ ચાલવાની તૈયારી કરી, એટલે ભૂજના સંતો પરસ્પર દંડવત્ કરી મળ્યા ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી સંતો બહાર નીકળ્યા તે ઝાંપે ગાડાં ઊભાં રાખ્યાં હતાં ત્યાં સહુ આવ્યા. ત્યાં પણ બાપાશ્રી તથા સદ્ગુરુઓને, હરિભક્તો ચંદન ચર્ચી, હાર પહેરાવવા લાગ્યા. તે વખતે સૌના કંઠમાં હારના ભરાવા થઈ જતાં હરિભક્તોને એ હાર પાછા પહેરાવતા ને માથે હાથ મૂકતા. ઘણી વાર એવી પૂજા થઈ. સંતો ‘રાખો! રાખો!’ કહે તોય ત્યાં બે વાગી ગયા. પછી બાપાશ્રીએ ઊંચે સાદે સહુને કહ્યું, ‘હવે સંતોને રજા આપો, મોડું થાય છે.’ આ વચન સાંભળી હરિભક્તોએ દંડવત્ કર્યા ને ‘જય સ્વામિનારાયણ’ કહી, સહજાનંદ સ્વામી મહારાજની ‘જય’ બોલાવી હાથ જોડી સૌ ઊભા રહ્યા, એટલે ગાડાં ચાલતાં થયાં.