૩૯૩ - વૃષપુરમાં કથાવાર્તાનો અખાડો

0:000:00

સંત-હરિભક્તોનો સમૂહ વૃષપુર આવતાં, પાછો કથાવાર્તાનો અખાડો ચાલતો થયો રોજ સવારે બાપાશ્રી નાહી પૂજા કરે ત્યારે આ મુક્તમંડળ પણ હાજર રહી પાસે બેઠા હોય. એ ટાણે કરાંચીના લાલુભાઈ, મહાદેવભાઈ આદિ હેતવાળા હરિભક્તો કુંકુમના ચાંદલા કરી બાપાશ્રી તથા સંતોને હાર પહેરાવે ને મળે. બાપાશ્રી પણ લાલુભાઈ સાથે ઘણી વાર રમૂજ કરતાં સિંધી ભાષામાં મહારાજના મહિમાની વાતો કરે તે સાંભળી સૌ રાજી થાય. સવારે કથાવાર્તા થઈ રહ્યા પછી સંતો ઠાકોરજીના થાળ કરે. હરિભક્તોની રસોઈઓ તો ચાલતી જ હોય. બપોરે સંતો વાડીએ જાય, ત્યાં બાપાશ્રી સભા કરી બેસે. આજ આ વાડીએ તો કાલ બીજી વાડીએ. ક્યારેક ઝાડ હેઠે બેસે તો ક્યારેક કૂવાના પૈયામાં બેસી મહારાજના સુખની વાતો કરે. બાપાશ્રી કે સંતો નાહતા હોય ત્યારે હરિભક્તો પ્રસાદીજળ માથે ચડાવે, લૂગડાં ધોઈ નાખે. કેટલાક તો એ વખતે હાર તૈયાર કરી લાવેલા હોય તે પહેરાવી પૂજા કરે. બાપાશ્રી ક્યારેક માનસીપૂજા કરતા ઘણી વાર બેસી રહે. મોડેથી જાગે ત્યારે ચમત્કારી વાતો કરે. મૂળીના સંત ગોપીવલ્લભદાસજી તથા દેવજીવનદાસજી આદિનો સ્વર સારો હોવાથી તેમની પાસે ઘણી વાર કીર્તન બોલાવે, કાં તો પુરાણી હરિપ્રસાદદાસજી અથવા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી પાસે કથા કરાવે. સૌને બાપાશ્રીને રાજી કરવાનું તાન તેથી લાલુભાઈ આદિ હરિભક્તો દ્રાક્ષ, કાજુ આદિ મેવા લઈ આવે ત્યારે કચ્છી હરિભક્તો ગોળ, સાકર કે શેલડી, પોપૈયાં લાવે તેની રોજ પ્રસાદીઓ થાય. ગામમાં કોઈને ઘેર રસોઈ હોય તો બાપાશ્રી સંત-હરિભક્તો સાથે તેમને ઘેર જાય ને દર્શન દઈ રાજી કરે આશીર્વાદ આપે. માર્ગમાં જતાં-વળતાં આ દિવ્ય મુક્તોનાં દર્શને અનેકનાં કામ થઈ જાય.