૫૯૭ - આંખોનું ઔષધ કરાવવા અમદાવાદ પધાર્યા
ડૉક્ટર નાગરદાસભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કર્યા પછી એ વિગત અમદાવાદમાં શેઠ બળદેવભાઈને જણાવેલ હોવાથી તેમને ચિંતા થતાં, એ જ દિવસે તેમનો પણ તાર આવ્યો જે, ‘તમે સદ્ગુરુઓ તથા બાપાશ્રીને સાથે લઈને અહીં જેમ બને તેમ વહેલા આવો તો એ આંખનું ઔષધ વેળાસર થાય.’ આવા આગ્રહથી બાપાશ્રીને ઘરમાં પણ સહુ કહેવા લાગ્યા જે, ‘ બાપા! તમે બેયને લઈને અમદાવાદ જઈ આવો તો ઠીક. આંખનું કામ ઝીણું કહેવાય અને આંખ બગડે તો આખો જન્મારો દુ:ખ થાય. તમારે તો આ લોકનું કાંઈ નથી, પણ જ્યાં સુધી મહારાજ રાખે ત્યાં સુધી આ લોકનુંય સરખું હોય તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! એમ સહુના મત ભેળો પોતાનો મત ભેળવી, નારાયણપુરવાળા હરજીભાઈ તથા ખીમજીભાઈ, એ બે સેવક સાથે પોતાના પુત્ર કાનજીભાઈ તથા પૌત્ર રામજીને લઈ સંતોએ સહિત પોતે અમદાવાદ પધાર્યા.
બાપાશ્રીનાં દર્શન થતાં પ્રથમ હરિભક્તો જેમ રાજી થતા તેમ આ વખતે મોટા પુત્ર તથા પૌત્રની આંખોની પીડાને લીધે સૌને ઘણું દુ:ખ થયું. પણ શું કરે! પછી શેઠ બળદેવભાઈ તથા વહેલાલવાળા ચતુરભાઈ અને ડૉક્ટર નાગરદાસભાઈ આદિ હરિભક્તોએ આંખના મોટા ડૉક્ટર પાસે તે બેયને લઈ જઈ આંખો બતાવતાં તેમને એ બેયની એક-એક આંખ કાઢી નાખવા ભલામણ કરી કહ્યું જે, ‘આ દુ:ખાવાવાળી આંખ જો નહિ કઢાવી નાખો તો પછી બીજી આંખને નુકસાન થશે.’ આવા અભિપ્રાયથી બાપાશ્રીની મરજી જાણી એ બંનેની એક-એક આંખ કઢાવી નાખી.
આ વખતે બાપાશ્રી સરસપુરના મંદિરમાં ઊતર્યા હતા. પોતાને આ લોકનાં સુખદુ:ખની ગણતરી નહિ, તેથી એમણે તો જાણે કાંઈ ન બન્યું હોય તેમ દરરોજ સંત-હરિભક્તોની સભામાં મહારાજના પ્રતાપની ચમત્કારી વાતો કરવા માંડી. આસપાસનાં ગામોમાંથી મહિમાવાળા હરિભક્તો રોજ આવે ને જાય તેમને સંતો જમાડે. એમ કરતાં નળકંઠો, ખાખરિયા તથા કડી પ્રાંત વગેરેના નાનામોટા હરિભક્તો બાઈ-ભાઈ દર્શન કરવા આવવા મંડ્યા. તેમાં કેટલાક વૃદ્ધો આવે તો કેટલાક મંદવાડવાળાને વાહનમાં બેસારીને લાવે અને દર્શન કરાવી આશીર્વાદ લઈ જાય. નાનાં બાળકોને વર્તમાન ધરાવવાનું કામ તો ચાલતું જ હોય. સવાર-સાંજ બાપાશ્રી સભામાં અલૌકિક વાતો કરે, તેથી સંત-હરિભક્તો વારાફરતી બેઠા જ હોય. વળી શહેરમાંથી હરિભક્તો આવી પોતાને ઘેર તેડી જવા પ્રાર્થના કરતા, તો ત્યાંય હરિભક્તોને સાથે લઈ જઈ પોતે દર્શન દઈ આવતા, કોઈ વાર ઐશ્વર્યપ્રતાપ પણ જણાવતા.