૬૧૯ - વસંતપંચમીનો સમૈયો
ધર્મશાળાનું કામ ચાલતું હતું ને વચમાં વસંતપંચમીનો સમૈયો આવ્યો ત્યારે બાપાશ્રી ભૂજ દર્શને જઈ શક્યા નથી, એવા ખબર નારાયણપુર, કેરા વગેરે ગામમાં પડતાં કેટલાક હરિભક્તો વૃષપુર દર્શને આવ્યા. ત્યાં તો સભામાં બાપાશ્રી બેઠા હતા. એ જોઈ સહુ રાજી રાજી થઈ ગયા ને દંડવત્ કરી મળ્યા. પછી ઠાકોરજી પાસે ઉત્સવ થયો ત્યારે સૌ પર પ્રસાદીનો રંગ-ગુલાલ પડતાં, બાપાશ્રીનાં વસ્ત્રો પર પણ હરિભક્તોએ રંગ-ગુલાલ નાખ્યો. પછી હરિભક્તોએ પ્રાર્થના કરવાથી પોતે પણ થોડો થોડો રંગ-ગુલાલ સહુ ઉપર નાખ્યો. આ રીતે સમૈયો થઈ રહ્યા પછી બાપાશ્રીએ સભામાં વાત કરી જે, ‘વસંતપંચમીનો સમૈયો મહારાજે મૂળીમાં બાંધ્યો છે, તેથી એ દેશના હરિભક્તો તે દિવસ ગામોગામથી ત્યાં દર્શને જાય છે અને આપણે અહીં કચ્છમાં ભૂજ ધામ છે, તેથી ત્યાં સમૈયા વખતે સહુ ભેળા થઈ જાય છે ને મહારાજ તથા સંત-હરિભક્તોનાં દર્શન કરે છે, પણ સમૈયા-ઉત્સવ ટાણે કારણ સામી નજર રાખવી, કાર્યમાં બહુ તણાવું નહિ. શ્રીજીમહારાજે આ લોકમાં મનુષ્યરૂપે દર્શન દઈ જે જે લીલા કરી હોય તેની સ્મૃતિ રહેવા સારુ આ બધુંય છે; મૂર્તિમાં મુક્ત રહ્યા છે તેને તો અખંડ સમૈયા ને અખંડ આનંદ છે, એને તો મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે, તે સુખના આપનારા મહા પ્રભુ સામી નજર રહે, એ સમૈયાનું ફળ.’ એમ વાત કરતા હતા ત્યાં પુરાણી કેશવપ્રિયદાસજીએ હરિભક્તો સાથે ભૂજથી ફૂલના હાર મોકલાવ્યા હતા, તે હાર એ હરિભક્તે બાપાશ્રીને પહેરાવી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા; ત્યારે પોતે હરિભક્તો પાસે તેમની પ્રશંસા કરવા લાગ્યા જે, ‘આ પુરાણી કેશવપ્રિયદાસજી બ્રહ્મચારીની જોડ છે ને સૌને સુખિયા કરી મૂકે એવા છે, એવાને જોતાં અંતર ટાઢું થઈ જાય, કેમ કે તેમને એક મૂર્તિનું જ તાન; સત્સંગમાં સહુ મહારાજને રાજી કરવા આવ્યા હોય છે, પણ એવું અનુસંધાન રાખે તો મહારાજ રાજી થાય. આ પુરાણી હમણાં આ દેશમાં રહે છે, પણ સહુ નાનામોટા તેમના પર રાજી છે; તેમને એક મૂર્તિનું જ અનુસંધાન રાખવા ઉપર નજર છે. હરિભક્તોને વાતો કરતા હોય ત્યારે પણ એક પછી એક મૂર્તિની વાતો થતી આવે, કોઈને સારું લગાડવું કે કોઈનાં વખાણ કરવાં એવું એને કાંઈ નહિ; એમને તો જે પોતાના જોગમાં આવે, તેને મહારાજની જ વાતો કરવી.’ એમ તેમના પર પ્રસન્નતા જણાવી.
આ રીતે પ્રસંગે પ્રસંગે મહારાજ તથા સંતોના મહિમાની ને દિવ્યભાવની વાતો કરતા, ધર્મશાળાનું કામ પણ કરાવતા હતા.
થોડા દિવસ પછી ગામમાં કુંવરજીભાઈના નવા ઘેર રસોઈ કરવાની હતી, તે નિમિત્તે ભૂજના સંતોને તેડાવવાથી પુરાણી કેશવપ્રિયદાસજી અને થોડા સંતો વૃષપુર આવ્યા હતા, તે રસોઈ ઠાકોરજીને જમાડી બીજે દિવસ ભૂજ ગયા, પણ પુરાણી કેશવપ્રિયદાસજી તો એ સંતોની રજા લઈ ત્યાં જ રોકાઈ રહ્યા. પછી તો એ પુરાણી રોજ વહેલા નાહી પૂજા કરી કથા કરે, મોડેથી ઠાકોરજીને થાળ કરી જમાડે, બપોરે બાપાશ્રી સાથે છત્રીએ જાય, વળી રાત્રે સભામાં વાતો કરે, ક્યારેક વાડીએ પણ જાય, ત્યાં બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજાઓ કરે. આ રીતે કથાવાર્તા સાથે છત્રીએ ધર્મશાળાનું તથા ધ્રાબો કરવાનું કામ ચાલતું હતું, તે મહા મહિનો ઊતરતાં સુધીમાં પૂરું થયું.