૫૬૧ - ભારાસરની પારાયણમાં પધાર્યા
પછી ચૈત્ર સુદ એકાદશીને દિવસ ભારાસરથી હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા, તે ભેળું કેશરાજભાઈએ તથા રામજીભાઈએ કહેરાવ્યું હતું જે, ‘બારશનાં પારણાં કરી આપ ભારાસર પધારો તો અહીંથી સિગરામ તેડવા મોકલીએ,’ ત્યારે બાપાશ્રીએ તે હરિભક્તોને કહ્યું જે, ‘સિગરામ મોકલવાની જરૂર નથી, કેમ કે મને હમણાં હમણાં બે ઉપવાસ ગયા, તેથી શરીરમાં ગરમી વધુ જણાય છે માટે એકબે દિવસ વહેલા-મોડો પણ હું જરૂર આવી પહોંચીશ, કાંઈ ચિંતા કરશો નહિ.’ આ સમાચાર આવતાં કેશરાજભાઈ તથા રામજીભાઈએ જાણ્યું જે, ‘બાપાશ્રી વહેલા-મોડા પણ જરૂર આવશે.’ પછી તેરશના દિવસે ભારાસરમાં ધામધૂમ સાથે પારાયણનો આરંભ થયો. તે પ્રસંગે ભૂજના તથા મૂળીના સંતો અને ગામડાંના હરિભક્તો ઘણા આવેલા હતા, તે સહુ બાપાશ્રીની વાટ જોતા હતા કે, ‘હજી કેમ આવ્યા નહિ!’ ત્યાં તો પૂનમના દિવસે સવારમાં પોતાની ગાડી જોડાવી પુત્ર મનજીભાઈ તથા પૌત્ર માવજીભાઈ સાથે બાપાશ્રી ભારાસર પધાર્યા. સવારની કથા વંચાઈ રહેલ હોવાથી સહુ હરિભક્તો સામા જઈ દંડવત્ કરવા લાગ્યા ને કેશરાજભાઈ તથા રામજીભાઈ, વશરામભાઈ આદિ સૌએ બાપાશ્રીને હાર પહેરાવ્યા, એટલે પોતે ગાડીથી હેઠે ઊતરી મંદિરમાં આવ્યા ને ત્યાં ઠાકોરજી તથા સંતોના દર્શન કરી સૌને મળ્યા. પછી બાપાશ્રીનો ઉતારો કેશરાજભાઈએ પોતાના નવા ઘરમાં કરાવ્યો. મૂળીના સંતો પણ ત્યાં જ ઊતર્યા હતા, તેથી એ સર્વે રાજી થયા. આ પારાયણમાં સંત-હરિભક્તો ઘણા આવી ગયા હતા, છતાં બાપાશ્રી પધાર્યા વિના જે અપૂર્ણતા જણાતી હતી તે ખામી હવે ભાંગી.
બપોરે કથા વાંચવાનો આરંભ, થયો, ત્યારે બાપાશ્રી પુસ્તક અને પુરાણીની પૂજા કર્યા પછી સંત-હરિભક્તોને ‘જય સ્વામિનારાયણ’ કરી સભામાં બેઠા ત્યાં તો સૌ રાજી રાજી થઈ ગયા. પછી હરિભક્તો હર્ષભર્યા આવી દર્શન કરે, મળે, હાર પહેરાવે તે સહુને માથે પોતે હાથ મૂકે, બોલાવે ને એ હાર પાછા તેમને પહેરાવે –એમ સહુને રાજી કરતા હતા ત્યાં સમય થયો એટલે કથાની સમાપ્તિ થઈ. ત્યાર પછી કેશરાજભાઈ તથા રામજીભાઈ બાપાશ્રીને પાકશાળામાં લઈ ગયા અને જે રીતે રસોઈ કરવાની ગોઠવણ કરી હતી તે બધું બતાવ્યું, તે જોઈ પોતે બહુ રાજી થયા; પછી પંક્તિઓ થઈ ત્યાં પણ બાપાશ્રી દર્શન દેવા પધાર્યા. ત્યાર પછી કેશરાજભાઈએ ભૂજના મંદિરમાં સુખશૈયામાં પધરાવવા માટે શ્રીજીમહારાજની ચાંદીની મૂર્તિ તૈયાર કરાવેલ હતી તેનાં દર્શન કરીને કહ્યું જે, ‘તમે આ કામ ભારે કર્યું ! આ કારણમૂર્તિનાં જે દર્શન કરશે તેનું આત્યંતિક કલ્યાણ થશે.’ એમ કહી કેશરાજભાઈ પર પોતે બહુ રાજીપો જણાવ્યો. પછી તો ઘણી વાર તેમને બોલાવે, વાતો કરે, મળે ને હાર પહેરાવે, તેમ એ પણ બાપાશ્રીને જોઈ જોઈને રાજી થાય ને કહે જે, ‘આવી સેવાએ મહારાજ તથા આપના જેવા મોટા મુક્ત રાજી થઈ જાય એટલે બધુંય લેખે આવે.’ આમ તેમને બાપાશ્રીને રાજી કરવાનું તાન ઘણું હોવાથી ટાણે ટાણે થાળ કરાવી પાસે રહી જમાડતા.