૩૧૧ - ભૂરાભાઈ સાથે મૂળીના સંતો

0:000:00

થોડા દિવસ થયા ત્યાં વાંટાવદરથી શેઠ ભૂરાભાઈ અને મૂળીના સંતો દર્શન-સમાગમ કરવા વૃષપુર આવ્યા. તેમને જોઈ બાપાશ્રી બહુ રાજી થયા ને બોલ્યા જે, ‘ભૂરાભાઈ! આ ફેરે તમે મંડળ લઈને આવ્યા?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘બાપા! આ બધું આપનું મંડળ છે,’ -એમ કહી સૌ દંડવત્ કરી મળ્યા; પછી પંદર દિવસ એ સર્વે રહ્યા ત્યાં સુધી રોજ મહારાજના સુખની અલૌકિક વાતો સભામાં થતી; કેમ કે ભૂરાભાઈની સ્થિતિ મોટી, તેમ પોતે તથા સંતો મર્યાદી હોવાથી બાપાશ્રીની મરજી પ્રમાણે ઊઠે, બેસે, જાય, આવે; તેથી બાપાશ્રી તેમના પર ઘણો રાજીપો જણાવતા. બપોરે સહુ વાડીએ જાય ત્યારે ઘણી વાર વ્યવહારિક વાતો પૂછે. સત્સંગની વાતો પૂછે અને સંતોને ધ્યાન-ભજનના નિયમનું પૂછે. પોતે પણ એ સહુને મૂર્તિમાં રહેવાની વાતો કરે, ક્યારેક સંતો પાસે કીર્તન બોલાવે. નાહ્ય ત્યારે નાહતાં નાહતાં મળે, પોપૈયાં આદિ મંગાવી ઠાકોરજીને જમાડી સૌને પ્રસાદી આપે. સંતો ચંદનપુષ્પથી પૂજા કરે, ત્યારે પોતે સંતોને પૂજા કરી રાજી કરે, -એમ તેઓ રહ્યા ત્યાં સુધી બહુ રાજીપો જણાવ્યો; પછી રજા આપી ત્યારે સૌ દેશમાં જવા તૈયાર થયા, એટલે વાડીના નાકા સુધી પોતે વળાવવા ભેળા ચાલ્યા, ત્યાં સહુએ દંડવત્ કર્યા, ત્યારે પોતે હેતે સહિત મળ્યા ને માથે હાથ મૂકી ભૂરાભાઈ તથા સાથે આવેલા સંત-હરિભક્તોને ખૂબ રાજી કર્યા ને કહ્યું જે, ‘આપણે મહારાજની મૂર્તિમાં સદાય ભેળા છીએ, એમ જાણજો.’

આ રીતે ગામ-પરગામથી સંત-હરિભક્તો દર્શન કરવા આવે તેમને અનેક પ્રકારે રાજી કરતા પોતે રોજ સવારે નિત્યનિયમ, કથાવાર્તા કરી ઠાકોરજીને જમાડી વાડીએ જાય તે સાંજે આવે. પછી તો મંદિરની ઓશરીમાં ગોદડાંના ઓઠીંગણે બેઠા જ હોય કાં ઘેર ગયા હોય. રાત્રે સભામાં છેલ્લી કથા થાય ત્યાં સુધી બેસે. પોતાને સૂવાનું તો એવું જ. ગામડેથી આવતાં-જતાં કણબી હરિભક્તો રાત રહ્યા હોય તેમને પણ પ્રસન્નતા જણાવી મહારાજની વાતો કરે, ઘેર લઈ જઈ જમાડે, કોઈના સુખદુઃખની વાત સાંભળે, માંદેસાજે દર્શન દેવા જાય.