૩૯૯ - સંત-હરિભક્તોનાં હેત

0:000:00

બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને હેત બહુ, તેથી એ દૂધની કાંજી તૈયાર કરીને લાવે ને કહે ‘બાપા! આ જરા મહારાજને જમાડોને! થોડું પાણી પીશો? આ સંત ‘જય સ્વામિનારાયણ’ કરે છે!’ આમ ઘણા પ્રકારે બોલાવવા ઉપાય કરે, પણ એકેય વાતનો ઉત્તર ન મલે, તેથી નિરાશ થઈ જાય. મૂળીના સંતો વચનામૃત કંઠે કરેલ, તે પાસે બેસી બોલે, રાત્રે ભેળા મળી સૌ કીર્તન ગાય, એ વખતે બાપાશ્રી નેત્ર ઉઘાડી સૌના સામી દૃષ્ટિ કરી પાછા સૂઈ જાય. સંતો જાણે બાપાશ્રી જાગ્યા, પણ ઘડીક પછી એમના એમ. કંઠ ન સુકાઈ જાય તે માટે સંતો ચમચેથી પાણી પાય તે બબે ચમચા પીએ, તેમાંય થોડું તો ઢોળાઈ જાય. રોજ સવારે માંચીમાં બેસારી સંતો દૈહિક ક્રિયા કરાવવા બહાર લાવે, હાથ ધોવરાવે, દાતણ આપે, પણ બધું સ્મૃતિ વિના થાય. કોઈ વાર દાતણ હાથમાં એમ ને એમ હોય ને કહે, ‘મને નવરાવો, કેટલી વાર છે?’ નહાતા હોય ને પૂછે જે, ‘મને ક્યારે નવરાવો છે? પછી વસ્ત્ર બદલાવે ત્યારે પણ અશક્તિ વધુ જણાતાં સંતોને ઝાલી રાખવા પડે. આવા મંદવાડની થોડે થોડે ગામડાંમાં ખબર પડતી ગઈ, તેથી રોજ રોજ હરિભક્તો દર્શન કરવા આવવા લાગ્યા. સદગુરૂ સ્વામી ઈશ્વરચરણદાસજીને તો બાપાશ્રી પ્રાણ સમાન વહાલા, તેથી એમણે તો દરેક ગામમાં હેતવાળા હરિભક્તોને જણાવી પણ દીધું, એટલે દેશોદેશથી હરિભક્તો ઉતાવળા ઉતાવળા આવી પહોંચ્યા. તેમ જ એકબીજામાં ખબર પડતાં કેટલાક બાઈઓ પણ આવ્યાં.

યજ્ઞમાં જેમ ઘણા સંત-હરિભક્તોનો સમૂહ ભેળો થઈ જતાં સેવા કરનારા માણસો ઘણા જોઈએ, તેમ આ મંદવાડમાં બનતું ગયું. પણ સંત-હરિભક્તો પોતપોતાની સગવડ બનતી રીતે વગર બોલ્યા કરી લેતા હોવાથી કોઈને બહુ તરખડ પડતી નહિ. બાઈઓ તો બાઈઓનાં મંદિરમાં જ જમવાનું કરી લે અને કેટલાક હેતવાળા સંત-હરિભક્તો તો એક વખત જમ્યા, ન જમ્યા જેવું કરી રાત્રિદિવસ સેવામાં જ તત્પર રહેતા. બાપાશ્રીને તો એકે સેવા જોતી નહોતી, પણ સહુ પોતપોતાની મેળાએ મહારાજની પ્રસન્ન્તાને અર્થે બનતું કરી રાજી થતા. કોઈ પંખેથી વાયરો નાખે તો કોઈ દંડવત્-પ્રદક્ષિણા કરે, કેટલાય સંત-હરિભક્તો મૂર્તિ ધારી માળા ફેરવે. પુરાણી કેશવપ્રિયદાસજી કે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી જેવા તો નેત્ર મીંચી, મૂર્તિ ધારી બેઠા હોય. બાપાશ્રીના હજૂરી સેવક આશાભાઈ, મોતીભાઈ કે પુત્ર- પૌત્રાદિક પણ સાવ તપસ્વી જેવા દીન થઈને પાસે બેઠા વાટ જુએ કે, બાપાશ્રીને ક્યારે નિરાંત થાય. કોઈ પગને તળીએ હાથ ફેરવે તો કોઈ હાથપગ દાબે. બાપાશ્રી એ સહુની વચ્ચે ખાટલા પર એક ખેસ ઓઢી સૂતા જ હોય. સવારે ખાટલો ઓશરી પર રાખે તો બપોરે ઝાડ નીચે ચોકમાં લાવે, રાત્રે ઓરડીમાં લઈ જાય, જેમ સૌને ગમે તેમ કરે, પણ બાપાશ્રી તો કાંઈ બોલે જ નહિ એટલે સૌને મનની વાત મનમાં જ રહે.