૫૯૧ - બાપાશ્રી ભારાસર જઈ આવ્યા
ત્યાર પછી થોડા દિવસે ભારાસરથી હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા, તેમની સાથે કેશરાજભાઈના પુત્ર વિશરામભાઈ તથા ભત્રીજા રામજીભાઈએ બાપાશ્રીને કહેવરાવ્યું જે, ‘બાપા! અહીંના હરિભક્તો બધા આપને સંભારે છે, તેથી દર્શન દેવા પધારો તો સહુ રાજી થાય; આપની મરજી હોય તો ગાડી તેડવા મોકલીએ.’ આ સમાચાર હરિભક્તોએ બાપાશ્રીને કહ્યા ત્યારે પોતે એમ કહ્યું જે, ‘ગાડી મોકલવાનું કાંઈ નહિ, મારે નારાયણપુર આવવાનું થશે ત્યારે આવી જઈશ.’ આવા ખબર હરિભક્તો લાવતાં સહુ રાજી રાજી થઈ ગયા. પછી પાંચછ દિવસ થયા ત્યારે બાપાશ્રી પોતાની ઘોડી પર બેસી બપોરના ભારાસર આવ્યા, ત્યારે ગામમાં ખબર પડતાં સહુ આવી આવીને દંડવત્ કરી મળવા લાગ્યા. સહુએ જાણ્યું જે, ‘હવે થોડા દિવસ કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ થશે.’ પણ બાપાશ્રીએ તો સભાપ્રસંગે કહી દીધું કે, ‘અમારે કાલે જવું જોશે, આ તો તમારા સમાચાર આવ્યા એટલે મને એમ થયું જે જઈ આવું.’ આથી હરિભક્તોએ જાણ્યું જે, ‘બાપાશ્રી આજનો દિવસ જ રહેવાના છે તેથી સહુ વાડીનાં તથા ઘરનાં કામકાજ મૂકી મંદિરમાં જ રહ્યા અને મોટી સભા થઈ. હરિભક્તો આવી આવીને બાપાશ્રીને હજારી ફૂલના હાર પહેરાવે, દંડવત્ કરી મળે, પ્રાર્થના કરે, એમ સાંજ સુધી ચાલ્યું. રાત્રે આરતી-ધૂન્ય થઈ રહ્યા પછી વચનામૃતની કથા થઈ.
એ વખતે બાપાશ્રીએ વાત કરી જે, ‘જીવને મહારાજ અને તેમના મુક્તનો મહિમા સમજવામાં દેહાભિમાન રૂપ આભડછેટ બહુ નડે છે. એ આભડછેટ જીવ મૂકે નહિ ત્યાં સુધી તેની સેવા મહારાજ અંગીકાર કરે નહિ. જેમ કોઈ કોળી, વાઘરી કે એવા બીજા કોઈ જમવાની વસ્તુ લાવે તે ઉચ્ચ વર્ણના હોય તે અંગીકાર કરે નહિ, તેમ મહારાજ ને મુક્ત દિવ્ય છે અને જીવને દેહાભિમાન રૂપ આભડછેટ છે, તેથી એ દેહભાવ ટાળી પવિત્ર ન થાય ત્યાં સુધી મહારાજ રાજી ન થાય; માટે જે કાંઈ કરવું તે બધું દિવ્યભાવમાં રહીને કરવું.’
પછી સમય થયો એટલે કથાની સમાપ્તિ થઈ ત્યારે સાંખ્યયોગી બાઈઓ પાસે થાળ કરાવી રાખેલ, ત્યાં હરિભક્તો બાપાશ્રીને ઠાકોરજી જમાડવા તેડી ગયા. ત્યાંથી આવ્યા પછી પણ ઘણી વાર કથાવાર્તા, નિયમ વગેરે કરી ત્યાં જ આસન કર્યું. વળી સવારમાં વહેલા ઊઠી નિત્યવિધિ કરી બાપાશ્રી તૈયાર થયા ત્યાં મંગળાઆરતી થઈ, ત્યાં તો હરિભક્તો પણ પૂજા કરી તૈયાર થઈ ગયા ને સભા ભરાણી એટલે સાત વાગ્યા સુધી વચનામૃતની કથા થઈ. એ વખતે બાપાશ્રી આસન પર ધ્યાનસ્થ બેઠા હતા અને હરિભક્તો ફૂલના હાર કંઠમાં પહેરાવી જતા તે એમ ને એમ કંઠમાં શોભી રહ્યા હોય, તે જાગ્રત થાય ત્યારે કંઠમાંથી ઉતારી હરિભક્તોને પહેરાવે. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રી માટે થાળ તૈયાર કરાવી રાખેલ, ત્યાં લઈ જઈ રામજીભાઈ, વિશરામભાઈ આદિ હરિભક્તોએ તાણ કરી જમાડ્યા. પછી પોતે ચાલવાની તૈયારી કરવા લાગ્યા, ત્યારે રામજીભાઈ કહે, ‘બાપા! આપણે ઘેર પધારો તો થોડી વાત કરવી છે.’ આમ કહ્યાથી બાપાશ્રી તેમને ઘર પધાર્યા.