૧૬૨ - ધ્યાનમાં બેસી ધામમાં મૂકી આવ્યા
થોડી વારે વાડીનું કામકાજ કરનારા સૌ રોટલા જમી કામે લાગ્યા. પછી મોડેથી પોતે કેડિયું, પાઘડી પહેરી ખેસ ખંભે રાખી વાડીમાં ગયા. ફરતાં ફરતાં સાથીને સવારે ખોદવાનું કહેલ તે તેણે સરખું કર્યું નહોતું, એ જોઈ પોતે હાથમાં કોદાળી લઈ એ ઊંચાણવાળી જમીન ખોદવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં નારાયણપુરથી બે હરિભક્ત દર્શને આવ્યા ને દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા, પછી પ્રાર્થના કરી હાથમાંથી કોદાળી લઈ ધૂડ ખોદવા માંડી ને જાણ્યું જે, ‘આજ આપણને ભારે સેવા મળી.’ પછી ભાઈશ્રી તો ઝાડના થડ પાસે માથે લૂગડું ઓઢી ધ્યાન કરવા મંડ્યા, તે એમ ને એમ ધ્યાનમાં ઊતરી ગયા. હરિભક્તોએ તો થોડી વારમાં ઊંચાણનો ભાગ ખોદી સરખો કરી લીધો. પછી પાસે બેસી સંકલ્પવિકલ્પ કરતા તેઓ ઘડી ઘડી સામું જુએ, પણ જાગ્યા વિના હવે કેમ જવાય? છેવટે જ્યારે સંધ્યા-આરતીનો વખત થયો, ત્યારે આ મુક્તરાજ જાગ્યા. તે વખતે આ હરિભક્તો દંડવત્ કરી કહેવા લાગ્યા જે, ‘ભાઈ! આજ તો અમે તમારી પાસે વાતો સાંભળવાનો વિચાર કરી આવ્યા હતા, પણ તમે તો ધ્યાનમાં જ બેસી રહ્યા.’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘અમે તો આ ગામમાં એક છોકરે દેહ મેલ્યો હતો તેને મહારાજ ભેળા ધામમાં મૂકવા ગયા હતા.’ આ વાત સાંભળી તે હરિભક્તો આશ્ચર્ય પામતા ગામમાં આવ્યા, ત્યાં તો ભાઈશ્રીના કહેવા પ્રમાણે કણબી હરિભક્તના છોકરાએ દેહ મેલ્યો હતો.