૧૯૫ - આશ્ચર્યકારી બનાવ

0:000:00

વળી આ યજ્ઞમાં એક વધુ ચમત્કારિક બનાવ એ બન્યો કે, નડિયાદવાળા ઝવેરીલાલભાઈ ભૂજથી દર્શને આવેલા, તેમની ગાડીમાં સ્વામી બાલમુકુંદદાસજી તથા એક સાધુ આવ્યા. તે જોઈ સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને એમ થયું જે, ‘આ સંત તો બહુ જ વૈરાગ્યવાન છે ને આવા મોટા અધિકારવાળાની સાથે ગાડીમાં બેસીને કેમ આવ્યા હશે! કદાચ એમણે આગ્રહ કર્યો હોય તો કોણ જાણે?’ એમ મનમાં ને મનમાં સંકલ્પ કર્યો. પણ કોઈને એ વાત જણાવી નહિ; પછી તેમનું આસન કરવા માંડ્યું, તેમાં પણ એક ગોદડું વધુ મૂક્યું હતું, તોય કાંઈ બોલ્યા નહિ, તેમ રાત્રે સંતો આગ્રહ કરે એટલે થોડું દૂધ પીતા. આવું જોઈ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘આ સ્વામી પ્રથમ બહુ વૈરાગ્ય રાખતા. તે હવે તો થોડી થોડી સેવા અંગીકાર કરતાં લાગે છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! પ્રથમની વાત જુદી હતી ને હવે ની જુદી છે.’ તેવા મર્મવચનથી ફરી વાર પૂછ્યું જે, ‘પ્રથમની વાત જુદી હતી, એ શું?’ ત્યારે કહ્યું જે, ‘સ્વામી મુક્તજીવનદાસજી અને સ્વામી બાળમુકુંદદાસજી બેય માંદા બહુ થઈ ગયા ને આવરદા એકેયને નહોતી, પણ સ્વામી મુક્તજીવનદાસજીને સહેજ કસર જેવું હતું, તેથી સ્વામી બાળમુકુંદદાસજીના ચૈતન્યને મહારાજની મૂર્તિમાં મૂકી દીધો ને એમના દેહમાં સ્વામી મુક્તજીવનદાસજીના ચૈતન્યને મૂક્યો છે, તે એટલા માટે ફેર જન્મ ધરાવવો ન પડે; તેથી આ સ્વામી એમના જેવું તપ ક્યાંથી કરી શકે? આ વખતે સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી પાસે બેઠા હતા, તેમણે આ વાત જાણી, તેથી એ તો આશ્ચર્ય પામી ગયા ને બોલ્યા જે, ‘ભાઈ! તમે આવી રીતે દેહ બદલાવી નાખો છો તે વાતની તો આજ ખબર પડી. ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! શ્રીજીમહારાજના પ્રતાપે જે કરીએ તે થાય; આમાં શું મોટી વાત છે!’

આ રીતે યજ્ઞમાં આવેલા દેશીપરદેશી સંત-હરિભક્તોને આશ્ચર્યકારી દર્શન તથા સેવા-સમાગમનો બહુ જ લાભ મળતો. બાઈઓમાં પણ મોટા મુક્ત ધનબા આગળથી જ આવેલા, તેથી બાઈઓના મંદિરમાં પણ આવી જ રીતે પારાયણ વંચાતી. ઉપરાંત સાંખ્યયોગી, કર્મયોગી બાઈઓ યજ્ઞમાં સીધાં-સામાન તૈયાર કરવામાં ઘણી સેવાઓ કરતાં હોવાથી રાત્રીદિવસ સૌને આનંદ આનંદ થઈ રહ્યો હતો. પ્રભાતે ચાર વાગ્યા હોય ત્યાં તો ઠેકાણે ઠેકાણે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ નામ ઉચ્ચારણ થતાં જણાય. ક્યાંક પ્રભાતિયા બોલાતાં હોય. કૂવા પર પાણી કાઢતાં, નાહતાં, વાડીએ જતાં, મંદિર આવતાં, જ્યાં ને ત્યાં ’સ્વામિનારાયણ’ નામનો ધ્વનિ સંભળાય. વહેલા મંગળા-આરતી થાય ત્યાં તો સંત-હરિભક્તોથી મંદિર ભરાઈ જાય. પારાયણ ચાલતી હોય ત્યારે તો ચોકમાં જવા આવવાનો માર્ગ માંડ મળે. સહુ હર્ષભર્યા આવે ને જાય. તેમાં કોઈનું આંખ-માથું પણ દુઃખે નહિ. ‘પડી વસ્તુ કોઈ ની હાથ ન ઝાલે રાજ, અક્ષરના વાસી વા’લો, આવ્યા અવની પર- એ રીતે કોઈની કાંઈ વસ્તુ પડી રહી હોય તો ત્યાં જ પાછી મળે અથવા કોઈ સાદ પાડી ખબર આપે. આથી વધુ આશ્ચર્યકારી વાત તો એ જે આટલી આટલી સંત-હરિભક્તોની ભીડ છતાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી તો સભામાં કે મંદિરમાં નિરાંતે ધ્યાનસ્થ બેઠા હોય. તેમને તો કોઈ વાત ની ચિંતા જ નહિ. સેવકો સેવા કર્યા કરે, પુત્રપૌત્રાદિક પણ સાદા, ભોળા. તેથી એ પણ જોઈ જોઈને રાજી થાય ને ચીંધ્યું કામ કરે. સત્સંગમાં કહેવાય છે કે, ‘મહારાજનું કામ મહારાજ કરે!’ તેમ અહીં બધું કામ શ્રીજી મહારાજ પર હતું.