૫૭ - મૂળીમાં કથા-વાર્તાનો બ્રહ્મયજ્ઞ અને ભાઈશ્રીને સમાધિ

0:000:00

આ રીતે કથાવાર્તા રૂપી બ્રહ્મયજ્ઞથી આનંદ આનંદ વર્તી રહ્યો હતો. ભાઈશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા જાય, ત્યારે મંદિર ઊભરાય, સભામાં બેઠા હોય તો ત્યાંય એવી ભીડ! બપોરે સંતની પંક્તિનાં દર્શને ગયા હોય તો ભંડારમાં પણ એમ જ. આ રીતે મુક્તરાજનું અજબ આકર્ષણ થઈ રહ્યું હતું. વચમાં સંઘે મળી બે દિવસ ઠાકોરજી તથા સંતોને રસોઈ આપી જમાડ્યા. ત્રીજો દિવસ થયો ત્યાં વળી ભાઈશ્રી સૂતાં સૂતાં, સમાધિમાં ચાલ્યા ગયા. હરિભક્તો વાટ જુએ કે, ‘ભાઈશ્રી આજે કેમ ઊઠતા નથી? પણ એ તો મૂર્તિ સાથે આનંદ કરતા હોય, તે અહીં ક્યાંથી જાગે? સવારે જગાડતાં ન ઊઠયા ત્યારે ઓઢેલું લૂગડું ખસેડ્યું, ત્યાં તો ન મળે નાડી કે પ્રાણ! પછી તો મુક્તરાજ કેસરાભાઈ આવ્યા ને જાદવજીભાઈ, કુંવરજીભાઈ, વિશરામભાઈ આદિ સૌને બોલાવ્યા. મુક્તરાજ ધનબાને વાત કરતાં તે પણ આવ્યાં. સહુએ મળી પ્રથમ તો એમ વિચાર કર્યો જે, ‘કોઈ પૂછે તો ભાઈશ્રીને શરીરે આજ જરા ઠીક નથી એમ કહેવું.’ જો બેચાર કલાકમાં જાગી જાય તો તો ઠીક, નહિ તો મૂળીમાં સૌને જાણ થઈ જશે તો માણસો જોવા ઊભરાશે; ત્યારે ધનબા કહે, ‘ભાઈ, તમે બધા વિચાર કરો છો કે આમ ઢાંક્યું રાખીએ, પણ આ વાત કાંઈ છાની રહેશે? અમારા બાઈઓના સંઘમાં હમણાં વાત થઈ કે, ‘ભાઈ તો વળી સમાધિમાં જતા રહ્યા લાગે છે.’ મેં પૂછ્યું કે, તમને કોણે કહ્યું? તો કહે, ‘મંદિરમાં હરિભક્તો વાત કરતા હતા.’ પછી તો મુક્તરાજ કેસરાભાઈ આદિ સર્વે મોટા મોટા હરિભક્તોએ આ વાત સંતોને જણાવી. ત્યારે તે તો એમ જ કહેવા લાગ્યા કે, ‘સંતો-હરિભક્તો ભલે દર્શન કરે.’ આ વખતે જે દર્શન કરે તેનાં મોટાં ભાગ્ય!’ એમ કહી સૌને દર્શન થાય તેમ ભાઈશ્રીને રાખ્યા. ( નાડીપ્રાણનો સંકેલો થાય તે દેહધારીને બહુ મોટી વાત લાગે. પણ સ્વતંત્ર મુક્તને આ સ્થિતિની કાંઈ ગણતરી જ ન હોય ). હવે ભાઈશ્રી સમાધિદશામાં બે દિવસ રહ્યા ત્યાં સુધી, ઊઠતાં, બેસતાં, નાહવા જતાં, પૂજા કરતાં, સભામાં કે આસને એ જ વાત થયા કરે. કેટલાક હરિભક્તો એમ કહે જે, આપણાં બહુ મોટાં ભાગ્ય તે આવાં દર્શન થયાં! સંતો સભામાં શ્રીજીમહારાજના લાડીલા મુક્તોનો મહિમા કહેતાં કહેતાં એમ કહે જે, ‘એ વાત તો આપણે નજરની જોયેલી ન ગણાય, પણ ભાઈશ્રી તો આ સૂતા. અત્યારે આપણે એમનું શરીર જોઈએ છીએ પણ એ તો મહારાજ વિના બીજું કાંઈ દેખતા જ નહિ હોય. એવા મોટાનાં દર્શન આપણે કરીએ છીએ, એ પણ મોટા ભાગ્યની વાત છે. જ્યારે જ્યારે સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી અહીં આવીને રહે છે, ત્યારે ભાઈશ્રીની વાતો આસને હેતરુચિવાળાને કરે છે. ક્યારેક સભામાં એમનાં દૃષ્ટાંત દઈને વાતો કરે છે. તેથી એમ તો જણાય છે જે, એ બહુ મોટા મુક્ત હશે, પણ એમની કેવડી સ્થિતિ છે તે તો એવા મોટા જાણે.’ આમ વાતો કરતા તેથી સંત-હરિભક્તોમાં આ અનાદિ મુક્તરાજની એકદમ પ્રસિદ્ધિ થઈ ગઈ. ભાઈશ્રી તો બીજે દિવસ રાત્રે જાગ્યા કે તરત ઊઠી ઠાકોરજીનાં તથા સંતોનાં દર્શન કરવા લાગ્યા, તેથી સહુ રાજી થયા, પણ બીજે દિવસ વહેલા ઊઠયા ત્યાં પાછો ભાઈશ્રીને જરા તાવ આવી ગયો હોય તેમ જાદવજીભાઈ વગેરેને લાગ્યું, તેથી સંઘના મોટેરા હરિભક્તો તથા મુક્તરાજ ધનબાએ મળી વિચાર કર્યો કે, ‘આપણો સંઘ મોટો છે ને ભાઈશ્રીને પાછું આજે ઠીક જણાતું નથી; માર્ગમાં કેમ રહે, કેમ નહિ, તો તેમને અહીં રાખીને હરિભક્તો ગઢપુર આદિ ધામોમાં દર્શન કરી આવે તો કેમ?’ એ વાત બધાને ઠીક લાગી. સંતોને પૂછ્યું તો તેમણે પણ એ જ સલાહ આપી, તેથી તેમની સેવામાં રત્ના ભક્તના પૌત્ર કાનજીભાઈને રાખીને બીજે દિવસ સૌએ જવાનું પ્રયાણ કર્યું. સંતો કહે, ‘તમે કોઈ ભાઈશ્રીને માટે ચિંતા ન કરશો, અમે તેમની બરાબર સેવા કરીશું. આવા શરીરે સંઘમાં એ નભી ન શકે. જો ઠીક થઈ જશે, તો કાનજીભાઈ ને એ બેય પાછળથી આવશે. જોઈશે તો ભેળો મનુષ્ય મોકલીશું.’ આવી વાતથી સૌને એ ઠીક લાગ્યું. મુક્તરાજ કેસરાભાઈ, જાદવજીભાઈ તથા ધનબા જેવાં મોટાં મોટાંને તેમને મૂકીને જવું ઠીક તો લાગતું નહોતું, પણ શું કરે? સંઘ મોટો ને એ મોટેરા, તેથી સૌને અનુકૂળતા પ્રમાણે રહેતાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રી રાજી થશે, એમ જાણી ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી સૌ વિદાય થયા.