૪૯૨ - મુળજીભાઈની માને ધામમાં મોકલ્યાં
યજ્ઞની સમાપ્તિ થયા પછી હજી સામાનની લેણદેણના હિસાબ ચોખ થતા હતા તે વખતે વૃષપુરના હરિભક્ત મૂળજી કરસનની માને મંદવાડ ઘણો થતાં તેને પાંચ-છ દિવસમાં તો દેહ રહે નહિ એવું થઈ ગયું. આ બાઈને મહારાજના પ્રતાપની કે સત્સંગની ઝાઝી ખબર નહોતી પણ બાપાશ્રી પોતાને છેટે છેટે સંબંધી થાય તેમ જ વાડીઓ બાજુમાં હોવાથી દર્શને આવતા સંત-હરિભક્તોને જોઈ તેને જીવમાં ગુણભાવ સારો હતો. એક દિવસ તેમને વધારે વસમું લાગવાથી બાપાશ્રીને તેડી આવવા માણસ મોકલ્યું. એટલે પોતે તુરત દર્શન દેવા પધાર્યા. એ વખતે તેમની પાસે સેવામાં રહેતાં બાઈઓએ પરસ્પર કહેવા માંડ્યું જે, લૂગડાં સરખાં ઓઢાડો ને લાજ કઢાવો; બાપા આવે છે. આ વાત સાંભળી બાપાશ્રી કહે, ‘આ ટાણે આ લોકના વિવેકની જરૂર નથી. આ તો અમારી દીકરી તુલ્ય છે.’ એમ કહી ઘરમાંથી પાણીનો લોટો મગાવી તેને વર્તમાન ધરાવ્યાં ને બીજું પાણી હાથમાં લઈ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કહી તેના અંગ પર છાંટ્યું ત્યારે તેમના સંબંધી જે પાસે બેઠા હતા તેમણે પૂછ્યું જે, બાપા! હવે આ સાજાં થઈ રહેશે ને?’ ત્યારે બાપાશ્રી કહે, અમારા યજ્ઞમાં વિઘ્ન ન થવા એમને રાખ્યાં હતાં, હવે તો એ ધામમાં જશે.’ એમ કહી પોતે બહાર નીકળ્યા એટલામાં એ બાઈએ હાથ જોડવા માંડ્યા, તેથી સૌ ધૂન્ય કરવા લાગ્યા કે તુરત દેહ મેલી દીધો. એમ એ બાઈનું થોડા સંબંધે મહા મોટું કામ કરી તેમને અક્ષરધામમાં પહોંચાડી દીધાં.