૭૦૦ - હીરજીભાઈ પર બાપાશ્રીની પ્રસન્નતા

0:000:00

લોકામલ શેઠ ગયા પછી બાપાશ્રી પાસે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી બેઠા હતા, ત્યાં મોરબીવાળા હીરજીભાઈએ આવી દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા એટલે બાપાશ્રીએ તેમના માથે હાથ મૂક્યા. ત્યારે સ્વામીશ્રી કહે ‘બાપા! આ ગોવિંદભાઈના ભાઈ છે. પ્રથમ નાના હતા ત્યારે આપનાં દર્શન કરેલાં, પાછા એ વચમાં આવજા ન કરતા, પણ મૂળીના પાટોત્સવ વખતે આપની વતી અમે કહ્યું, ત્યારે યજ્ઞમાં મોટી સેવા કરી હતી, ત્યારથી તેમનું અંગ વૃદ્ધિ પામતું જાય છે’ ત્યારે બાપાશ્રી કહે, ‘આ તો બળિયા છે, હજી પણ જેમ જેમ મહારાજનો મહિમા સમજતા જશે તેમ તેમ બળ આવશે. આમના દાદા બેચર ચાવડા શ્રીજીમહારાજના હજૂરી હતા ને મહાશૂરવીર હતા. આ એમનો પરિવાર છે તે પણ એવો જ થશે. શ્રીજીમહારાજની કૃપામાં જે આવી ગયા તેમનાં તો બહુ મોટાં ભાગ્ય!’ પછી સ્વામીશ્રીએ તેમના પિતા ભીમજીભાઈની ઓળખાણ પડાવી. ત્યારે બાપાશ્રી કહે, ‘મોરબીમાં પ્રોફેસર કાશીરામભાઈના ભાઈ રણછોડલાલભાઈ પાસે અમે જતા ત્યારે એ અમારી પાસે આવતા, તેમને પણ સત્સંગ માથા સાટે હતો, હેત પણ એવું. આખું ઘર મહિમાવાળું છે. ગોવિંદભાઈ તો અમે જ્યારે ગુજરાતમાંથી કચ્છમાં જઈએ ત્યારે વહાણ કે આગબોટમાં બેસારવા ઠેઠ નવલખી સુધી આવે. સંત-હરિભક્તને દેખે તોય એવી જ સેવા કરે,’ એમ પ્રસન્નતા જણાવી. ત્યારે સ્વામીશ્રી કહે, ‘બાપા! હવે આમના પર ખૂબ રાજી થજો, અમારી સેવા એ બહુ કરે છે.’ ત્યારે બાપાશ્રીએ ફરી વાર તેમના માથા પર હાથ મૂકી કહ્યું કે, ‘અમેય રાજી ને મહારાજેય રાજી.’ એ વચનથી હીરજીભાઈને બહુ જ આનંદ થયો. પછી તો એ ચારપાંચ દિવસ રહ્યા ત્યાં સુધી બાપાશ્રી તેમને વારે વારે બોલાવે, કાંઈક પૂછે, હાર પહેરાવે, માથે હાથ મૂકે, એમ રાજી કરતા તે દેશમાં ગયા ત્યારે પણ બાપાશ્રી તથા સંતોએ બહુ જ પ્રસન્નતા જણાવી.