૧૦૩ - ત્રણ દિવસ સમાધિમાં રહ્યા
એક દિવસ સભા મોટી ભરાયેલ ને વચનામૃતની કથા થતી હતી, પણ ભાઈશ્રી સભામાં આવેલ નહિ. તેથી સંત-હરિભક્તો વાટ જુએ, કે ‘ભાઈશ્રી આજ કેમ ન આવ્યા?’ ત્યાં તો મેડા ઉપરથી ઊતર્યા, હરિભક્તો ભેળા. ધોળું ધોતિયું પહેરેલ, એક પછેડી ઓઢેલી, માથે એવી જ ધોળી પાઘડી, ભાલમાં કોઈ સંતે ચંદન ચર્ચેલું, વચ્ચે મોટો કુંકુમનો ચાંદલો, ધ્યાનમાં રહેતા હોવાથી આંખો તો રાતી જ જણાતી એવા, હાથમાં માળા લઈને શ્રીજીમહારાજને દંડવત્ કરી સભામાં આવ્યા ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ વખતે સ્વામીશ્રી કહે, ‘ભાઈ! તમને બધાય સંભારે છે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમારા જેવા મોટા સંત સંભારે એ અમારાં મોટાં ભાગ્ય!’ પછી હરિભક્તોની સભાને ‘જય સ્વામિનારાયણ’ કરી, ઊભા ઊભા બાધાયને હાથ જોડી, ધ્યાનયુક્ત સભામાં બેઠા. કથાવાર્તા થઈ રહી ને આરતી થઈ એટલે સૌ ઠાકોરજીના દર્શન કરવા ઊઠ્યા. પણ ભાઈશ્રી તો ધ્યાનમાં ને ધ્યાનમાં બેસી જ રહ્યા; ઊઠ્યા નહિ. તે જોઈ સ્વામીશ્રી કહે, ‘એમને કોઈ ઉઠાડશો મા.’ પછી એક હરિભક્તને પાસે બેસાર્યા. સંત-હરિભક્તો ઠાકોરજીનાં દર્શન કરી આવ્યા તો પણ ભાઈશ્રી તો એમ ને એમ બેઠેલા. તે જોઈ સંત-હરિભક્તો અડખેપડખે જાય, આવે, કોઈ સભામંડપમાં બેસે. કોઈ શ્રીજીમહારાજની મૂર્તિના દર્શન કરતા હોય, પણ ઘડી ઘડી સૌની નજર ભાઈશ્રી સામી જ રહેવા લાગી. જ્યારે ભાઈશ્રી તો મૂર્તિના સુખમાં જ ગુલતાન હતા. દોઢ-બે કલાકે જાગ્યા ત્યારે પાસે બેઠેલા હરિભક્તને પૂછ્યું, ‘આરતી થઈ?’ ત્યારે તે હરિભક્ત કહે, ‘ભાઈ! આરતી તો ક્યારનીયે થઈ ગઈ, હમણાં ઠાકોરજીના થાળ આવશે.’ પછી ઊઠીને પોતે દર્શને ગયા ને તરત જ ઠાકોરજીનાં દર્શન કરીને વળ્યા. પડખે સંત-હરિભક્તોની ભીડ મટે નહિ. સૌને એમ જે, ‘આજ ભાઈશ્રીનું પ્રકરણ જુદું જણાય છે.’ ભાઈશ્રી તો દર્શન કરી સ્વામીશ્રીના આસને આવ્યા. ત્યાં પણ એમ ને એમ બેસી રહ્યા. ઠાકોરજીના થાળ થયા એટલે સૌની સાથે ઠાકોર જમાડવા ઊઠ્યા, પણ ઘણાને એમ જે, ‘આજ સમાધિ થાય તેવું જણાય છે.’ પછી ઠાકોરજીને જમાડીને વળી આસને આવી માથે પછેડી ઓઢીને સૂઈ રહ્યા. સંત-હરિભક્તો દર્શન કરવા આવે ને જાય. પણ પોતે માથે ઓઢી ગયેલ ને સ્વામીશ્રી સૌને તેમની પાસે જવાની ના પડતા હોવાથી કેટલાક છેટે બેસીને તેમના જાગવાની વાટ જોઈ રહે. પછી થાકીને જાય. એમ કરતાં દિવસ બે થઈ ગયા. પછી ત્રીજે દિવસે બપોરના ત્રણ વાગ્યા ત્યારે પોતાની મેળાએ જાગીને બેઠા થયા ને નાહી, પૂજા કરી ઠાકોરજીનાં દર્શન કર્યાં. ત્યારે સ્વામીશ્રી આવીને તેમની પાસે બેઠા, તેથી સંત-હરિભક્તો ફરતા બેસતા ગયા. તે વખતે બ્રહ્મચારીએ ઠાકોરજીનો પ્રસાદીહાર લાવી પહેરાવવા માંડ્યો, ત્યારે ભાઈશ્રી તો તે હારને હાથમાં લઈ સ્વામીશ્રીના કંઠમાં પહેરાવવા મંડ્યા, પણ સ્વામીએ હાથ ઝાલી રાખીને તેમને જ તે હાર પહેરાવ્યો. ફરતા સૌ બેઠેલા ને પોતે તો ઉઘાડે શરીરે હાર પહેરેલ, નેત્ર મીંચીને ધ્યાનયુક્ત બેઠા. સંત-હરિભક્તો સર્વે સામું જોઈ રહ્યા હતા કે, ‘હવે આમ ને આમ બેસી રહેશે, ઊઠશે કે પોઢી જશે?’ ઘણી વાર સૌ એમ ને એમ બેસી રહ્યા, ત્યારે પોતે ધીમે રહીને નેત્ર ઉઘાડ્યાં; પછી સ્વામી સામું જોઈ પ્રસન્નતા જણાવી ને બોલ્યા, ‘સ્વામી! મહારાજની મૂર્તિમાંથી તેજના સમૂહ ઝળળ ઝળળ છૂટે છે, ને અનંત મુક્ત એ મૂર્તિમાં રહ્યા થકા સુખ લે છે. તમ જેવા મોટાની દયા થાય તો ત્રણેય અવસ્થામાં મૂર્તિ એમ ને એમ દેખાય. અને મૂર્તિનો સબંધ ત્યારે જ થયો કહેવાય. એ મૂર્તિમાં અપાર સુખ છે એ સુખભોક્તા થવાને અર્થે શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત રાજી થાય તેમ વર્તીને નિરંતર આવી દિવ્યસભાનો જોગ-સમાગમ કરવો જોઈએ. મહાપ્રભુના લાડીલા અનાદિ મુક્ત મળ્યા વિના જીવ ગમે તેટલાં સાધન કરે પણ મૂર્તિના સુખની પ્રાપ્તિ ન થાય. અને એકલા સાધનવાળા સત્સંગને દિવ્ય ન જાણી શકતાં લૂખા ને લૂખા રહે છે. એ તો જ્યારે મોટા અનાદિનો જોગ કરીને કારણ ને કાર્ય એ બેયને ઓળખે, ત્યારે સત્સંગ બધો દિવ્ય જણાય ને મોક્ષ પણ ત્યારે જ થાય. તે વિના શુષ્કપણું મટે નહિ. એમ પ્રસન્ન થઈને વાતો કરી. (આ વખતે ત્રણ દિવસ સમાધિમાં રહેતાં ઘણા હરિભક્તોને એ દર્શનનો લાભ મળ્યો હતો. તેમ મોટા મોટા સંતો, સદ્ગુરુ રાધામનોહરદાસજી, સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી બાલકૃષ્ણદાસજી તેમ પુરાણી શ્રીકૃષ્ણદાસજી, ધર્મકિશોરદાસજી આદિ ઘણા સંતો આસને બેસી જોગ-સમાગમ કરતા.)
એક દિવસ સ્વામીશ્રીને આસને વચનામૃતની કથા થતી હતી. તેમાં પ્રથમનું ૨૪મું વચનામૃત વંચાઈ રહ્યું, ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું જે, ‘ભાઈ! આમાં એમ આવ્યું જે, જેને જેટલો ભગવાનનો મહિમા સમજાય છે, તેને તેટલો પ્રણવનાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે ને ભૂંડા ઘાટ બંધ થાય છે, તે કેમ સમજવું?’ ત્યારે પોતે બોલ્યા જે, ‘શ્રીજીમહારાજ તથા મોટા મુક્તના સમાગમે અને તેમની પ્રસન્નતાએ કરીને શ્રવણ, મનન આદિ કરતાં કરતાં જ્યારે દિવ્યભાવ આવે, ત્યારે માયિકદૃષ્ટિ મટી જાય, એટલે તેજના સમૂહમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય, તે ભેળા અનંત મુક્ત પણ દેખાય. તે તેજના અપાર સમૂહનો ફરર ફરર ફરેરાટ થાય છે. જેમ વાયુએ કરીને ઝાડ ખડખડે છે ને શબ્દ થાય છે તેમ સંભળાય છે! તે પ્રણવનો નાદ સંભળાણો, તેજ પણ દેખાણું ને ભૂંડા ઘાટ પણ યથાર્થ ત્યારે જ ટળે. તે જેટલી સ્થિતિ થાય ને જેટલું મૂર્તિમાં રહેવાય તેટલો નાદ, પ્રકાશ ને ભૂંડા ઘાટનું બંધ થવાપણું થાય છે.’ એમ કહીને વળી થોડી વાર પછી બોલ્યા. જે, ‘જીવને જ્યારે મોટા મુક્તનો જોગ-સમાગમ થાય છે અને તેમની સેવાએ તેમને પ્રસન્ન કરે છે, ત્યારે તેમના ઉપર એ મોટા મુક્તની કૃપા થાય છે. તેથી તેની માયિક દૃષ્ટિ પલટાઈને દિવ્ય દૃષ્ટિ થાય છે; ત્યારે માયા કે માયાનું કાર્ય કોઈ તેની નજરમાં આવતું નથી; જેમ આકાશમાં રાત્રે જોઈએ તો કેવી તારાની રચના દેખાય છે,’ પણ જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે તેના પ્રકાશમાં એ સર્વે લીન થઈ જાય છે, પછી જોઈએ તો એકેય તારો નજરે આવે નહિ. તેમ અનંતકોટિ બ્રહ્માંડોની અનંત બીજી રચનાઓ શ્રી પૂરુષોતમ ભગવાન જે શ્રીજીમહારાજ તથા તેમના મોટા મુક્ત, તેના પ્રતાપે નજરમાં જ આવે નહિ. એવી અલૌકિક દૃષ્ટિ આવા મોટાના જોગથી અહીં જ થાય છે.
વળી એક વખત સભામાં ‘શ્રીજીમહારાજનું અન્વય વ્યતિરેક્પણું કેવી રીતે છે?’ –એ પ્રસંગ સંત-હરિભક્તોમાં ઘણી વાર ચાલ્યો. તેમાં કેટલીક વાતો વચનામૃતનાં પ્રમાણોથી થતી હતી, પણ ભાઈશ્રી આ વાતમાં શું કહે છે, એ જાણવા સ્વામીશ્રીએ આ પ્રશ્ન તેમણે સંભળાવ્યો, પણ તે વખતે કાંઈ બોલ્યા નહિ, તેથી સ્વામીશ્રીએ આગ્રહ ન કર્યો. પછી ઠાકોરજીનાં દર્શન કરી આસને આવ્યા ત્યારે વળી એની એ વાત સ્વામીએ પૂછી; ત્યારે બોલ્યા જે, ‘શ્રીજીમહારાજ પોતાના ભક્તને વિષે વ્યતિરેકપણે રહ્યા છે ને બીજા સર્વેમાં અન્વયપણે રહ્યા છે, તે કેવી રીતે? તો જેમ રાજાની સત્તા પોતાના મુલકમાં અન્વયપણે દીવાનથી લઈને કારભારી, ફોજદાર તથા તેનાથી નીચેના અમલદારોમાં આવતી ગઈ ને ત્યાંથી વસ્તી ઉપર હુકમ ચાલ્યો, તે કોઈ ગુનામાં આવે તેને પોતાની સત્તા જેમાં આવેલી છે એવા જે સિપાઈ તે પકડે. તેમાં કોઈ રાંકને મોટા ગૃહસ્થે કે અમલદારે માર્યો હોય તોય તેને એ દરવેશવાળા પોલીસ કાયદેસર કામ ચલાવે ને શિક્ષા પણ થાય. અને વ્યતિરેકપણું તો એમ જે, જેમ રાજાનો વહાલો કુંવર હોય ને તેને કોઈક નબળા, સારા કે બીજા કોઈ વાંકમાં આવ્યા હોય, તેને માર્યા હોય, તો તેના ઉપર બીજાની સત્તા નહિ. રાજા પોતે તેને ખાનગી જેમ કરવું હોય તેમ કરે. અથવા દંડ દેવો હોય તોય રાજા પોતે દે. એવી રીતે અન્વય- વ્યતિરેકપણું અમને સમજાય છે.’ આ ઉત્તર સાંભળી સભામાં જુદી જુદી વાતો થઈ હતી, તેનું પણ સમાધાન થયું.
એક વખત બપોરે સભામાં કથા થઈ રહ્યા પછી થોડાક સંત-હરિભક્તો બેઠા હતા; ત્યારે ભાઈશ્રીએ વાત કરી જે, ‘શ્રીજીમહારાજે અતિ અપાર કરુણા કરી અક્ષરધામમાંથી અહીં દર્શન આપ્યાં, તોય જીવને અજ્ઞાન બહુ, તે ઓળખી ન શકે. આપણે તો કારણમૂર્તિ શ્રીજીમહારાજને સાથે ને સાથે રાખવા. એ મૂર્તિ અલૌકિક, દિવ્ય છે, અકળિત છે, સનાતન છે, અખંડ, અવિનાશી છે, ચિંતામણિરૂપ છે, તેમાંથી જે ચિંતવે તે મળે, પણ જીવને એ સુખમાં દૃષ્ટિ પહોંચતી નથી, તેથી માયિક સુખમાં વલખાં મારીને ખોટી થાય છે. પણ જો આવી દિવ્ય સભાને ઓળખી જોગ કરે, તો ખોટ માત્ર ટળી જાય ને મહાસુખિયો થઈ જાય. મોટાના જોગની વાત જબરી છે.’