૫૬૯ - સંતોને દેશમાં જવાની રજા આપી

0:000:00

હવે સદ્‍ગુરુઓ આદિ સંતોને દેશમાં જવાની રજા આપવી હતી, પણ નારાયણપુરના ધનજીભાઈને સંતોને જમાડવાની તાણ હોવાથી બાપાશ્રીએ સંતોને કહ્યું કે, ‘કાલે તમે નારાયણપુર જવાનું કરો, ત્યાંથી દહીંસરે થઈને દેશમાં જજો.’ ત્યારે સંતો કહે, ‘ભલે, અમને રાખો કે રજા આપો, પણ તમારે સદાય ભેળા રહેવું પડશે.’ ત્યારે પોતે રાજી થઈને કહ્યું જે, ‘ભલે!’ પછી બીજે દિવસ ધનજીભાઈ સંતોને તેડવા આવ્યા ત્યારે બાપાશ્રીને પણ તાણ કરીને સાથે લીધા ને પોતાને ત્યાં લાડુની રસોઈ કરાવી સહુને જમાડી હોંશ પૂરી કરી. સદ્‍ગુરુઓએ પણ આખો દિવસ કથાવાર્તા કરી ત્યાંના હરિભક્તોને રાજી રાજી કરી મૂક્યા. પછી બીજે દિવસ સવારે બાપાશ્રી સંતોને મળી વૃષપુર પધાર્યા અને સંતો પણ ત્યાંથી દહીંસરે થઈ દેશમાં ગયા.