૩૫૯ - બે જીવોનો મોક્ષ કર્યો
આ વખતે વિરમગામમાં રહેતા ડૉક્ટર નાગરદાસભાઈ સભામાં બેઠા હતા તેમને આ વાત સાંભળતાં બહુ જ અલૌકિક ભાવ આવ્યો ને જાણ્યું જે, ‘બાપાશ્રી તો અંતર્યામી અને મહા સમર્થ મુક્તરાજ છે.’ પછી પોતાના ઘરમાં પ્રથમ બે જીવો દેહ મૂકી ગયેલા તેને અંતસમયે બરાબર સ્મૃતિ ન રહેતાં ધામમાં પહોંચ્યા હશે કે કેમ? -એ શંકા રહ્યા કરતી તે બાપાશ્રીને જણાવીને કહ્યું જે, ‘આપનો મહિમા સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજી જેવા જાણે છે તથા સભામાં કેટલીક વાર વાતો કરતાં કહે છે કે, ‘જીવનો મોક્ષ તો આવી દિવ્ય સભામાં જોડાય તો તુરત થાય.’ વળી આપ જેવા મહા મુક્તરાજનાં દર્શન-સેવાથી શ્રીજીમહારાજ તુરત રાજી થાય છે એમ સ્વામીશ્રી મહિમાવાળા હરિભક્તોને કહે છે. તોપણ અમો આપનો મહિમા વધુ શું જાણી શકીએ? અમારા ઉપર તો આપ કૃપાદૃષ્ટિ રાખજો.’ એમ કહી એ જીવો દેહ મેલી ગયા હતા તેને ઠેઠ શ્રીજીમહારાજ પાસે પહોંચાડવા માગણી કરી કહ્યું કે, ‘બાપા! આપના પ્રતાપે એ જીવોનું કલ્યાણ કરો. આપનો પ્રતાપ મેં સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી પાસેથી ઘણી વાર સાંભળ્યો છે, તો આટલી દયા મારા ઉપર જરૂર કરો.’ આવાં તેમનાં પ્રાર્થનાવચન સાંભળી બાપાશ્રીએ મોટા મોટા સંતોને પાસે બોલાવીને કહ્યું જે, ‘આ ડૉક્ટર બે જીવને ધામમાં પહોંચાડવાની પ્રાર્થના કરે છે, તે આપણે સહુ એમને ધામમાં પહોંચાડવાનો સંકલ્પ કરીએ.’ એમ કહી પોતે તે જીવોને વર્તમાન ધરાવ્યાં. વળી બધા સંતોના હાથમાં પાણી આપી પોતે પણ હાથમાં પાણી રાખી સંકલ્પ કર્યો. પછી સંતોના હાથનું તથા પોતાના હાથનું પાણી તેમના હાથ પર રેડીને બોલ્યા જે, ‘ડૉક્ટર! આટલી વારમાં એ બેય જીવોનો મોક્ષ થઈ ગયો! મહારાજને ઘેર આવાં કામ થાય છે.’ એમ કહીને શ્રી રાધાકૃષ્ણદેવ તથા હરિકૃષ્ણ મહારાજને તે બેય જીવોની વતી થાળ કરાવવાની આજ્ઞા કરી. બાપાશ્રીની આવી કૃપાદૃષ્ટિ જોઈ ડૉક્ટર નાગરદાસભાઈ ઘણા રાજી થયા.