૬૮૯ - દિવ્ય ચાંદલા તથા લાલુભાઈ સાથે રમૂજ
એક વખત વાડીમાં હરિભક્તોની પંક્તિ જમવા બેઠી હતી ત્યાં બાપાશ્રી પધારેલા ત્યારે સહુ હરિભક્તોને દર્શન દઈ આંબાના વૃક્ષ નીચે થોડી વાર બેઠા. તે વખતે ડૉકટર નાગરદાસભાઈ તથા મણિલાલભાઈ અને કરાંચીના લાલુભાઈ, હીરાભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ આદિ તથા સરાવાળા મનસુખભાઈ તથા માથકવાળા ભગવાનજીભાઈ અને બીજા કેટલાક હરિભક્તો પંક્તિનાં દર્શન કરતા હતા તે સૌએ બાપાશ્રી પાસે જઈ ભાલમાં કુંકુમના ચાંદલા કર્યા ત્યારે પોતે પણ એ સર્વેને ચાંદલા કરીને બોલ્યા જે, ‘આ કંકુના ચાંદલા મ જાણજો, આ તો અક્ષરધામના ચાંદલા થાય છે.’ એમ સહુને પ્રસન્ન કરી બાપાશ્રી હરિભક્તોએ સહિત મંદિરમાં આવતાં માર્ગમાં લાલુભાઈ સાથે કચ્છી ભાષામાં રમૂજ કરતાં બોલ્યા જે, ‘લાલુભાઈ! તમે ક્યાં હતા?’ ત્યારે તે કહે, ‘મહારાજની મૂર્તિમાં.’ પછી વાડીમાં શું થયું એમ પૂછ્યું ત્યારે તે કહે, ‘વાડીમાં અક્ષરધામના ચાંદલા થયા ને મહારાજની પ્રસાદી મળી.’ આવાં વચન સાંભળી હરિભક્તો પાસે તેમનું તથા હીરાભાઈ, સાંવલદાસભાઈ વગેરેના હેત ને વિશ્વાસનું વર્ણન કરતા પોતે મંદિરમાં પધાર્યા.