૨૫૮ - છેલ્લી ભલામણ કરી ધામમાં પધાર્યા
આ વખતે સ્વામીશ્રીએ પોતાની પાસે રહેલા સંત-હરિભક્તોને ઠાકોરજી જમાડી આવવાનું કહ્યું. તેથી એ ઝટઝટ જમાડી આવ્યા. પછી સ્વામીશ્રીએ સૌને આજ્ઞામાં રહેવાની ભલામણ કરવા માંડી જે, તમે કોઈ આવા નાશવંત શરીર સારુ મહારાજની આજ્ઞામાં ક્યારેય ફેર પાડશો નહિ. સૌ પરસ્પર હેતપ્રીત રાખી ભગવાન ભજજો ને એકબીજાને માંહોમાંહી વિક્ષેપ થાય એવું આચરણ ન કરજો. વળી નાની અવસ્થાવાળા કોઈને સાધુ કરશો મા; ને મહારાજના વચન પ્રમાણે જે રહેતા હોય તેનો જોગ રાખજો. બધાય સંપસંપીને મંદિર સાચવજો ને દેવનો પક્ષ રાખજો. મહારાજની નાનીમોટી આજ્ઞા માથા સાટે પાળજો. મહારાજે આ દેશમાં દયા કરી મહામુક્તને રાખ્યા છે, તેથી એમના પ્રતાપે આ ટાણે સત્સંગમાં સૌને સુખ-શાંતિ વર્તે છે. આવું ને આવું સદાય રહે એવો ખટકો રાખજો, તો મહારાજ સદાય રાજી રહેશે. આવાં કેટલાંક હિતનાં વચનો કહ્યાં. થોડી વારે શરીરમાં વધુ શીતળતા જણાતાં સૌ ધૂન્ય કરવા મંડ્યા, એ ટાણે પ્રતિષ્ઠા કરવા ગયેલા સંત-હરિભક્તો પણ આવી પહોંચ્યા. એ સૌને જય સ્વામિનારાયણ’ કહી સ્વામીશ્રી મહારાજના સુખમાં ઊંડા ઊતરી ગયા. પછી પાસે રહેલા મોટા મોટા સંતોએ સ્વામીશ્રીને આસનથી ભૂમિ પર લીધા ને પદ્માસન વાળી બેસાર્યા.
આ રીતે આખાય કચ્છ દેશમાં સત્સંગનું પોષણ કરનારા આવા મહાન સદ્ગુરુના ધામમાં પધારવાથી સૌને ભારે શોક થવાની સાથે, મહાસામર્થી જણાવી છેલ્લે દિવસે મોટો સમૈયો કરાવી દેહત્યાગ કરવાનું ચરિત્ર પણ ક્યારેય ન ભુલાય એવું જાણી ધીરજ રાખી એક કાષ્ઠનું વિમાન તૈયાર કરાવી તેમાં સ્વામીશ્રીને બેસાર્યા ને ચંદન-પુષ્પ, ગુલાલ ને ફૂલહારથી પૂજા કરી ઉદાસ થકા સૌ ધૂન્ય કરતા ને કીર્તન બોલતા ગામ સોંસરા થઈ તેમના દેહને ચંદન, તુળસી, ધૃત, શ્રીફળ આદિથી સંસ્કારવિધિ કર્યા પછી નાહીને પાછા સૌ મંદિરમાં આવ્યા. ત્યાં સંતોએ સૌને સ્વામીશ્રીની મોટપ તથા ધીરજ રાખવા સંબંધી ઘણી વાતો કરી, પણ સ્વામીશ્રી કચ્છના સત્સંગમાં મહાસમર્થ ને પ્રતાપી મુક્ત હોવાથી તેમની તો સૌને મોટી ખોટ આવી, એમ જાણી નાનામોટા સંતો તથા ગામડાંના હરિભક્તોને ઘણું દુઃખ લાગ્યું, અને એ દિવસે તો કોઈ જમ્યું જ નહિ. અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા કેસરાભાઈ જેવાએ તો બીજે દિવસ પણ ઉપવાસ કર્યા.
પછી જ્યારે સભા ભરાય ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી કથા વાંચતા, પણ વાંચતાં વાંચતાં સ્વામીશ્રીનો તેમના પર રાજીપો ને હેત સાંભરી આવે એટલે હૈયું ભરાઈ જાય, તેથી બોલી શકે નહિ. એવું જોઈ અનાદિ મુક્તરાજ બાપાશ્રી તેમને ધીરજનાં વચનો કહેતા જે, ‘બ્રહ્મચારી મહારાજ! આમ કેમ દિલગીર થઈ જાઓ છો? સ્વામી ક્યાંઈ ગયા નથી, આ સભામાં બેઠા. જયાં શ્રીજીમહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામ ને અનંત મુક્ત હોય, જુઓને! આ સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મોટામોટા મુક્તો ભેળા સ્વામી પણ છે. મહારાજને જવા આવવાનું ક્યાં હતું? એ તો સદાય છે, છે ને છે જ. દિવ્ય દૃષ્ટિ ન થઈ હોય ત્યાં સુધી ક્યાંઈક હશે એમ જણાય, પણ દિવ્ય દૃષ્ટિવાળાને તો મૂર્તિ, મુક્ત ને ધામ સદાય પાસે જ છે,’ એવાં વચનો કહી સંતોષ પમાડતા. એ જ રીતે કોઈ નાનામોટા સંતોને ઉદાસ થતા જૂએ, ત્યારે તેમને પણ મહિમાવચનથી પોતે ધીરજ આપતા.