૧૬૧ - પ્રસાદીફૂલથી શાંતિ થઈ
એક દિવસ સવારે ઠાકોરજીને જમાડી ભાઈશ્રી પોતાની વાડીએ ગયા ને માર્ગમાં એક કોર જરા ઊંચાણવાળી જમીન હતી તે ખોદીને સરખી કરવા સાથીને કહ્યું, પણ તેને વાડીના બીજા કામમાંથી નવરાશ ન મળી, તેથી એ એમ ને એમ રહી ગયું. ભાઈશ્રી તો થોડી વારમાં આંટો દઈ આવી ઉઘાડા શરીરે આંબાના ઝાડ નીચે ખાટલો ઢાળીને સૂતા. ત્યાં પોતાની પાસે એક હરિભક્ત આવ્યો. તેને માથામાં પીડા બહુ થતી હતી, તેથી હાથ જોડીને કહેવા લાગ્યો જે, ‘ભાઈ! આજ આઠ દિવસ થયા માથું ઊતરતું નથી, બહુ પીડા થાય છે, હવે તો તમે કહો એમ કરું. મેં ઘણાય ઉપાય કર્યા પણ જરાય મટતું નથી.’ તે વખતે ભાઈશ્રી વાડીમાંથી એક હજારી ફૂલ લાવેલ, તે સુંઘતા ને આંખે અડાડતાં વાત કરવા લાગ્યા જે, ‘તને ઊંઘ આવે છે કે નહિ?’ ત્યારે તે કહે, ‘ક્યારેક આવે છે, પણ નહિ જેવી.’ પછી તેને ભાઈશ્રી કહે કે, ‘તું અહીં મહારાજને સંભારીને ઘડીક સૂઈ જા. વાયરો ટાઢો વાય છે તે ઊંઘ આવી જશે તો માથું હલકું પડી જશે,’ એમ કહી હાથમાં ફૂલ હતું તે તેને આપ્યું. તે લઈ એ તો પ્રસાદી જાણી સૂંઘતો સૂંઘતો ત્યાં જ જમીન પર સૂઈ રહ્યો, તે ઘણી વાર સૂતો. જ્યારે વાડીના માણસો કોશ છોડીને રોટલા જમવા બેઠા, ત્યારે એ જાગીને દંડવત્ કરવા માંડ્યો ને બોલ્યો જે, ‘ભાઈ! તમે તો આજ મારું દુઃખ મટાડ્યું, જાણે માથું દુઃખતું જ નથી.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘મહારાજ ને મોટાની સમીપમાં રહેવાય એ જેવું તો કોઈ ઔષધ જ નથી.’ પછી તે રાજી થતો થતો ઘેર ગયો.