૧૯૬ - સુખડી ને શીરા ના થાળ
આ રીતે સૌ આનંદ કરતા દ્વાદશી આવી એટલે સમાપ્તિને બાકી ત્રણ દિવસ રહ્યા, ત્યારે કચ્છના રિવાજ પ્રમાણે ચોવીસે ગામમાં ફરી વાર કંકોત્રી મોકલાણી, તેથી આગલે દિવસ સર્વે હરિભક્તો ઝાંઝ-મૃદંગ સાથે કીર્તનની ઝીક વગાડતા વૃષપુરમાં આવી પહોંચ્યા, અને ઠાકોરજી તથા સંતોના દર્શન કરી સભામાં બેઠા. ત્યાર પછી જ્યાં સુખડીના ઓરડા ભર્યા હતા ત્યાં ચંદન, કુંકુમ અને પુષ્પહારથી પૂજા થયેલા અનાદિ મુક્તરાજ બાપાશ્રી ઠાકોરજીએ સહિત બ્રહ્મચારી અને સંત-હરિભક્તોને સાથે લઈ કીર્તન બોલતા બોલતા પધાર્યા ત્યાં સુખડીના ઢગલા ઉપર મહારાજને બિરાજમાન કરી સંતો થાળ બોલ્યા. એ વખતે એ સ્થાન દિવ્ય તેજોમય બની રહ્યું. શ્રીજીમહારાજ પાસે ઘીના દીવા અને ફરતી સંત-હરિભક્તોની ભીડ વચ્ચે બાપાશ્રી ધ્યાનસ્થ ઊભેલા હોવાથી અદભુત શોભા બની રહી હતી. થોડી વારે મહારાજ જમી તૃપ્ત થયા, એટલે બ્રહ્મચારીએ જળપાન કરાવ્યું. પછી ત્યાંથી શીરાના હોજ પર આવ્યા. ત્યાં પણ એ જ રીતે મહારાજ ને થાળ જમાડી સૌ ‘જય’ બોલ્યા.
ત્યાર પછી બાપાશ્રી આગેવાન હરિભક્તોને કહેવા લાગ્યા જે, ‘હવે પંક્તિમાં શીરો-સુખડી ખૂબ પીરસજો. શ્રીજીમહારાજ પ્રત્યક્ષ જમ્યા છે, તે હવે ખૂટે નહિ.’ એમ કહી સારથીઆ(પીરસનારા)ને પણ સારી પેઠે પીરસવાની ભલામણ કરી, કેમ કે તે દિવસ આખા ગામને તથા હરિભક્તોને જમવાનું હતું, તેથી કોઈને એમ ન થાય જે, ‘ઝાઝા મનુષ્ય છે તે કેમ થશે!’ પછી સંત-હરિભક્તોએ સહિત પોતે મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી સભામાં સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી આસને બેઠા.
એ વખતે આ અનાદિ મુક્તરાજ પુષ્ટ શરીરે ને ભીને વાને, માથે મોટી પાઘડી, કપાળમાં ચંદનની આડ, ધોતિયા પર જાડું કેડિયું, અને ખભે ખેસ તથા હરિભક્તોએ હજારી ફૂલના હાર પહેરાવેલા એવા સભા સામું વારે વારે જોઈ સૌને આનંદ ઉપજાવતા કથા સાંભળતા હતા. વચમાં કથાપ્રસંગે સંતો-મહારાજ તથા મોટા મુક્તનાં ચરિત્રપ્રતાપની વાતો પણ કરતા હતા. થોડી વારે કથાની સમાપ્તિ થયા પછી જમવાનો સાદ થયો એટલે હરિભક્તો શીરો, શાક તથા ખીચડી વગેરે ઠાકોરજીને જમાડી મંદિરમાં આવ્યા.