૨૯૯ - કેરામાં પ્રતિષ્ઠોત્સવ

0:000:00

એ વખતે કેરામાં સંતો નવું મંદિર કરતાં હતા, તે તૈયાર થઈ ગયું ત્યારે તેમાં ભૂજના સંતો તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી વગેરે મૂર્તિઓ પધરાવવા આવ્યા હતા ને વૃષપુરથી બાપાશ્રી તથા સંતોને ત્યાંના હરિભક્તો તેડવા આવેલા, તેથી પ્રતિષ્ઠા સમયે પોતે સંતોએ સહિત કેરે પધાર્યા. સમય થઈ ગયો હોવાથી ધામધૂમથી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી થાળ જમાડી સહુને પ્રસાદી વહેંચી, તેથી સૌને આનંદ આનંદ થઈ ગયો; ત્યાંથી બપોરના સંત-હરિભક્તોએ સહિત નદીમાં પ્રસાદીના ધરે જઈને નાહ્યા ને જળમાં સૌને મળ્યા પછી કોરાં વસ્ત્રો પહેરી માનસીપૂજા કરવા બેઠા, ત્યાં હરિભક્તોએ ચંદન ને ફૂલના હારથી બાપાશ્રી તથા સંતોની પૂજા કરી ને હરિભક્તો કેળાં લાવેલા, તે સુધારી ઠાકોરજીને જમાડ્યા ને પોતાને હાથે સંત-હરિભક્તોને પ્રસાદી આપીને બોલ્યા જે, ‘આ ધરાની આટલી લીલા જે કોઈ હેતે સહિત સંભારે તેનું આત્યંતિક કલ્યાણ થાય, કેમ જે આ સભા પુરુષોતમ ભગવાનની છે. મહારાજ કહે છે કે, સર્વથી પર ચિદઘન તેજમાં અમે અખંડ રહ્યા થકા અહીં મનુષ્યરૂપે દર્શન આપીએ છીએ ને જેમ અમે દિવ્ય છીએ, તેમ અમારી સભા પણ દિવ્ય છે,’ –એમ કહી વૃષપુર આવતાં માર્ગમાં મનજી લાખાની વાડીએ તેમના આગ્રહથી ગયા, ત્યાં કૂવાના પૈયામાં બેસી સંતો કીર્તન બોલ્યા ને હરિભક્તો કૂવામાંથી પાણી કાઢી લાવ્યા તે બાપાશ્રીને પાયું. પછી ધીરે ધીરે સૌ વૃષપુરના મંદિરમાં આવ્યા.