૫૮૫ - રમૂજી વચન સાથે સૂચના

0:000:00

થોડા દિવસ થયા ત્યાં વળી પાછા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી અને પુરાણી કેશવપ્રિયદાસજી બેય દર્શને આવ્યા ત્યારે તેમણે બાપાશ્રી પ્રસન્ન થઈને મળ્યા અને પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું કે, ‘આ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી મહારાજની સેવા બહુ કરે છે તેથી જુઓ તો ખરા! એમના અંગમાંથી તેજ છૂટે છે.’ તે વખતે તેમને રમૂજી કરી કે, ‘બાપા! તમે તો તેજનું કહો છો, પણ મારા તો દાંતેય પડી ગયા છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સારું થયું, હવે તો દેહ પણ પડવાનો છે, માટે તૈયાર થઈ રહેજો.’ એમ કહી તેમને મગજના લાડુ જમાડી ભૂજ જવાની આજ્ઞા કરી અને પોતે પણ ભૂજ દર્શને ગયા. ત્યાં સંતો પાસે તેમની પ્રશંસા કરીને કહ્યું જે, ‘હવે આ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તમારા નથી, માટે ઠાકોરજીની સેવામાં બીજા કોઈને રાખો તો ઠીક!’ પણ આ વાતમાં સંતો પૂરું સમજ્યા નહિ કે, ‘આ બ્રહ્મચારી હવે આ લોકમાં થોડા દિવસ રહેવાના છે.’ બાપાશ્રી તો સંતોને એટલું જણાવી તે જ દિવસે વૃષપુર પધાર્યા.