૬૩૪ - વિદાય થતી વખતે પૂજા તથા પ્રાર્થના

0:000:00

પછી ત્યાંથી ચાલવાના દિવસે સવારમાં હરિભક્તો વહેલા પૂજાઓ કરીને આવ્યા ને બાપાશ્રી તથા સંતોની ચંદન તથા પુષ્પહારથી પૂજા કરવા લાગ્યા, તેમાં કોઈ ફળ, મેવા આદિ ભેટ મૂકે, કોઈ હાથ જોડે તો કોઈ દંડવત્ કરે. એ સહુને બાપાશ્રી બેઠા થઈને મળે, માથે હાથ મૂકે, કોઈને રમૂજ કરી હસાવે, કોઈને વ્યાવહારિક દુઃખ હોય તેને ‘મહારાજ સારું કરશે.’ એવા આશીર્વાદ આપે. એવી રીતે ઘણા હરિભક્તો વારાફરતી દર્શનનો લહાવ લેતાં સભામંડપ હરિભક્તોથી ઊભરાઈ ગયો. સહુને હજી એવી જ તાણ કે, બાપાશ્રી તથા સંતો રોકાય તો ઠીક, પણ કોઈ બોલી શકે નહિ. આવો તેમનો સ્નેહભાવ જોઈ બાપાશ્રી સર્વે નાનામોટા હરિભક્તોને પ્રસન્ન થકા મૂર્તિમાં રાખવાનાં વરદાન આપી મળ્યા. પછી ચાલતી વખતે બ્રહ્મચારી, પાર્ષદ આદિ સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી આગબોટ પર જવા ગાડીમાં બેઠા. એ વખતે હરિભક્તોનો સમૂહ તથા મંદિર બહાર બાઈઓ ઉભેલાં તે સર્વે ‘જય સ્વામિનારાયણ’ કરતાં બાપાશ્રીના ચાલવા સમયનાં દર્શન કરતા હતાં, એ સૌને પોતે ‘જય સ્વામિનારાયણ’ કરી ચાલ્યા, તે સમુદ્રને કાંઠે કિયામાડી પર રહેતા હરિભક્તોના આગ્રહથી તેમને ઘેર દર્શન દઈ સૌને રાજી કરી હરિભક્તોએ સહિત પોતે બંદર પર આવી આગબોટમાં બેઠા.