૬૮૮ - સેવા કરનારા હરિભક્તો પર પ્રસન્નતા
એક વખત બાપાશ્રી પાસે ઘણા સંત-હરિભક્તો બેઠા હતા ત્યારે પોતે અતિ પ્રસન્નતા જણાવતા બોલ્યા, ‘સંતો! તમે સૌ રાત-દિવસ ઉજાગરા કરો છો તે અમને ખબર પડે છે, તમે કોઈને જણાવો એવા નથી,’ –એમ કહીને પછી સેવા કરનારા હરિભક્તોની પ્રશંસા કરતાં બોલ્યા જે, ‘આ નાગજીભાઈ તથા ભૂરાભાઈ જેવા ઉત્તમ સ્થિતિવાળા તે તો તમારી પેઠે મૂર્તિના સુખને ઢાંકીને વર્તે એવા છે, આ લાલુભાઈ જેવા તો અમારા વિશ્વાસી, એટલે એ તો જોઈ જોઈને આનંદ પામે ને સંત-હરિભક્તો પાસે મહિમાની વાતો કરે. આ માલણીઆદના હરિભક્તો તથા મેડા, મણિપરા, જોશીપરા આદિ ગામોના હરિભક્તો સહુ ખબડદાર થઈને સેવા કરે છે. બધાય મહેનતુ ને મહિમાવાળા છે. મૂળીના યજ્ઞમાં પણ એ બધા શીરાના હોજ ઉપર હતા, તેમાં વળી આ ચતુરભાઈ તો સ્થિતિવાળા ને સુખિયા, પણ કોઈને જણાવે નહિ. સરાવાળા મનસુખભાઈ અને જામનગરવાળા રતિલાલભાઈ એ કાને સાંભળે ઓછું, પણ મહિમા બહુ ભારે. ભૂજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, વાલજીભાઈ, નાનાલાલભાઈ, લાલશંકરભાઈ, મોતીભાઈ, તેમના દીકરાઓ તથા વિઠ્ઠલજીભાઈ આદિ સહુ બળિયા છે, અને આ કરાંચીનો સંઘ તો બધોય વિશ્વાસી. નાનામોટા સર્વે વચનમાં વરતનારા. આ દેશના હરિભક્તો પણ મહિમા જાણી સેવા ઘણી કરે છે. સૌને મહારાજના રાજીપાની તાણ છે. અમે પણ તેમનાં હેત જોઈને ઘણા રાજી થઈએ છીએ. આ ફેરે અમને એમ જ થયું જે, સંત-હરિભક્તોને તેડાવીને કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ કરી સહુને મૂર્તિના સુખે સુખિયા કરવા. અમારે બીજું કાંઈ કામ નથી, એ એક જ કામ છે. કેટલાક આવી વાત નથી સમજતા તે આ ટાણે રહી જાય છે. તેને આવો લાભ મળવો દુર્લભ છે. આ તો જેમ સમુદ્રમાં વેળ આવે ત્યારે જે કાંઈ વસ્તુ માંહી આવે તેને સમુદ્રમાં ખેંચી જાય છે. તેમ અમારે તો આવા જોગમાં જે જે આવે તેને મૂર્તિમાં ખેંચી લેવા છે. મહારાજે આ સમે પાત્રકુપાત્ર જોયા નથી, મહારાજના અનાદિ મહામુક્તનો ઠરાવ પણ એવો જ છે, એમની દૃષ્ટિમાં મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. તમો સંતો સર્વે એ જ કામ કરો છો, પણ તમે તમારું સામર્થ્ય ઢાંકીને વર્તો છો તે બીજા કોણ જાણી શકે? પણ મહારાજની કૃપાએ અમે જાણી જઈએ છીએ. અમને તો એમ છે જે, ‘કોઈ હાથ જોડે તેટલામાં ન્યાલ કરી મૂકીએ. એટલે મૂર્તિના સુખમાં પહોંચાડી દઈએ, પણ જીવો અનાદિ કાળના અજ્ઞાને કરીને ભૂલેલા છે, તથા માયામાં પરાધીન જેવા થઈ રહ્યા છે, તેથી એ બિચારાને આવા દિવ્ય સુખની શી ખબર પડે?’