૨૭૨ - મહારાજના પ્રતાપની વાતો
બાપાશ્રી સંત–હરિભક્તોએ સહિત મંદિરમાં જઈ થોડી વાર આસને સૂતા ત્યાં લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ આદિ હરિભક્તો પાસે આવીને બેઠા ને સેવા કરવા મંડ્યા, તે જોઈ પોતે બેઠા થઈને વાત કરવા લાગ્યા જે, ‘મહારાજની દયા જીવો ઉપર ઘણી છે! કેમ કે અનંતમુક્તોએ સહિત જે મૂર્તિ અક્ષરધામમાં બિરાજે છે, તે જ મહાપ્રભુએ દયા કરીને ભકિત-ધર્મને ઘેર પ્રગટ થઈ સૌને દર્શન આપ્યાં. સાથે દિવ્યમુક્તો પણ એવા જ લાવ્યા માટે એ દિવ્ય મૂર્તિ ને દિવ્ય મુક્તથી ક્યારેય જુદા ન પડવું. મૂર્તિમાં જોડાઈ જવાય તો ત્રિવિધિ તાપ કે કાળકર્માદિ કોઈ નડી શકે નહિ. જો પુરુષોતમ ભગવાન ને તેમના અનાદિ મુક્ત સામું જોઈ રહીએ તો બીજું કાંઈ ભાસે જ નહિ, આનંદ આનંદ થઈ જાય.’ એમ કહી ઊઠ્યા ત્યાં પુરાણી ધર્મજીવનદાસજી આવ્યા તેમની સાથે વાત કરતાં પોતે બ્રહ્મચારી મુનીશ્વરાનંદજી પર રાજીપો જણાવી કહ્યું કે, ‘આ બ્રહ્મચારી ખરેખરા છે, હજુ અવસ્થા નાની છે, પણ મહારાજની મૂર્તિ રાખવાનો તેમનો આગ્રહ ઘણો જણાય છે જ્યારે એ બેઠા હોય ત્યારે જાણે અંતર્વૃત્તિએ જ બેઠા હોય એવું હું ઘણી વાર જોઉં છું. તેમ કથાવાર્તાએ કરીને પણ હરિભક્તોને સત્સંગનો રંગ સારો ચડાવ્યો છે,’ -એમ વાત કરી.
એક વાર સભામાં થોડા હરિભક્તો બેઠા હતા, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આ સમે શ્રીજીમહારાજે કલ્યાણ બહુ સોંઘું કર્યું છે, નહિ તો આવા દેશમાં આવડાં મંદિર હોય? લાલુભાઈ, મહાદેવભાઈ જેવા હરિભક્તો પણ બહુ બળિયા તેવાના જોગે નાનામોટા કેટલાય સુખિયા છે. આ બધી શ્રીજીમહારાજની ફૂલવાડી છે. જેનાં અતિ મોટાં ભાગ્ય હોય તેને શ્રીજીમહારાજનું ને આવી દિવ્ય સભાનું દર્શન થાય છે. કયાં અક્ષ્રરધામના પતિ ને ક્યાં અલ્પ જેવા જીવ! આ તો ન બનવાની વાત બની ગઈ છે. મહારાજ વિના કોટિ સાધને આત્યંતિક મોક્ષરૂપ કામ થાય તેવું નથી, માટે એક મૂર્તિ જ મુખ્ય રાખવી.’
એક દિવસ સભામાં સંતો કીર્તન બોલ્યા જે, ‘આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ,’ –પછી પોતે એમ વાત કરી જે, ‘આ એક કીર્તનમાં મહારાજનું ધ્યાન, જ્ઞાન, આજ્ઞા, ઉપાસના બધુંય આવી જાય છે. શ્રીજીમહારાજ ચિંતામણિરૂપ છે, તેમાંથી જે ચિંતવે તે મળે પણ ચિંતવનારની ખોટ છે. નહિ તો મહારાજ ને તેમના મુક્ત પળમાત્રમાં આત્યંતિક મોક્ષ કરી નાખે તેવા છે.’ મહારાજ કહે છે કે, ‘અમારે અનંત મનવારો ભરીને જીવને લઈ જવા છે. વાંકગુના સામું જોવું નથી.’ આવા દયાળુ ભગવાન’ અને તેમના લાડીલા મુક્તને જીવ ઓળખે નહિ, તેથી રખડે છે. જુઓને, કેવાં શાસ્ત્ર કર્યા, કેવાં મંદિર બાંધ્યાં, કેવી રીત ચલાવી, આમ અનેક પ્રકારે જીવને ઉગારવાનો મોક્ષમાર્ગ ચલાવ્યો છે, માટે એમના થઈ રહેવું.’
આ રીતે ક્યારેક ચમત્કારિક વાતો કરવાથી, સંત-હરિભક્તો રાજી રાજી થઈ જતા. વળી પોતાની સાથે પુરાણી ધર્મજીવનદાસજી આદિ સંતો આવેલા, તે પણ અહોનિશ મહારાજના મહિમાની ને આજ્ઞા-ઉપાસનાની વાતો કરતા, તેથી હરિભક્તોમાં સર્વત્ર આનંદ વર્તી રહ્યો હતો.
આ વખતે બાપાશ્રી પંદર દિવસ કરાંચીમાં રહ્યા, તેથી કથાવાર્તા અને દર્શન-સેવાનો લાભ હરિભક્તોએ ઘણો લીધો, તથા બાઈઓમાં મુક્તરાજ ધનબાના આવવાથી બાઈઓને પણ કથાવાર્તા વગેરેથી બહુ સુખ મળ્યું.
અનાદિ મુક્તરાજ બાપાશ્રીને આ વખતે લાલુભાઈ જેવા હેતવાળા હરિભક્તો આગ્રહ કરી ઘેર પધારવા પ્રાર્થના કરતા એટલે જતા તો ખરા, પણ જ્યાં જાય ત્યાં અંતર્વૃત્તિએ બેસવા- ઊઠવાનો ઢાળ રાખ્યો હોય, એ રીત વધુ જણાવતા. કોઈ કોઈ વાર મહિમાની થોડી વાત કરતા, એટલામાં તો સૌને ‘અહો!’ ‘અહો!’ થઈ જતું.