૧૨૯ - મંડળના સંતોને હિતની વાતો તથા દેહોત્સવ
એક દિવસ સ્વામીશ્રીએ વિચાર કર્યો કે, ‘હવે આ દેહ થોડા દિવસ રહેવાનો છે, માટે મંડળના સાધુને ધર્મનિયમમાં દૃઢ રહેવા બે વચન કહું તો ઠીક.’ એમ વિચારી બધા સંતોને પોતાની પાસે બોલાવ્યા ને કહ્યું જે, ‘હું તમને તમારા હિતની ને મોક્ષ થવાની વાત કહું તે પ્રમાણે તમો સૌ વર્તવાનું રાખજો તો આગળ પરમ સુખિયા થશો. મારા દેહનો હવે નિરધાર નથી. આગળ મોટા મોટા સંતોએ છેલ્લી વખતે પોતાની પાસે રહેનારા સંતોને મહારાજની આજ્ઞામાં ખબડદાર રહેવા ભલામણ કરી છે, તેમ હું પણ તમને કહું છું.
‘આપણને શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત પ્રત્યક્ષ મળ્યા છે, તેને રાજી રાખવા ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ તથા શિક્ષાપત્રીમાં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે રહેવું. કોઈ દેહે કરીને માંદા હોય કે વૃદ્ધ હોય ને બે વખત જમે તો તેનો બાધ નહિ, પણ તે વિના તો ક્યારેય મહાપ્રભુનું વચન લોપવું નહિ. ત્યાગી થયા એટલે એવું કરી નાખવું જે દ્રવ્ય, સ્ત્રી તો જાણે બ્રહ્માંડમાં જ નથી. એ બેમાં જે ફેર પાડે છે, તેને બહુ મોટો દંડ ભોગવવો પડે છે, અને એ તો ત્યાગીને વેષે ખળ પુરુષ કહેવાય. ખરા સાધુ તો શ્રીજીમહારાજે ધર્મનિયમમાં દૃઢ વર્તનારાને જ કહ્યા છે. માટે આજ્ઞા, ઉપાસના દૃઢ રાખી, ‘સત્સંગજીવન’ આદિ ધર્મગ્રંથ મહારાજે લખાવ્યા છે તે પ્રમાણે વર્તીને સૌ પોતપોતાનો મોક્ષ સુધારી લેજો. અને બાર મહિને એક મહિનો કચ્છમાં જઈ અનાદિ મુક્તરાજ અબજીભાઈનો જોગ કરજો. તે ગૃહસ્થ છે ને આપણે ત્યાગી છીએ એવું કોઈ મનમાં ન રાખજો. એ તો અખંડ મૂર્તિના સુખમાં જ રહે છે. મારા વચનમાં વિશ્વાસ હોય તો આટલું વચન માની તેમને જરૂર રાજી કરજો.’
આ રીતે ભલામણ કરતાં ને સેવા-સમાગમ તથા દર્શનનું સુખ આપતાં, સદ્ગુરુ સ્વામીશ્રી નિર્ગુણદાસજી સવંત ૧૯૪૮ના આસો સુદ ૧ને રોજ રાત્રે એક વાગ્યે (અનાદિ મુક્તરાજ ભાઈશ્રીએ આગળથી કહ્યું હતું તે જ પ્રમાણે અલૌકિક પ્રતાપ જણાવી દેખાતું સ્વરૂપ અદૃશ્ય કરી) શ્રીજીમહારાજની મૂર્તિને સુખે સુખિયા થઈ ગયા.