૬૩૯ - વેકરાની કથાપ્રસંગે અલૌકિક વાત

0:000:00

વૃષપુરમાં ત્રણચાર દિવસ રહી બાપાશ્રી વેકરાની કથામાં પધાર્યા, તેથી સંત-હરિભક્તો ઘણા રાજી થયા. એ વખતે પોતાનું આસન રામપુરના મંદિરમાં રાખેલ હતું. ત્યાંથી કથા ટાણે બેય વખત સભામાં પધારતા, તેથી જતાં-વળતાં સહુ દર્શન કરી આનંદ પામતા અને રામપુરના હરિભક્તો પણ સેવાનો બહુ જ લહાવ લેતા.

એક દિવસ સંધ્યાઆરતી થઈ રહી, ત્યારે પોતે છત્રીના ઓટા પર ઓઠીંગણ દઈને બેઠા હતા, ત્યાં પુરાણી કેશવપ્રિયદાસજીને બોલાવીને કહેવા લાગ્યા જે, ‘પુરાણી! અમે સહુ ભેળા ફરીએ છીએ અને કોઈ કાંઈ બોલે તો સાંખી રહીએ છીએ. વળી કેટલાક અમારી પાસે પોતાનું ધાર્યું કરાવવાનું કરે છે, પણ તેનું અમને કાંઈ નથી, અમે તો મૂર્તિ વિના કાંઈ દેખતા નથી, તેમ મૂર્તિ વિના બીજું કાંઈ દેતા નથી, મહારાજ સદાય તેજોમય છે, તે મૂર્તિરૂપે દેખાય તોય ભલે અને મનુષ્યરૂપે દેખાય તોય ભલે, પણ એ કારણમૂર્તિની પ્રાપ્તિ થઈ એટલે પોતાનાં અહોભાગ્ય માનવાં. પુરાણી! તમે એ કારણમૂર્તિને પામ્યા છો ને?’ એમ કહીને વળી બોલ્યા જે, ‘સર્વ કારણના કારણ, સર્વોપરી શ્રીજીમહારાજ તે પ્રત્યક્ષ મળ્યા પછી શું કરવાનું રહે? મનુષ્યભાવ ને પ્રતિમાભાવ એ તો સમજતા ન હોય તેને સમજાવવા માટે છે, પણ જેને એકરસ ચિદઘન તેજમાં જે મૂર્તિ છે તે જ શ્રીજીમહારાજ પ્રગટપ્રમાણ દર્શન દે છે એમ જણાણું તેને તો બધુંય પૂરું થઈ રહ્યું જાણવું.’ એમ વાત કરતા ત્યાં જ સૂઈ રહ્યા. તે ઘણી વારે જાગ્રત થયા. એ રીતે સંત-હરિભક્તોને વાતની વાતમાં શ્રીજીમહારાજનો દિવ્યભાવ સમજાવતા. કથાની સમાપ્તિ થઈ ત્યાં સુધી પોતે ત્યાં રહી સૌને સુખિયા કર્યા. પછી બીજે દિવસે વૃષપુર આવ્યા.