૫૫૧ - હરિસરોવર પર છત્રીએ ચરણારવિંદ-પ્રતિષ્ઠા
તે દિવસ કથાની સમાપ્તિ હોવાથી સૌએ પૂજા આદિ નિયમ કરી વહેલા પરવારી લીધું હતું, પછી જયારે કથા ચાલતી થઈ ત્યારે બાપાશ્રી પુસ્તક તથા પુરાણીની પૂજા કરી સભામાં બેઠા. થોડી વારે ભૂજથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ફરી વાર દર્શન કરવા આવ્યા, તેમણે બાપાશ્રીને સભામાં બેઠેલા જોઈને પોતાની સાથે ઠાકોરજીના પ્રસાદીહાર લાવેલા તે બધા એકસાથે કંઠમાં પહેરાવ્યા ને દંડવત્ કરી મળતાં કહ્યું જે, ‘તમે અહીં સૌને દયા કરીને દર્શન દીધાં એ બહુ ઠીક કર્યું, હરિભક્તો ઘણા રાજી થશે.’ પછી બાપાશ્રીને સભામાં બેઠેલા જોઈ હરિભક્તો દર્શન કરી રાજી થતાં વારે વારે આવીને હાર પહેરાવે, પ્રાર્થના કરે, કોઈ મુક્તરાજ ધનબા નિમિત્તે ખરખરો કરે, કોઈ માથે હાથ મુકાવે. એમ કરતાં પારાયણની સમાપ્તિ થઈ એટલે આરતી થયા પછી પુસ્તક, પુરાણીની પૂજા કરીને સૌ હરિભક્તો વારાફરતી સંતોને વસ્ત્રો ઓઢાડવા લાગ્યા. એ ટાણે સંતો ઝીલણિયાં કીર્તન બોલાવતા હતા, અને હરિભક્તો સભામાં પ્રસાદી વહેંચતા હતા. એ રીતે આનંદ પામતાં ઘણી વાર થયા પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંત-હરિભક્તો તળાવ ઉપર જ્યાં મહારાજના પ્રસાદીસ્થાને છત્રી કરાવેલી હતી, ત્યાં ચરણારવિંદની પ્રતિષ્ઠા કરવા ચાલ્યા. તે વખતે હરિભક્તો આગળ કીર્તન બોલતા ચાલે ને બાપાશ્રી તથા સંતો ચંદન, કુંકુમ અને પુષ્પહારથી શોભતા ધીરે ધીરે ચાલ્યા આવે, એમ સહુ છત્રીએ પહોંચ્યા ત્યારે બાપાશ્રી તથા સંતોએ ચરણારવિંદની ચંદન-પુષ્પથી પૂજા કરી અષ્ટક તથા શ્લોક બોલતાં વિધિ સહિત પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી. પછી સૌએ ‘જય’ બોલી દંડવત્ કર્યા.
તે વખતે બાપાશ્રી કહે, ‘આ તળાવમાં મહારાજે ઘણી વાર સંતોએ સહિત નાહીને જળપાન કર્યું છે ને અતિ પ્રસન્ન થઈ હરિસરોવર એવું નામ પાડ્યું છે, તેથી આ તળાવમાં નાહીને જે કોઈ પાણી પીશે તથા આ ઠેકાણે ચરણારવિંદનાં દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે.’ એમ રાજી થઈને વર આપ્યો.