૨૮૧ - આચાર્યશ્રી ફરવા પધારતાં ધામધૂમ
ભૂજમાં આચાર્ય મહારાજ પધારેલા હોવાથી રાત્રે સભા મોટી ભરાણી. શહેરના હરિભક્તો બધા હેતવાળા, ને મંદિર મોટું તેમ શ્રી નરનારાયણદેવ ને હરિકૃષ્ણ મહારાજ પ્રતાપી અને મહારાજની મૂર્તિઓની સ્થાપના થવાનો ઉમંગ, જેથી સભામાં સંત-હરિભક્તોને અત્યંત હર્ષ જણાતો હતો. આમ રાત્રે કથાવાર્તા, ચેષ્ટા આદિ નિત્યનિયમ કરી સહુ સૂતા, પછી બીજે દિવસ તો આચાર્ય મહારાજ તથા સંતો ગામડે ફરવા પધારવાના હોવાથી બધી તૈયારી ધામધૂમથી થતી હતી: સમય થયો એટલે સિગરામ, ગાડાં, ઘોડાં આદિની તૈયારી થઈ ને ગાજતેવાજતે આચાર્ય મહારાજ સાથે બ્રહ્મચારી, સંતો, પાર્ષદો પણ બહાર નીકળ્યા, એટલે શહેરનાં હરિભક્તો નાનાંમોટાં બાઈ-ભાઈ ઘણી સંખ્યામાં કીર્તન બોલતાં બોલતાં પાછળ ચાલ્યાં. જ્યારે સૌ ગઢના નાકા બહાર નીકળ્યાં ત્યારે સંતોએ આગેવાન હરિભક્તોને ઊભા રહેવા કહ્યું, તેથી સૌએ દંડવત્ કર્યા ને સહજાનંદ સ્વામી મહારાજની ‘જય’ બોલાવી.
પછી ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ સંતોએ સહિત માધાપુર, સુખપુર, માનકૂવા, ભવાનીપર, ફોટડી, ભારાસર, સામત્રા, સરલી, રામપુર, વેકરા, દહીંસરા, કેરા, બળદિયા, નારાયણપુર, મેઘપુર, ગોડપુર આદિ ગામો તથા સીનોગ્રા, દેવળિયા, માથક, કુંભારિયા, અંજાર, માંડવી વગેરે તથા અબડાસાના રવાપર, ઘડાણી, સાપર આદિ ગામોમાં જ્યાં જ્યાં હરિભક્તો તેડવા આવ્યા ત્યાં જઈને નાનામોટા હરિભક્તોને દર્શન આપી સુખિયા કર્યા. કેટલાંક ગામોમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રીને પણ સાથે લીધા હતા. એમ કચ્છનાં ગામડાંઓમાં આચાર્ય મહારાજ સંતોએ સહિત એક મહિનાથી વધુ ફરી ભૂજમાં પધાર્યા. ત્યારે પણ ભારે સામૈયું થયું હતું.