૫૨૩ - વિદાય થતી વખતે પૂજા તથા ઉત્સવ

0:000:00

આ પ્રકારે અલૌકિક પ્રતાપ જણાવતા દસ દિવસ સુધી સહુને રાજી કરી બાપાશ્રી બીજે દિવસ રાતની ગાડીમાં અમદાવાદ પધારવા તૈયાર થયા, ત્યારે પણ હરિભક્તોએ ચંદન, કુંકુમ ને ફૂલહારથી બાપાશ્રી તથા સંતોની પૂજા કરી પ્રાર્થના કરવા માંડી. સહુ હાથ જોડે, મેવાની ભેટો મૂકે ને ‘રાજી રહેજો, તેડવા આવજો, દયા કરજો’ એવા એવા શબ્દો બોલે, મળે, દંડવત્ કરે; એમ કરતાં સ્ટેશને જવાનો સમય થવા આવ્યો ત્યારે માંડ માંડ એ પૂજાવિધિ પૂરો થઈ રહ્યો. એ વખતે પણ પ્રથમની પેઠે બાપાશ્રી તથા સંતો મોટરમાં બેઠા ને બાળકો તથા ઉત્સવિયા હરિભક્તો ઝાંઝ-મૃદંગ વગાડી કીર્તન બોલતા આગળ ચાલ્યા. આગળપાછળ મોટી મોટી બત્તીઓ ને વાંસે હરિભક્તો કીર્તન બોલતા આવે, તેથી શહેરનાં મનુષ્ય બાઈ-ભાઈ મેડીએ, ઓટે, અગાસીએ, બજારે ઊભાં રહી બાપાશ્રી તથા સંતોનાં છેટેથી દર્શન કરતા આવે. એમ ગાજતેવાજતે સ્ટેશને આવ્યા, ત્યાં પણ કેટલાક રહી ગયેલા હરિભક્તો પૂજા કરી હાર પહેરાવતા હતા.

એ વખતે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ સહુને વાત કરી જે, બાપાશ્રી આ ફેરે અમદાવાદમાં પૌત્ર જાદવજીની આંખે ફૂલાં પડ્યાં છે તેનું ઔષધ કરાવા રોકાણા હતા, પણ તમારા સહુના હેતભરેલા કાગળો ને તારો આવતાં અહીં દયા કરીને પધાર્યા. આ ફેરે સહુ રાજી થાય તેમ કરવું, એવો પોતે મૂળીથી નીકળ્યા ત્યારે જ સંકલ્પ કર્યો છે, તેથી કોઈ વાતની ના પાડતા નથી. કોઈ ઘેર લઈ જાય કે પધરાવે, ચંદન ચર્ચે, ફૂલના હાર પહેરાવે, ગાડીઓ લાવે કે મોટર લાવે, ઉત્સવ કરે, કોઈ હેતે સહિત જમાડે, કોઈ વર્તમાન ધરાવવા આવે એ સહુ પર કૃપાદૃષ્ટિ જણાવે છે તે એમની અતિ દયા છે. હમણાં અમદાવાદથી ખાખરિયામાં પધાર્યા હતા, ત્યાં પણ આવી જ રીત ચલાવી હતી.’ આમ વાત કરતા હતા ત્યાં ગાડી ઊપડવાનો સમય થોડો રહેવાથી મોટી ઝોળીમાં મેવાનાં બધાં પડીકાં છોડી બાપાશ્રીએ સહુને ખોબે ખોબે પ્રસાદી વહેંચવા માંડી, તે ગાડી ઊપડવાની સીટી થઈ ત્યાં સુધી એમ ને એમ એ ઝોળીમાંથી ખોબે ખોબે વહેંચતા આવે તોપણ મેવો ઘણો વધી પડ્યો. આવો અદભુત ચમત્કાર જોઈ, સહુની આંખોમાં હેતનાં આંસુ આવી ગયાં ને હાથ જોડી રાજી રહેવાની માંગણી કરતા ઘણા હરિભક્તો ઊભા રહ્યા ને કેટલાક હૈદરાબાદ સુધી વળાવવા જનાર હરિભક્તો ગાડીમાં બેઠા. એ વખતે બાપાશ્રી ઊંચે સાદે એમ બોલ્યા જે, ‘સહુ આવું ને આવું હેત મહા પથારી સુધી રાખજો ને મહારાજને ઘડીએ વિસારશો માં.’ એમ કહ્યું ત્યાં તો ગાડી ચાલી એટલે સહુ આવી દિવ્ય લીલાનું સ્મરણ કરતા પાછા વળ્યા.