૫૪૨ - ભાણબાઈને અલૌકિક દર્શન
થોડા દિવસ પછી નારાયણપુરવાળા ધનજીભાઈની બહેન ભાણબાઈ રામપુરમાં રહેતાં હતાં, તેમને ત્યાં મંદવાડ થઈ જવાના ખબર પડવાથી સગાંવહાલાં તથા કુટુંબી માણસો તેમને જોવા ગયા ને ધનજીભાઈના નાના દીકરા હરજીભાઈ તેમને બાપાશ્રીનાં દર્શન કરાવવા ગાડી લઈ વૃષપુર તેડવા આવ્યા, એટલે પાછા તેમની સાથે બાપાશ્રી રામપુર ગયા; ત્યાં જઈને તે બાઈને 'જય સ્વામિનારાયણ' કહી થોડી વાર મહારાજના મહિમાની વાતો કરી ત્યારે તે રાજી થયાં. પછી બાપાશ્રીએ મંદિરમાં આવી ઠાકોરજીના દર્શન કર્યા ત્યાં તો સાંખ્યયોગી બાઈ કાનબાએ કહેરાવ્યું જે, ‘રોટલા તૈયાર થયા છે, તે મહારાજને જમાડી જાઓ.' પછી બાપાશ્રીએ ત્યાં જઈ ઠાકોરજી જમાડ્યા. તે દિવસ મુક્તરાજ ધનબાને શરીરે ઠીક હતું ને બાપાશ્રીનાં દર્શન થયાં તેથી એ વધુ રાજી થતાં બોલ્યાં જે, 'ભાઈ! આમ ઓચિંતાની દયા કરી?' ત્યારે બાપાશ્રીએ તે બાઈ સંબંધી વાત કરી પછી 'જય સ્વામિનારાયણ' કહી ઊઠયા ને પાછા ત્યાંથી પોતે ભાણબાઈ પાસે આવ્યા ને પોતાને હાથે પ્રસાદી આપીને કહ્યું જે, 'ભાણબાઈ! મહારાજમાં વૃત્તિ રાખજો, આ લોકમાં એમના વિના બીજું કોઈ આપણું નથી.' ત્યારે તે બાઈ કહે, 'બાપા! મારા પર દયા રાખજો ને મને ઠેઠ મહારાજ પાસે પહોંચાડજો.' એ સાંભળી બાપાશ્રીએ કહ્યું જે, 'મહારાજ બધુંય સારું કરશે, તમે એમને અખંડ સંભાર્યા કરજો.' એમ કહી પોતે સહુને 'જય સ્વામિનારાયણ' કરી તુરત ગાડીમાં બેસી ચાલી નીકળ્યા. થોડી વારે તેમની પાસે સગાંવહાલાં તથા અમરબાઈ વગેરે બેઠાં હતાં તેમને એમ થયું જે, 'હવે ભાણબાઈ સાજાં થઈ રહેશે કે કેમ! એ વાતનું બાપાશ્રીને કાંઈ પૂછાણું હોત તો ખબર પડત.' એમ વિચાર કરતાં હતાં. તે રાત્રે અમરબાઈને સ્વપ્નમાં બાપાશ્રીનાં દર્શન થયાં, એટલે તે તો કહેવા લાગ્યાં જે, 'બાપા! ભાણબાઈને સારું થાય તો ઠીક, છોકરાં હજી નાનાં છે.' ત્યારે બાપાશ્રી કહે કે, 'છોકરાં તો એમ જ મોટાં થઈ રહેશે ને ભાણબાઈને તો આવતી કાલે મહારાજના ધામમાં મૂકવાં છે.' એમ કહેતા હતા ત્યાં તે બાઈ જાગી ગયાં, પણ પોતાને એ વાતનો અફસોસ ઘણો થયો; તેથી આંખોમાં આંસુ પડવા લાગ્યાં. આવું ઉદાસીપણું ભાણબાઈના જોવામાં આવતાં તે કહેવા લાગ્યાં જે, 'અમરબાઈ! આ શું કરો છો? આપણે સાજી જમાર (આખો જન્મારો) જે સારુ સત્સંગ કરીએ છીએ તે ટાણું આજ આવ્યું છે ને તમે આમ દિલગીર થઈને રખે મારો અવસર બગાડતાં! જુઓ! અહીં મહારાજ તથા બાપા આવીને ક્યારનાયે ઊભા છે, તમે દર્શન કરો; મને હવે એમ કહે છે કે, જો અમરબાઈ રાજી થઈને તમને રજા આપે તો અમે તેડી જઈએ. માટે તમે રાજી થઈને મને રજા આપો તો હું ધામમાં જાઉં, તમારે બધાયને વહેલુંમોડું ત્યાં જ આવવું છે માટે રજા આપો.' આમ કહ્યું. ત્યારે અમરબાઈ કહે, 'તમને મહારાજ ભલે તેડી જાય ને જેમ એમની મરજી હોય તેમ કરે, હું રાજી છું.' એટલું બોલ્યાં કે તુરત એ ભાણબાઈએ દેહ મૂકી દીધો. તે વખતે ગામમાં પણ કેટલાયને મહારાજ તથા બાપાશ્રી ભાણબાઈને તેડી જાય છે તેવાં દર્શન થયાં. આ વાતની ખબર પડતાં ગામમાં સહુને આશ્ચર્ય થવાની સાથે મુક્તરાજ ધનબા પણ રાજી થયાં ને જાણ્યું જે, 'જેનાં પર ભાઈશ્રીની દયા થઈ ત્યાં મહારાજ તો જાણે આવીને ઊભા જ છે!' આમ બાપાશ્રીએ તેમની થોડીક પ્રાર્થનાથી તે બાઈને ખરે ટાણે મહારાજના સુખમાં પહોંચાડી દીધાં.
આ રીતે બાપાશ્રી વૃષપુરમાં રહ્યા થકા બહારગામમાં હેતવાળા હરિભક્તો બાઈ, ભાઈ જે સંભારે, પ્રાર્થના કરે તેને દિવ્યરૂપે દર્શન આપતા ને કોઈ દેહ મેલે ત્યારે મહારાજ ભેળા દેખાતા હોવાથી ગામોગામ સૌને મહિમા વધતો ગયો, તેથી અડખેપડખેનાં ગામોમાંથી નાનામોટા હરિભક્તો વારે વારે વૃષપુરમાં આવી બાપાશ્રીને દર્શનસેવાએ રાજી કરવા લાગ્યા.