૪૭૫ - ધર્મશાળા કરવાનો ને હનુમાનજી પધરાવવાનો વિચાર

0:000:00

ત્યાર પછી ફૂલડોળનો દિવસ આવ્યો ત્યારે ઠાકોરજી પાસે હરિભક્તોએ ઉત્સવ કર્યો ને બાપાશ્રીના હાથે સહુએ રંગ-ગુલાલની પ્રસાદી લીધી તે વખતે ગામના મોટા મોટા હરિભક્તોને એક કોર બોલાવીને બાપાશ્રીએ પૂછ્યું કે, ‘મારો વિચાર છત્રી પાસે ધર્મશાળા કરવાનો તથા એ ઠેકાણે હનુમાનજી પધરાવવાનો થાય છે; કેમ કે આ મહારાજની પ્રસાદીનું ચમત્કારી સ્થાન છે, તેથી દેશી-પરદેશી હરિભક્તો આવે તેને વહેલા-મોડું બેસવા-ઊઠવા થાય. વળી આપણે દર અષાઢી અમાસે છત્રીએ સમૈયો કરીએ છીએ ત્યારે નાનાં છોકરાં ને બાઈઓ સહુ આ સ્થાને જમે છે. (બાપાશ્રીએ ચુમોતેરની સાલમાં મોટો મંદવાડ જણાવી ત્યાં અષાઢી અમાસે સૌને જમાડેલા તે દિવસથી પોતે વર્ષોવર્ષ એ દિવસે જમાડવાનું ચાલુ રાખ્યું હતું.) વળી એકાદશીએ કે મોટા સમૈયાના દિવસે જઈએ છીએ ત્યારે ઘણા હરિભક્તો સાંજ સુધી ત્યાં રહે છે. કેટલાક હરિભક્તો બહારગામથી આવીને વચનામૃત વગેરે પુસ્તકની પારાયણો કરાવે છે. આ સ્થાનનો મહિમા તો હજી આગળ જતાં વધશે, તેથી મને એમ થાય છે કે, આટલું શુભ કામ કરીએ. ધર્મશાળા હશે તો જતાં-વળતાં હરિભક્તો બેસશે-ઊઠશે ને હનુમાનજી બિરાજશે તે સૌની કષ્ટ થકી રક્ષા કરશે, માટે આમાં તમો સૌ રાજી થઈને સેવા કરો તો આટલું કામ થઈ જાય.’ આ વાત સાંભળી હરિભક્તો ઘણા રાજી થયા ને કહેવા લાગ્યા જે, ‘તમે આવાં મોટાં કામ કરવા હોંશ કરો, તેમાં ગામને તો અતિશય લાભ છે. તમારે લીધે અમને ઘેર બેઠાં દેશીપરદેશી મોટા મોટા સંત-હરિભક્તોનાં દર્શન થયા કરે છે તે અમારાં કેવડાં ભાગ્ય છે! વળી આવાં સ્થાન તો પૃથ્વી રહે ત્યાં સુધીનાં સંભારણાં કહેવાય. ભલે ધર્મશાળા કરાવો ને હનુમાનજી પધરાવો, એમાં અમે રાજી છીએ ને ગામ પણ રાજી થશે અને હરિભક્તો તો જેમ તમે કહેશો તેમ સેવામાં ઊભા રહેશે.’ આમ ઊલટથી સૌએ હા પાડી. પછી હરિનવમીના સમૈયા પ્રસંગે બાપાશ્રી ધનજીભાઈ, દેવરાજભાઈ અને ઝીણાભાઈ આદિ ગામના હરિભક્તોને સાથે લઈ ભૂજ ગયા. ત્યાં સદ્‍ગુરુ સ્વામી મહાપુરુષદાસજી આદિ સંતોને આ વાત વિસ્તારથી જણાવી રજા માગી ત્યારે સંતોએ પણ ઘણો રાજીપો જણાવ્યો ને કહ્યું જે, ‘સુખેથી ધર્મશાળા ને હનુમાનજી તૈયાર કરાવો, અમે સહુ રાજી છીએ, પણ પહેલાં સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને લખી જણાવવાનું રાખશો. જો એ પોતે જ સંતોએ સહિત અહીં આવે તો વધુ ઠીક થાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એમને ત્યાં તો હમણાં સત્સંગમાં ખટપટ ઊપડી છે, તેથી ઓચિંતાના તેડાવીએ તો ત્યાં કોઈ મંદિરનાં કે સત્સંગનાં કામકાજ હોય તો બગડે. એ કરતાં કાગળમાં આ વાત જણાવી એમનો અભિપ્રાય મગાવી જોશું ને જો એ લખશે તો પછી કામ ચાલતું કરશું.’ આમ વાત કરી ત્યારે સંતો કહે, ‘ભલે, એમ કરજો.’ આ રીતે છત્રીની પડખે ધર્મશાળા કરવાનો તથા હનુમાનજી પધરાવવાનો સંકલ્પ દૃઢ કરી બાપાશ્રી વૃષપુર આવ્યા, પછી આ બધી વિગત બન્ને સદ્‍ગુરુઓને કાગળમાં જણાવી અભિપ્રાય મગાવ્યો. ત્યાં તો તેમના તરફથી થોડા દિવસમાં કાગળ આવ્યો જે, ‘આપે સંકલ્પ કર્યો છે તે ઠીક કર્યો છે. અમને ઘણી વાર એમ થતું હતું જે, છત્રીના ચમત્કારી સ્થાને આવું કાંઈક કર્યું હોય તો ઠીક, પણ એ વાત આપને જણાવી નહોતી ત્યાં તો આપે જ આ સંકલ્પ કર્યો તે બહુ સારું કર્યું છે. વળી એ સ્થાનમાં હનુમાનજીની પ્રતિષ્ઠા થશે, એટલે કેટલાક એ નિમિત્તે પણ મહારાજના પ્રસાદી-સ્થાને દર્શન કરી આત્યંતિક મોક્ષના ભાગ્યશાળી થશે; કેમ કે આપે ચરણારવિંદ પધરાવ્યાં ત્યારે આશીર્વાદ આપેલ છે.’ આવો પત્ર આવતાં પોતાને એમ થયું જે, ‘સદ્‍ગુરુઓનો પણ આ કામમાં રાજીપો છે, તેથી આ કામ હવે કેવી રીતે ચાલતું કરવું’ એ વિચાર કરવા લાગ્યા.