૩૨૬ - ગંગાબાઈને મહારાજ તેડી ગયા
વીરજીભાઈની વાતને હજુ થોડા દિવસ થયા ત્યાં કરાંચીમાં રહેતા સિંધી હરિભક્ત લાલુભાઈનાં પત્ની ગંગાબાઈ બહુ માંદાં થઈ ગયાં. પોતાને મહારાજનો દૃઢ નિશ્ચય, તેમ બાપાશ્રીનાં કરાંચીમાં દર્શન કરેલાં, તેથી ઘણો જ દિવ્યભાવ હોવાથી ઘડી ઘડી એ મહારાજ તથા બાપાશ્રીને સંભાર્યા કરે. લાલુભાઈએ તેમના માટે બનતા ઉપાય ઘણા કર્યા, પણ કાંઈ ફેર પડ્યો નહિ ને મંદવાડ તો વધતો જ ગયો, તેથી પોતે રોજ તેમની પાસે બેસી મહારાજ તથા મોટા મોટા સંતો અને બાપાશ્રીના મહિમાની વાતો કર્યા કરે. એમ કરતાં બે દિવસ તો એ સાવ અવાચક થઈ ગયાં, ત્યારે લાલુભાઈએ જાણ્યું જે, ‘આનો દેહ હવે રહે તેમ જણાતું નથી.’ તેથી મહારાજને પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ! હવે જેમ આપની મરજી હોય તેમ કરો,’ -આમ સંકલ્પ કર્યો, એટલામાં તો ગંગાબાઈને મહારાજનાં દર્શન થયાં ને ઓચિંતાંનાં બેઠાં થઈ હાથ જોડતાં તેમની સિંધી ભાષામાં બોલવા લાગ્યાં જે, ‘મહારાજ મને કહે છે કે, ‘ચાલો ધામમાં’ -ત્યારે લાલુભાઈ કહે, ‘મહારાજ ક્યાં છે?’ તો કહે, ‘વિમાનમાં, બાપા પણ સાથે બેઠા છે. મને કહે છે કે, જલદી નાહીને તૈયાર થાઓ.’ પછી નવરાવવાનું કરતાં લાલુભાઈની સાસુ તથા એક વૈદ્ય પાસે બેઠેલ તે કહેવા લાગ્યાં જે, ‘હવે તો સારું છે ને વાતો કરે છે. જો નવરાવશો તો માંદાઈ વધી જશે.’ લાલુભાઈ તેમને ઘણું સમજાવે, પણ એ માને નહિ ને ના પાડે ને અહીં બાપાશ્રી તે બાઈને કહે જે, ‘ઉતાવળ કરો, અર્ધા કલાકની વાર છે.’ તે વાત સાંભળી લાલુભાઈએ તેમને કહ્યું જે, ‘તમે મહારાજને પ્રાર્થના કરો જે, ‘મારાં લૂગડાં પવિત્ર છે. તેથી દયા કરી એમ ને એમ મને લઈ જાઓ.’ ત્યારે મહારાજ કહે, ‘ભલે! પણ તમે હવે બધાયની રજા લ્યો, એટલે તેડી જઈએ.’ તરત જ ગંગાબાઈએ પાસે ઊભેલા બધાયને હાથ જોડ્યા, માફી માગી ને કહ્યું જે, ‘બોલ્યુંચાલ્યું સૌ માફ કરજો. હવે હું જાઉં છું.’ પછી બાપાશ્રી કહે, ‘હવે મહારાજની મૂર્તિ સામું જોઈ રહો,’ –એમ કહેતાં તેમણે એકતાર મૂર્તિમાં વૃત્તિ જોડી દીધી. એટલે તરત દેહ પડી ગયો. તે જોઈ પાસે બેઠેલાં તેમનાં કુટુંબી તથા સગાંવહાલાંઓને મહારાજ તથા બાપાશ્રીનો બહુ જ મહિમા સમજાણો. પછી લાલુભાઈએ બાપાશ્રીને બનેલ વાત કાગળમાં જણાવી પ્રાર્થના લખી, ત્યારે બાપાશ્રીએ તેમના પર કાગળ લખ્યો જે, ‘શ્રીજીમહારાજ પોતાના ભક્તને અંત સમયે દર્શન દઈ અક્ષરધામમાં તેડી જાય છે, એવું પોતાનું બિરદ છે અને એ ટાણે મહારાજ જેવી ભક્તની ઇચ્છા હોય તેવાં દર્શન દઈ તેના મનોરથ પૂરા કરે છે. માટે શ્રીજીમહારાજ તથા તેમના મોટા મુક્તોનો મહિમા જાણી દિવ્યભાવે સહિત સદાય તેમને સંભારવા.’