૪૬૪ - જૂના વખતનો ખજાનો ખોલાવવા પ્રયત્ન

0:000:00

હવે ‘સત્સંગ મહાસભા’ની સ્થાપના થયા પછી તો મૂળીમાં બે પક્ષ સાવ ઉઘાડા પડી ગયા. હજી સાધુઓની બદલી થઈ નહોતી એટલે મંદિરનો કબજો તો એમ ને એમ હતો, પણ મંદિરમાં રિસીવર બેઠેલ હોવાથી કોઈને પોતાનું ધાર્યું કામ ન આવતાં, બીજું તો કાંઈ કરવા જેવું રહ્યું નહોતું, પણ એક જૂના વખતનો ખજાનો મંદિરમાં રહેતો હતો, તે ખોલાવવા સામા પક્ષ તરફથી વઢવાણ કાંપમાં પ્રાંત સાહેબને અરજી થઈ, તેથી તેમનો રિસીવર પર હુકમ આવી ગયો કે, ‘બેય પક્ષને જણાવી દ્યો ને ખજાનો તપાસવો છે તે માટે બંધ કરેલી દીવાલ તોડવા મજૂર, કડિયા વગેરે માણસો હાજર રાખો. હું આ ટાઈમે આવું છું.’ આવા ખબર મળતાં હરિભક્તોએ પાછી સભા ભરી, પ્રાંત સાહેબને તથા બીજે ઠેકાણે તારો કર્યા. આથી તેમણે રૂબરૂ મળી જવા હુકમ કર્યો, એટલે બસો જેટલા હરિભક્તો તેમની પાસે ગયા ને બધી હકીકત વિગતવાર જણાવી, ત્યારે એ ખજાનો ખોલવાની વાત બંધ રહી.