૧૭૨ - આગબોટ બચાવી તથા મેવાનો યજ્ઞ કર્યો
સવંત ૧૯૫૬ની સાલમાં બાપાશ્રી હરિભક્તોએ સહિત ગુજરાતમાં જતા હતા, ત્યારે સમુદ્રની ખાડી ઊતરવા જે આગબોટમાં બેઠેલ તે આગબોટ બરોબર વચ્ચે પહોંચી, ત્યાં એવું તો તોફાન થઈ પડ્યું કે, ખારવાઓ મહેનત કરી કરીને થાક્યા તોપણ આગબોટ નમી ગઈ ને માંહી પાણી ભરાવા લાગ્યું તેથી ચાલતી બંધ થઈ, એટલે સૌ નિરાશ થઈ ગયા. ખારવાઓ પણ બોલવા લાગ્યા જે, સૌને હવે માલિક બચાવે તો ભલે, કોઈની મહેનત કામ આવતી નથી. ‘હવે હિંદુ ભગવાન સંભારો ને મુસલમાન ખુદાને યાદ કરો,’ એમ કહી દરિયા સામું જોઈને હાથ જોડી, ‘હે અલ્લા! હે ખુદા!’ બોલતાં સહુને કહેવા લાગ્યા જે, ‘હવે તો માલિકનો આધાર છે, તે બચાવે તો ભલે.’ આવાં દીન વચન સાંભળી અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ માંહી બેઠા થકા હાથ લાંબા કરી આગબોટની બેય બાજુએ રાખી ઊંચી ઉપાડી તેથી તરીને સમી થઈ ગઈ. આ બધું આગબોટમાં છેડે બેઠેલા એક મેમણે જોયું, તેથી તે તો આશ્ચર્ય પામી ગયો. આગબોટ તો પાછી ચાલતી હતી, તેમ ને તેમ ચાલવા માંડી, ત્યારે આ મેમણે ખારવાઓને કહેવા માંડ્યું જે, ‘આ પુરુષે આપણને બચાવ્યા છે, નહિ તો આપણે અત્યારે ન હોત.’ ખારવાઓ તો તેની વાત પર વિશ્વાસ લાવતાં ‘અલ્લા! અલ્લા!’ કહેતાં વિચારમાં પડી ગયા. ત્યાં તો વવાણિયા આવ્યું. તેથી સૌ ઊતરી પડ્યા. તે વખતે એ મેમણે સૌના સાંભળતાં કહેવા માંડ્યું જે, ‘ભાઈઓ! મારી વાત તમને માનવામાં આવે કે ન આવે, પણ મેં મારી આંખે જોયું છે કે આપણી આગબોટ બૂડવા માંડી ત્યારે આ પુરુષે લાંબા હાથ વધારી ઊંચી ઉપાડીને ચાલતી કરી તે ઠેઠ આ કાંઠા સુધી એમ ને એમ હાથ રાખેલા, તે હું મારી નજરે જોતો આવ્યો છું.’ આ વાત સાંભળી આગબોટમાં બેઠેલા બધા માણસો આ મુક્તરાજને પગે લાગવા મંડ્યા ને એ મેમણે પોતાની પાસે મેવાનો કંડિયો હતો તે પ્રાર્થના કરી બાપાશ્રીને આપ્યો ને કહ્યું જે, ‘તમે આટલી મારી સેવા સ્વીકારો.’ બાપાશ્રીએ તેને ઘણી ના પાડી, પણ માન્યો નહિ ને કરગરવા મંડ્યો તેથી ત્યાં જ એ કંડિયો છોડી ખારવા તથા ઉતારુઓને બાપાશ્રીએ પ્રસાદી આપી ને ટ્રામમાં બેઠા, પછી પણ એ મેવો પહોંચ્યો ત્યાં સુધી જે આવે તેને થોડી થોડી પ્રસાદી દેતા આવે. એમ એ મેવો વહેંચાઈ રહ્યા પછી પોતે બોલ્યા જે, ‘આટલા કંડિયે મેમણનું કામ થઈ જશે. આ તો એને આપણો ગુણ આવ્યો, તેથી તેનો મેવાનો યજ્ઞ આપણા હાથે કર્યો,’ આ રીતે ચમત્કાર જણાવતા સૌ મૂળીએ પહોંચ્યા.