૫૨૪ - રાણીબાગ તીર્થરૂપ બન્યો
હવે બાપાશ્રી અને સંતમંડળ તથા વળાવવા ગયેલા હરિભક્તો કરાંચીથી રાત્રે ચાલ્યા તે સવારમાં હૈદરાબાદ પહોંચ્યા, ત્યાં સ્ટેશન પાસે રાણીબાગ નામનો બગીચો છે તેમાં ઊતર્યા. પછી સહુએ નાહી પૂજાઓ કરી લીધી એટલે હરિભક્તો મગજના લાડુનો ડબો સાથે લાવેલા તે બાપાશ્રી પાસે મૂકી પ્રાર્થના કરી જે, ‘આપ તથા સંતો પ્રથમ ઠાકોરજીને જમાડી પછી અમને પ્રસાદી આપો.’ એમ ઘણી તાણ કરવાથી બાપાશ્રી તથા સંતો પ્રથમ મહારાજને જમાડી જમ્યા. પછી હરિભક્તોની પંક્તિ કરી બાપાશ્રીએ પોતાને હાથે સહુને પીરસ્યું, તેથી હરિભક્તો પોતાનાં અહોભાગ્ય માની ઉમંગભર્યા શ્લોક બોલતા ‘જય’ બોલાવી જમવા લાગ્યા. એ જોઈ બાપાશ્રી ઘણા રાજી થયા ને સ્વામીશ્રી પાસે પ્રશંસા કરતાં કહેવા લાગ્યા જે, ‘આ હરિભક્તોને આપણે રાજી કરવા પડશે. તમારી પાસે કાંઈ મહારાજની પ્રસાદી હોય તો આપીએ.’