૫૭૧ - જુમલાનો વર્તમાન ધરાવી મોક્ષ કર્યો
ત્યાર પછી થોડા દિવસ થયા ત્યાં માનકૂવાથી બે કચ્છી બાઈઓ વૃષપુર આવતાં, ડુંગરાના માર્ગમાં મહારાજ તથા બાપાશ્રીના મહિમાની વાતો કરતાં કરતાં બોલતાં હતાં જે, ‘આપણે વૃષપુરમાં જઈને બાપાશ્રીનાં દર્શન કર્યા પછી અન્ન-જળ લેશું.’ આ વાત જુમલા નામનો જન એ માર્ગમાં રહેતો હશે, તેને જાણી તેથી તેણે એમ થયું જે, ‘આ કોઈ મોટા પુરુષ પાસે જતાં લાગે છે, જો હું એમના ભેળો જાઉં તો મારો મોક્ષ થાય.’ એમ જાણી તે બાઈમાં પ્રવેશ કર્યો. આ વાતની તે બાઈઓને ખબર પડી નહિ. એ તો વૃષપુરમાં આવી પહેલાં બાઈઓના મંદિરે ગયાં, ત્યાં મહારાજનાં દર્શન કરી બાપાશ્રીને ઘેર આવ્યાં, પણ ત્યાં કોઈ હતું નહિ તેથી વાડીએ હશે એમ જાણી તેઓ વાડીએ આવ્યાં, ત્યાં તો વાડીમાં ખડની ગંજી ફેરવાતી હતી, તેથી નાનામોટા સહુ કામ કરતા હતા ને બાપાશ્રી ખાટલા પર બેઠા બેઠા એ જોતા હતા. આ જોઈ તે બાઈઓ બાપાશ્રીને પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કહી છેટે બેઠાં. બાપાશ્રીએ તેમને કાંઈ પૂછ્યું નહિ, તેમ એ બાઈઓ પણ કાંઈ બોલ્યાં નહિ. થોડી વારે ગંજી ખડકાઈ રહી એટલે બાપાશ્રીએ સૌને ગોળ તથા બાફેલા મઠ વહેંચ્યા. એ ટાણે તે બાઈઓએ પણ સહુની સાથે પ્રસાદી લીધી. હજી એ પ્રસાદી સહુ જમતાં હતાં ત્યાં તો એક બાઈએ ધૂણવા માંડ્યું. બાપાશ્રી કહે, ‘ઓચિંતાનું આ બાઈને શું થયું? સૌ ધૂન્ય કરો.’ એમ કહેવાથી ત્યાં જેટલાં બાઈ-ભાઈ હતાં તેમણે પાસે જઈ તાળી વગાડતાં ‘સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!’ એમ ધૂન્ય કરવા માંડી પણ તે કાંઈ બોલે નહિ. પછી બાપાશ્રીએ પાસે આવી પાણી છાંટીને કહ્યું, ‘બોલ! તું કોણ છે?’ ત્યારે તેણે કચ્છી ભાષામાં બોલવા માંડ્યું, ‘આઉં જુમલો અય્યાં, (હું જુમલો છું)’ ત્યારે બાપાશ્રી પણ એજ ભાષામાં બોલ્યા જે, ‘તું કુરે લાય આયો અયાં‘ (તું શું કરવા આવ્યો છું?) ત્યારે તે કહે, ‘મુજો મોક્ષ કરિયો, મુખે ધામમેં વંજણું આહે’ (મારો મોક્ષ કરો, મારે ધામમાં જવું છે.) તેના આવાં વચન સાંભળી બાપાશ્રીએ તુરત જ વર્તમાન ધરાવી પાણી છાંટ્યું ને કહે, ‘જા, અક્ષરધામમાં.’ એમ કહેતાંમાં જ તે બાઈ શુદ્ધિમાં આવી ગઈ. આ રીતે તે જુમલાનો વાતની વાતમાં મોક્ષ કર્યો. પછી વાડીમાં સહુ ભેળા થઈ ગયા હતા તેને બાપાશ્રીએ કહ્યું જે, ‘જીવ ભગવાનને મૂકીને જ્યાંત્યાં રખડે તેના આવા હાલ થાય છે. આ જીવ કેવો દુઃખિયો હશે, પણ આવા જોગમાં આવી ગયો, તેથી સુખિયો થઈ ગયો. મોટાના જોગની વાત બહુ જબરી છે.’ પછી તે બાઈઓ રાજી થઈને પોતાને ગામ ગયાં.