૩૬૦ - પાટડીમાં મૂર્તિપ્રતિષ્ઠા ને જનનો મોક્ષ કર્યો

0:000:00

આ રીતે બાપાશ્રી મૂળીમાં પાંચ દિવસ રહી ઐશ્વર્ય-પ્રતાપ જણાવતા ત્યાંથી દશમને દિવસ લીલાપુર જઈ સેડલે ગયા ને ત્યાંના હરિભક્તોને રાજી કરી ગામ પાટડી પધાર્યા. હરિભક્તોને આગળથી ખબર હતા જે, ‘બાપાશ્રી રેલમાં આજ પધારે છે, તેથી સ્ટેશને ઘણા હરિભક્તો સામા આવેલા, તે સહુ દંડવત્ કરી મળ્યા,’ પછી મુક્તરાજ નાગજીભાઈ સાથે વાતો કરતા કરતા બાપાશ્રી સંત-હરિભક્તો સાથે ઉતાવળા મંદિરમાં આવ્યા. ફાગણ વદ બારસનો દિવસ હતો ને એ જ દિવસે સવારમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત હોવાથી મંદિરમાં સર્વે તૈયારી થઈ રહી હતી, ત્યાં આ મુક્તમંડળ આવતાં વધુ ધામધૂમ થવા લાગી. પછી બાપાશ્રી તથા સંતો મહારાજની ચંદન-પુષ્પથી પૂજા કરતા હતા. ત્યાં નવીન વાત એ બની કે, એ જગ્યામાં એક જન રહેતો હતો તે એ ટાણે આવીને એક ખૂણામાં ઊભો રહેલો, તેના સામું જોઈને બાપાશ્રીએ કૃપાદૃષ્ટિ વડે તેનો મોક્ષ કર્યો. પછી સમય થયો એટલે પ્રતિષ્ઠા કરી ‘જય’ બોલાવીને મહારાજને થાળ જમાડી સૌને પ્રસાદી વહેંચાવી. પોતે સભામાં એ વાત કરી જે, ‘આ જગ્યા બહુ મેલી ગણાતી, તેથી કોઈ લેતું નહીં.’ પછી નાગજીભાઈએ આવીને અમને એમ કહ્યું જે, ‘જગ્યા બહુ સસ્તી મળે છે, પણ માંહી જન રહે છે, તે જનનો મોક્ષ કરો તો એ મંદિર માટે લઈએ.’ ત્યારે અમે હા પાડી હતી. તે જન આજ પ્રતિષ્ઠા વખતે આવીને ખૂણામાં ઊભો રહ્યો હતો; તેથી તેનું (આ સોંઘી જગ્યા એને લઈને મળી, એટલી સેવા માની) કલ્યાણ કર્યું. આ વાતથી સૌ આશ્ચર્ય પામી ગયા. આ મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવમાં બાપાશ્રી તથા સંતોનાં દર્શનનો મોટો લાભ જાણી ગામપરગામથી ઘણા હરિભક્તો આવેલા, તે સૌને જમાડવા મુક્તરાજ નાગજીભાઈ તથા તેમના ભાઈ કાળિદાસે આગળથી સીધા-સામગ્રી તૈયાર કરાવી રાખેલ, તેમ લાડુ પણ ઘણા કરાવેલ હોવાથી દાળ, ભાત, શાક વગેરે તૈયાર થતાં મહારાજને થાળ જમાડી સંત-હરિભક્તોની પંક્તિઓ કરાવી, પણ આ દિવ્યસમૂહ ઘણો જોઈ કાળિદાસભાઈના મનમાં એવા સંકલ્પ થયા કરે જે, ‘લાડુ પૂરા થશે કે કેમ?’ ત્યાં તો પંક્તિમાં લાડુ પીરસાવા માંડ્યા, તે પહેલી પંક્તિમાં જ લાડુ ઘણા વરી ગયા એ જોઈ તેમની ધીરજ ન રહેતાં આ વાત તેમણે બાપાશ્રીને કરી કે, ‘બાપા! આજ સામાન ઘણો વરી જશે એમ મને જણાય છે. લાડુ ઘણા કરાવી રાખ્યા હતા તે થઈ રહેવા આવ્યા. હવે બીજું તો બધું ઠીક, પણ આ ગામમાં લોટ તૈયાર ન મળે, તેથી જો લાજ રહે તો સારું.’ ત્યારે બાપાશ્રી કહે ‘તમે એવા સંકલ્પ કેમ કરો છો? ફિકર રાખશો નહિ, લાડુ વધી પડશે. સ્વામિનારાયણ ભગવાન ખૂટવા નહિ દે,’ એવાં વચન સાંભળી તેમને હિંમત આવી. પછી તો તેમણે જ પીરસનારાઓને કહેવા માંડ્યું જે, ‘બાપાશ્રી આમ બોલ્યા છે માટે ખૂબ પીરસજો, ખૂટશે નહિ.’ આ રીતે સહુને છૂટથી જમાડ્યા, તોય લાડુ ઘણા વધી પડ્યા, તેથી કાળિદાસભાઈ તથા સંત-હરિભક્તો ઘણા રાજી થયા. મુક્તરાજ નાગજીભાઈના મનમાં એમ હતું જે, ‘બાપાશ્રી તથા સંતો પધારશે, ત્યારે આપણે તાણ કરી ત્રણ-ચાર દિવસ તો રોકશું,’ પણ સીધા-સામગ્રીમાં પહેલે દિવસે જ તાણ પડી એટલે એ પણ વિચારી રહ્યા બાપાશ્રીએ તો પાધરું તેમને જ પૂછવા માંડ્યું કે, ‘નાગજીભાઈ! તમારી કેવી મરજી છે! અમે રહીએ કે જઈએ?’ ત્યારે તે કહે, ‘બાપા! હવે આપની મરજી એ મારી મરજી છે. તમને ફાવે તેમ કરો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારે ત્રણ-ચાર દિવસ રાખવાનો સંકલ્પ હતો તે આજ પૂરો થઈ ગયો એમ જાણજો.’ પછી કાળિદાસભાઈને બોલાવીને તેમને પણ રાજી કરી દીધા ને તેમના ઘેર ઉતારો કરાવેલ હોવાથી પ્રસન્નતા જણાવી બોલ્યા જે, ‘આ દિવ્ય સભાનો ઉતારો તમારા ઘરમાં થયો તે સદાયનું સંભારણું થયું, એમ જાણી મહારાજ ભેળા સૌને સંભારજો. આ તો દિવ્ય સભા છે ને લીલા પણ દિવ્ય છે, તેથી ઘર પણ ધામરૂપ થઈ ગયાં’ -એમ કહીને આશીર્વાદ આપ્યો જે, ‘તમારા ઘરના બારણામાંથી જે નીકળશે તેને અમે અક્ષરધામમાં મહારાજ પાસે લઈ જશું.’ પછી હરિભક્તોને પણ બાપાશ્રીએ એમ કહ્યું જે, ‘આ મંદિર હવે અક્ષરધામરૂપ બની ગયું. પહેલાં સહુ એમ કહેતા હતા જે, આ જગ્યામાં જન રહે છે, કાંઈક બીક જેવું છે; તે બીક હવે કોઈ રાખશો નહિ. જ્યાં શ્રીજીમહારાજ તથા તેમની દિવ્ય સભા આવીને બિરાજમાન થાય ત્યાં માયા કે એવું બીજું કોઈ ઊભું રહી શકે નહિ. અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે શ્રીજીમહારાજ, તેમનાં દર્શન જે સ્થાનમાં થાય તે સ્થાનનો મહિમા મુખ થકી કહી શકાય નહિ.’ એવાં મહિમાનાં વચનો કહેતા હરિભક્તોને રાજી કરી બીજે દિવસ અમદાવાદમાં આવી સૌએ નરનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દિવ્ય મૂર્તિઓનાં દર્શન કર્યા. ત્યાં પણ સંત-હરિભક્તોને રાજી કર્યા; પછી સૌ જેતલપુર આવ્યા.