૧૬૬ - ભોજા ભક્તને ધામમાં મોકલ્યા
આ વખતે એક ભોજા ભક્ત નામના હરિભક્તને આ લોકમાંથી મહારાજના સુખમાં ઝટ પહોંચવાની તાણ થતાં તેને એમ થયું જે, ‘આવા અવસરે ભાઈશ્રી પાસે બેઠા હોય ને અક્ષરધામમાં ચાલ્યા જઈએ તો કેવું! આ રોગમાં ન કોઈ પાસે ચાકરી કરાવવી પડે કે નહિ કાંઈ વાર.’ આવા વિચારથી તેણે હાથ જોડી પ્રાર્થના કરી જે, ‘ભાઈ! વાડીમાં ઠાકોરજી બિરાજે છે, તેથી અહીં પ્લેગ નહિ આવે, પણ ગમેતેમ કરી પ્લેગને બોલાવી મને આ અવસરે ધામમાં મોકલી દ્યો તો ઠીક. પછી આવો જોગ ક્યાંથી આવે?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘વાડીમાં તો ઠાકોરજી બિરાજે છે તેથી પ્લેગ આવે તો ઠીક કહેવાય નહિ.’ તોય તે તો પ્રાર્થના કરવા માંડ્યા ત્યારે પોતે એમ બોલ્યા જે ‘ભલે, તમારી ઇચ્છા હશે તો આવતી કાલે બોલાવશું.’ હરિભક્તોએ જાણ્યું જે, ‘ભાઈશ્રી હસતા હસતા રમૂજ કરે છે, પણ જ્યાં સવાર થયું ત્યાં તો તેમને પ્લેગ જણાયો;’ ત્યારે તે રાજી થઈ ગયા ને ‘હે દયાળુ! હે મહારાજ! બહુ દયા કરી,’ -એમ બોલતાં તેમણે ભાઈશ્રીને કહ્યું જે, ‘મને હવે એક વાર તમારે હાથે શીરો જમાડો, એટલે મારે કાંઈ બાકી ન રહે.’ પછી તેમના કહેવા પ્રમાણે આ મુક્તરાજે તેમને પોતાને હાથે શીરો જમાડ્યો ને પાસે બેસી મહારાજમાં વૃત્તિ રખાવી અક્ષરધામમાં મોકલી દીધા. આ વખતે કેટલાક એમ બોલવા મંડ્યા જે, ‘તમે એમને અડ્યા છો તે તમને પાશ લાગશે,’ ત્યારે ભાઈશ્રી કહે, ‘અમને તો એક શ્રીજીમહારાજ વિના બીજા કોઈનો પાસ જ લાગે નહિ.’
ત્યાર પછી થોડા દિવસે પ્લેગ તદ્દન ઘટી ગયો જાણી હરિભક્તો ગામમાં જવાનો વિચાર કરવા લાગ્યા; ત્યારે ભાઈશ્રી કહે, ‘હજી દસ દિવસ ખમીને સૌ ભેગા ચાલશું.’ પણ કાનજીભાઈ આદિકે ઉતાવળ કરી માન્યું નહિ ને પોતાના ઠાકોરજી લઈને ગામમાં ગયા. પછી તો એને ઘેરથી જ બેત્રણ મનુષ્ય પ્લેગથી મરી ગયા. આ વાતની ડૉક્ટરને ખબર પડવાથી તેને ઘણો ઠપકો આપ્યો ને ઘરમાં દવા છાંટી સળગાવવાનો હુકમ તેના માણસોને કર્યો; પછી એ વાડીએ આવ્યા ને સાથે ગામધણી પણ આવેલ હતા તેણે ભાઈશ્રીને કહ્યું જે ‘અમને તમે ખબર કેમ ન આપ્યા? જો અમે જાણ્યું હોત કે, તમારી રજા વિના આ માણસો ઉતાવળ કરે છે, તો કોઈને ગામમાં પેસવા દેત નહિ, પછી દવા છાંટી તેનું ઘર સળગાવવાનો હુકમ કરીને આવ્યા છીએ,’ -એમ ડૉકટરે કહ્યું, ત્યારે ભાઈશ્રીએ તેને બહુ પ્રકારે સમજાવી ના પડાવી, એ વાત બંધ રખાવીને ફક્ત એને સૌથી છેટે રાખ્યો. પછી જે જે ગામમાં ગયા હતા તે આ વાત જાણી બહાર આવતા રહ્યા ને અઠવાડિયા પછી જ્યારે ભાઈશ્રીએ કહ્યું કે, ‘હવે ચાલો,’ ત્યારે પ્રથમ ઠાકોરજીને વાજતેગાજતે ગામમાં લઈ ગયા. ત્યાર પછી સૌ ગામમાં આવ્યા ને ગામ જમાડ્યું. એ ટાણે ગામધણી કહે, ‘તમારે સોગ છે ને સૌને કેમ જમાડો છો?’ -ત્યારે ભાઈશ્રી કહે, ‘અમારે સોગ ન હોય.’ એ વચનથી તેને બહુ ગુણ આવ્યો.