૨૮૩ - જવાબદારી તથા આશીર્વાદ-વચન

0:000:00

આ પ્રતિષ્ઠોત્સવ પ્રસંગે જ્યાં ને ત્યાં હજારોની સંખ્યામાં મનુષ્યો જોવામાં આવતાં ભૂજના મહારાઓશ્રીએ કોટવાળ ધનજીભાઈને કહ્યું હતું કે, ‘ધનજી! કચ્છમાં થોડો થોડો પ્લેગનો રોગ ચાલ્યા કરે છે ને હમણાં ભૂજમાં માણસોની ભીડ ઘણી થઈ ગઈ છે તો એ પ્લેગની જવાબદારી કોણ માથે રાખે છે?’ આવાં વચન સાંભળી ધનજીભાઈએ મહારાજનું બળ રાખી એમ કહ્યું કે, ‘બાવા! આ સમૈયો ભગવાનની પ્રતિષ્ઠાનો છે, તેથી પ્રતિષ્ઠા થઈ રહ્યા સુધી કાંઈ હરકત નહિ આવે. તેની જવાબદારી મારે માથે રાખું છું.’ આવાં તેમનાં હિમંતના વચનથી મહારાઓશ્રીએ રજા આપી હતી, પણ પોતાના મનમાં એમ રહ્યા કરતું જે, ‘જવાબદારી તો માથે રાખી, પણ મહારાજ ને મોટા રક્ષા કરે તો ઠીક.’ પછી એજ વિચારમાં તે મંદિરમાં’ આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી, ઠાકોરજી આગળ મેડે ચડવાનાં પગથિયાં પાસે ગમગીન જેવા બની એ જ વિચાર કરતા ઊભા હતા ત્યાં સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજી સભામાં બેઠેલા તે થૂંકવા નિમિત્તે કઠેડા આગળ આવ્યા ને પાધરા જ ધનજીભાઈના ખંભા પર હાથ મૂકી બોલ્યા જે, ‘ધનજીભાઈ! સ્વામિનારાયણ ભગવાન છે, તે આ સમૈયામાં કોઈ મનુષ્યને કોઈ જાતનું દુઃખ આવવા નહિ દે, તમે કોઈ ચિંતા ન કરશો, પણ પ્રતિષ્ઠા થઈ રહ્યા પછી કોઈને રોકશો નહિ, સહુને તુરત રજા આપી દેજો.’ આમ તેમના સંકલ્પને અંતર્યામીપણે જાણી આશીર્વાદ આપવાથી ધનજીભાઈ રાજી રાજી થઈ ગયા.