૪૭૬ - યજ્ઞ કરવાનો સંકલ્પ જણાવ્યો
બાપાશ્રીને હજુ શરીરમાં બરાબર રહેતું નહિ, એટલે વિચાર કરતાં ને વાતો કરતાં બે મહિના નીકળી ગયા. પછી તો હરિભક્તો કહેવા લાગ્યા જે, ‘હવે ચોમાસામાં કામ કરવાનું ઠીક નહિ પડે; જો અન્નકૂટના સમૈયા પછી કામ ચાલતું કર્યું હોય તો વસંતપંચમી સુધીમાં પૂરું થઈ જાય. એ ટાણે હરિભક્તોને સેવા કરવાનું પણ ઠીક પડે. તેમ મૂળી, અમદાવાદથી સંતોને આવવાનું હોય તો ય આવી શકે.’ આ વાત બાપાશ્રીને ઠીક લાગી. પછી હળવે હળવે ધનજીભાઈ તથા ગામના હરિભક્તો મારફતે કડિયાનું નક્કી કરીને હનુમાનજીની મૂર્તિ તૈયાર કરવાનો ઠરાવ કર્યો ને ધર્મશાળા કેવી રીતે કરવી વગેરે વિચાર કરવા લાગ્યા. પોતે રોજ કથા કરે, વાડીએ જાય, સંત-હરિભક્તો આવે તેની સેવા કરે, એમ કરતાં હિંડોળાના દિવસો આવ્યા ત્યારે હરિભક્તો સાથે પોતે ભૂજ દર્શને ગયા. ત્યાં પણ સંત-હરિભક્તોને પાછી આ વાત કરી કે, ‘દિવાળી પછી ધર્મશાળાનું કામ ચાલતું કરવું છે ને કડિયા સાથે એ કામનો તથા હનુમાનજીની મૂર્તિ તૈયાર કરી દેવાનો ઠરાવ કરેલ છે. છત્રીએ આ બધું કામ પૂરું થઈ જશે ને હનુમાનજી પધરાવશું ત્યારે પાછો યજ્ઞ કરશું.’
બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને આવી વાત બહુ જ ગમતી, એટલે એમણે તો પૂછવા માંડ્યું જે, ‘બાપા! યજ્ઞ કરવાનું કહો છો તે કેવો યજ્ઞ કરશો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે બધા સંત-હરિભક્તો રાજી થશો એવો!’ એમ કહીને બોલ્યા જે, ‘આપણે તો શ્રીજીમહારાજ મળ્યા ત્યારથી રોજ રોજ બ્રહ્મયજ્ઞ થયા કરે છે એ સાત્વિક યજ્ઞની રીત જુદી ને આવા યજ્ઞની રીત પણ જુદી. આમાં હજારો સંત-હરિભક્તો ભેગા થાય, જમે, રમે ને કથાવાર્તા કરી સુખિયા થાય. ત્યારે સાત્વિક યજ્ઞમાં તો મૂર્તિરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જતાં કોઈ જાણેય નહિ.’ આવી જ રીતે ભૂજમાં ઘેલાભાઈ, ધનજીભાઈ, ભોગીલાલભાઈ, લાલશંકરભાઈ વગેરેને વાતો કરી પોતાને છત્રીએ યજ્ઞ કરવાનો છે તે વિચાર જણાવી દીધો. પછી તો પરસ્પર વાતો ચાલતાં સહુને ખબર પડતી ગઈ કે, ‘બાપાશ્રી છત્રીએ ધર્મશાળા કરાવી હનુમાનજી પધરાવવાના છે ને મોટો યજ્ઞ કરવાના છે.’